GSTV
Home » News » જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. રાત્રીના બાર વાગતા જ મંદિર પરિસર માખણ ચોર, જય રણછોડ અને નંદ ઘેર આનંદ ભયોના નાદથી ઉજવણી કરી હતી. કૃષ્ણ જન્મના વધામણા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી ઇકો થીમ પર રાખવામાં આવી છે. ભગવાનને ૧૮ જાતના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં ગોવર્ધન લીલા, દામોદર લીલા પણ જોવા મળી હતી. વૃંદાવનથી સિલ્કના વસ્ત્ર માંગવામાં આવ્યા હતા. ભગવાનને 256 પ્રકારની વાનગીઓનો ભોગ ચડવામાં આવ્યો હતો.

હરે ક્રિષ્ના હરે રામાની ધુનથી મંદિર ગુંજી ઉઠયું

બાળકો માટેનો યોર કૃષ્ણ થીમ પણ બનાવામાં આવી હતી. ભક્તોની જય રણછોડ માખણ ચોર, હરે ક્રિષ્ના હરે રામાની ધુનથી મંદિર ગુંજી ઉઠયું હતું. ત્રણ દિવસમાંના કાર્યક્રમમાં 60થી વધારે અમદાવાદની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દર્શનાથીઓ માટે પ્રસાદ સિવાય પપેટ શો, મેજીક શો, ગોપી ડોટ્સ ટેટુ આર્ટ અને બાળકો માટે રાઇડ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથો સાથ મંદિરમાં અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓના એલર્ટ પગલે ઈસ્કોન મંદિર ખાતે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 150થી વધુ પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા હતા.

નીતિન પટેલે ભગવાનની આરતી ઉતારી

ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભાવિકભક્તો ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમી પર્વ નિમિતે રાધાજી અને કૃષ્ણને સુંદર સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભગવાનના આ અલૌકિક અને સુંદર સ્વરૂપના દર્શન માટે ઇસ્કોન મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ ઇસ્કોન મંદિરની મુલાકાત લઇ શ્રીહરિના દર્શનનો લ્હાવો લીધો હતો. તેમણે ભગવાનની આરતી ઉતારી, નીતિન પટેલે જન્માષ્ટમી પર્વની સૌ કોઇને શુભેચ્છા પાઠવી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરી હતી.

દ્વારકા ખાતે શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી

પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને દ્વારકા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં વ્હાલાના વધામણા કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જન્માષ્ટમી પર્વ નિમિતે સમગ્ર મંદિર પરિસરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંદિરના કપાટ ખુલતા જ શ્રીહરિની એક ઝાંખી જોવા માટે અને લાલાને લાડ લડાવવા માટે ભક્તો જાણે કે અધીરા બન્યા હતા. નટખટ નંદલાલને રમાડવા અને ઝુલે ઝુલાવવાનો લહાવો લઈ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

કલ્યાણ પુષ્ટિ હવેલીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ

જન્માષ્ટમી પર્વની દેશભરમાં ભારે ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલીમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી માટે વિદેશ રહેતા લોકો પણ દર વર્ષે ખાસ ભારત આવતા હોય છે. ત્યારે અમેરિકા સહિત અન્ય દેશોમાં વસતા ગુજરાતીઓ જન્માષ્ટમી ઉજવવા વતન આવ્યા છે. વિદેશથી આવેલા ભક્તોએ ભગવાનના વિવિધ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકામાં ભવ્ય રથયાત્રા યોજાઇ

જન્માષ્ટમી નિમિતે દ્વારકામાં ભવ્ય રથયાત્રા યોજાઇ હતી. કાન્હા વિચાર મંચ દ્વારા આયોજીત આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રથયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી કરાવતા વિવિધ ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું. તો નાનકડા ભૂલકા પણ કાન્હાની વેશભૂષામાં સજ્જ થઇને રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રામાં કૃષ્ણ ભક્તિના ગીતોમાં ડીજેના તાલે અનેક યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમ માડમ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!