ગુજરાતમાં 4 દાયકાથી રહેતા હોવા છતાં તમે ગુજરાતી નથી, નહીં મળે અનામતનો લાભ

ગુજરાતમાં સૌ પ્રથમ દેશમાં ભલે સવર્ણ અનામતનો લાભ અપાયો હોય તેમાં છૂટછાટ પણ ગુજરાતની રૂપાણી સરકારે આપી છે. આ સાથે એ નોંધવું ઘટે કે 1978 બાદ ગુજરાતમાં રહેવા આવનારને સામાન્ય વર્ગમાં 10 ટકા આરક્ષણનો લાભ નહીં મળે. આમ ગુજરાતમાં 1978 બાદ એટલે 4 દાયકાથી રહેતા ગુજરાતીને પણ અનામતનો લાભ નહીં મળે. આ નિયમ એટલા માટે સરકારે બનાવ્યો છે કે, નોકરીમાં ગુજરાતીઓને પ્રાથમિકતા મળે અને તેમના હિતોની રક્ષા થાય.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, 10 ટકા આરક્ષણનો લાભ તેને જ મળશે જે 1978 પહેલાંથી ગુજરાતમાં રહી રહ્યાં છે અથવા એ પહેલાં બહારથી પણ રહેવા આવ્યા હોય. આમ અનામતનો લાભ લેવા માટે તમારે પણ ગુજરાતી હોવાનું સાબિત કરવું પડશે.

ફક્ત આઠ લાખની આવકને આધારે જ સવર્ણ અનામતના લાભની જોગવાઈ

ગુજરાતમાં સવર્ણો માટે 10 ટકા અનામત લાગુ કરવામાં આવી છે તેમાં 33 ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવી છે. સરકારે અનામતનો લાભ આપવા માટે વાર્ષિક આઠ લાખ થી ઓછી આવકની મર્યાદા રાખવામાં આવી છે. નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે આર્થિક રીતે પછાત વર્ગના યુવાઓ-વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારે 10 ટકા આર્થિક અનામત આપવાનો કાયદો બનાવ્યો છે, તે અન્વયે ગુજરાત સરકારે પણ સમગ્ર દેશમાં પ્રથમવાર આ કાયદાનો અમલ કરવાનો નિર્ણય કરીને વાર્ષિક આઠ લાખથી ઓછી આવક ધરાવતા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા યુવાનોને 10 ટકા આર્થિક અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે ઘર અને ભૂમિની સીમા સહિતની શરતો હટાવી દીધી છે. ફક્ત આઠ લાખની આવકને આધારે જ સવર્ણ અનામતના લાભની જોગવાઈને માન્ય રાખી છે. આમ દેશમાં એક માત્ર ગુજરાત રાજ્યે મોદી સરકારે લીધેલા નિર્ણયથી અલગ જઈને અમુક નિયમોમાં ફેરફાર કર્યા છે. મોદી સરકારે સવર્ણોને અનામત આપવામાં ઘર અને જમીનની પણ જોગવાઈની શરતો રાખી હતી. આ શરતોને પગલે ગુજરાતમાં લાભકર્તાઓને અન્યાય થવાની સંભાવના હોવાથી ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે.

આ છે અનામતનો લાભ મેળવવાના નિયમો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં આર્થિક રીતે નબળા યુવાનોને સહાયરૂપ થવાં મંત્રીમંડળના સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી આ મહત્વનો નિર્ણય કર્યો છે.  કેન્દ્ર સરકારે ૧૦ ટકા આર્થિક અનામત આપવા માટે આવક સાથે જમીન માલિકી તથા રહેણાંકના ઘરની માલિકી અથવા ખુલ્લા પ્લોટની માલિકી ધરાવવી એવી વિવિધ જોગવાઇ રાખી છે. સવર્ણ યુવાનોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે આર્થિક અનામતના લાભ અંગે ટુંક સમયમાં મંત્રીમંડળે કરેલા નિર્ણય પ્રમાણે રાજ્ય સરકાર નોટીફીકેશન બહાર પાડશે. વાર્ષિક આઠ લાખની આવકમાં ઉમેદવાર પોતે તેમના માતા-પિતા અને 18 વર્ષથી ઓછી ઉંમરના ભાઇ-બહેનની આવક ગણવામાં આવશે. આ આવકમાં કોઇ પણ નોકરીનો પગાર, ખેતીવાડીની આવક, ધંધા-વ્યવસાયની આવક વિગેરે સહિત ગણવામાં આવશે.

દરેક ભરતીમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે

રાજ્યમાં વર્ષ 1978 પહેલાથી વસતાં હોય તેવા તમામ સવર્ણ સમાજના કુંટુંબની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી થતી હોય તેવાં યુવાનો અને વિદ્યાર્થીઓને આર્થિક અનામતનો લાભો મળશે. આ ઉપરાંત રાજ્ય સરકારની નીતિ પ્રમાણે દરેક ભરતીમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે તેમ સવર્ણ સમાજની અનામત બેઠકોમાં પણ 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનાર વિવિધ ભરતી પ્રક્રિયામાં પણ હવેથી 10 ટકા આર્થિક અનામતની જોગવાઈ ઉમેરીને નિમણુંકની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકારની નોકરી કે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે આઠ લાખથી ઓછી આવકનું એક જ ધારાધોરણ જે નક્કી કર્યું છે તે લાગું પડશે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા થનાર ભરતી તેમજ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટેના ધોરણો કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબના રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter