ખેડૂતો માટે બહુ મોટી જાહેરાતોના દાવા છેલ્લા બે એક દિવસથી થતા હતા. સૌ કોઇ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા. પણ નીતિન પટેલે ડૂંગર ખોદીને ઉંદર કાઢ્યા જેવો ઘાટ ઘડાયો છે. વરસાદ ખેંચાતા પીડાઇ રહેલા ખેડૂતોને સીધી અને તરત લાભ મળે તેવી કોઇ જાહેરાત કરવાને બદલે અકસ્માત વીમાની રકમ એક લાખથી વધારી બે લાખ કરવાની જાહેરાત કરાઇ. સાથે જ તેનો વ્યાપ વધારવાની જાહેરાત કરી, ટેકાના ભાવ, દેવા માફી જેવા અનેક મુદ્દે રાહત જોતા ખેડૂતોને ભાજપે ઠેંગો બતાડ્યો હતો.
જો કે આ જ ભાજપ સરકારે દલા તરવાડીની વાડીમાંથી તમામ ધારાસભ્યોને લહાણી કરવામાં જરા પણ વાર નહોતી લગાડી. પોતાના પગાર વધારામાં કુલડીમાં ગોળ ભાંગીને રાતોરાત વધારો કરી દીધો હતો. પરંતુ ખેડૂતોને સરકાર હજુ ટટળાવી રહી છે. આવુ જ કઇક આમ આદમીનુ છે. રોજેરોજ થોડા થોડા ભાવ વધારાના ઝટકા પેટ્રોલ ડીઝલમાં જનતાને મળી રહ્યા છે. તેમ છતા તેમાં હજુ સુધી કોઇ રાહત નથી અપાતી.