કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે ગઈકાલે બુરખો પહેરીને જતી વિદ્યાર્થિનીને અન્ય વિદ્યાર્થીઓના ટોળાએ ઘેરી લીધી હતી. વાયરલ થયેલા વિડિયોમાં દેખાતુ હતુ કે, ટોળાએ તેને ઘેરીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને તે સમયે આ યુવતીએ પણ સામે અલ્લાહ હૂ અકબરનો નારો લગાવીને જવાબ આપ્યો હતો.
આ વિડિયો વાયરલ થયા બાદ યુવતી રાતોરાત ચર્ચામાં આવી ગઈ છે. યુવતીનુ નામ મુસ્કાન છે અને તેનુ કહેવુ છે કે, લોકો મારુ સમર્થન કરી રહ્યા છે. મારા હિન્દુ મિત્રો પણ મને ફોન કરીને સમર્થન આપી રહ્યા છે. હું મારા હિ્ન્દુ અને મુસ્લિમ મિત્રો વચ્ચે સુરક્ષિત અનુભવુ છું. આ બધુ બહારના લોકો કરી રહ્યા છે.

મુસ્કાને કહ્યુ હતુ કે, હું ક્લાસમાં હિજાબ પહેરુ છું અને બુરખો ઉતારીને બેસુ છું.આજ સુધી મને મારા શિક્ષકો કે પ્રિન્સિપાલે કશું કહ્યુ નથી. આ બધુ બહારના લોકો કરી રહ્યા છે. હિજાબના સમર્થનમાં અમે વિરોધ ચાલુ રાખીશું. હિજાબ અમારો હિસ્સો છે. આ અમારી મુસ્લિમ યુવતી હોવાની ઓળખ છે અને અમારો ધર્મ પણ છે.

મુસ્કાન વિડિયો વાયરલ થયા બાદ ફેમસ થઈ ગઈ છે. તેણે એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હું કોલેજમાં એસાઈનમેન્ટ માટે ગઈ હતી. લોકો મને અંદર જવા દેતા નહોતા કારણકે, મે બુરખો પહેર્યો હતો. તે કહી રહ્યા હતા કે, પહેલા બુરખો ઉતારો, હું ફરી ત્યાં ગઈ તો વિદ્યાર્થીઓએ મને ઘેરી લીધી હતી અ્ને જય શ્રી રામનો નારો લગાવવા માંડ્યા હતા. જવાબમાં મેં પણ અલ્લાહ હૂ અકબરનો નારો લગાવ્યો હતો. મારા ટીચર અને પ્રિન્સિપાલે મને સપોર્ટ કરીને ભીડમાંથી બહાર કાઢી હતી. મુસ્કાન કહે છે કે, તેમના સપોર્ટના કારણે મારો ડર ખતમ થઈ ગયો હતો, હું બુરખો પહેરવાનુ ચાલુ રાખીશ.