સીંગની ચીક્કી કડક થઇ જાય છે? આટલું કરશો તો બનશે પોચી અને સ્વાદિષ્ટ

ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. પરંતુ સિંગની ચિક્કી બનાવતી વખતે અમુક ચીજોનું ધ્યાન ન રખાય તો તે કડક થઈ જાય છે અને ખાવાની મજા નથી આવતી. તમે આ રીતથી ચિક્કી બનાવશો તો કડક નહિ પરંતુ એકદમ પોચી અને સ્વાદિષ્ટ બનશે સીંગની ચિક્કી.

સામગ્રીઃ

15 પીસ જેટલી સીંગની ચિક્કી બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.
1 કપ મોળી શેકેલી સીંગ
પોણો કપ સમારેલો ગોળ
2 મોટી ચમચી ઘી

આ રીતે ઓગાળો ગોળ

ગેસ પર એલ્યુમિનિયમની એક કડાઈ ગરમ કરો. તેમાં ગોળ ઉમેરી તેને મોટા તાપે જ બે મિનિટ ગરમ કરો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. ત્યાર પછી ગેસ ધીમો કરી દો અને ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહો. આમ કરવાથી તેના પર સહેજ ફીણ જેવુ વળશે અને તેનો રંગ બદલાઈ જશે. ગેસ બંધ કર્યા પછી પણ થોડો સમય માટે ગોળ હલાવતા રહો.

ચિક્કીનું મિશ્રણ આ રીતે બનાવો

ગોળ આ રીતે પીગાળ્યા બાદ તેમાં શેકેલી સીંગ અને ઘી ઉમેરી તેને બરાબર હલાવી દો.

ચિક્કી પાથરવાની આ છે રીતઃ

પ્લેટફોર્મ પર સહેજ ઘી લગાવી ચિક્કી પાથરવાની હોય તેટલો વિસ્તાર ચીકણો કરો. ત્યાર પછી ગોળ-સીંગનું મિશ્રણ પાથરીને વેલણથી કે ફ્લેટ તવાથી તેને ફેલાવી દો. ફેલાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે મિશ્રણ પ્લેટફોર્મ પર ચોંટે નહિ.

આ રીતે પાડો ચોસલા
જ્યારે મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ તે પથરાઈ જાય પછી તરત જ એક ધારદાર ચપ્પાની મદદથી તેમાં એકસરખા ચોરસ ચોસલા પાડી દો. અને પછી મિશ્રણને ઠંડુ પડવા દો. મિશ્રણ ઠંડુ પડે એટલે આ ચોસલા એક પછી એક અલગ પાડો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter