રાજ્યમાં 24 જૂને શહીદ યાત્રાની સાથે સાથે અનામત આંદોલન જીવંત કરવાની કવાયત ચાલી રહી છે. ત્યારે એક સવાલ એ પણ ઊભો થયો છે કે શું પાટીદાર આંદોલનથી પટેલ સમાજને ફાયદો થયો છે ખરો? કારણ કે પાટીદાર આંદોલન પહેલા વિધાનસભામાં 57 ધારાસભ્યો હતાં તે ઘટીને 40 થઇ ગયા છે.
પાટીદાર અનામત આંદોલનથી મજબૂત ગણાતી પટેલ વોટ બેંકના ભાગલા પડ્યાં છે અને તેનું વધુ નુકસાન રાજકીય પાર્ટીઓ કરતાં પટેલોને વધારે થયું છે. કારણ કે અનામતની માગ સાથે શરૂ થયેલા આંદોલને અનેક વળાંક લીધા છે. પાટીદાર અનામત આંદોલન રાજકીય નેતાઓની કઠપૂતળી બની ગયું અને જેને જ્યાં ઠીક લાગે તે રીતે રાજકીય વેપાર કરી નાંખ્યો.
પરિણામે પહેલા સરકારમાં પાટીદાર સમાજનો જે દબદબો હતો એ ઘટી ગયો. ધારાસભ્ય હોય કે પછી પ્રધાનો હોય. આંદોલન સાથે જોડાયેલા સમાજના અગ્રણીઓ સ્વીકારી રહ્યા છે કે સામાજિક અને રાજકીય રીતે પાટીદાર સમાજને નુકશાન થયું છે. આંદોલન પહેલા વિધાનસભામાં 57 ધારાસભ્યો હતાં તે ઘટીને 40 થઇ ગયા છે.
સામાજિક રીતે સમાજમાં યુવા વર્ગ અને વડીલ અગ્રણીઓ વચ્ચે અંતરની ખાઈ વધી ગઈ છે. તો રાજકીય રીતે પણ બંને મોટા રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પાટીદારોને મહત્વ ઘટાડી દીધું છે. જેનું ઉદાહરણ પણ થોડા સમય અગાઉ જોવા મળ્યું હતું. કેશુભાઇ પટેલ સરકાર વખતથી સારા કહી શકાય એવા ખાતા નીતિન પટેલને મળતા હતા. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ ચૂંટણીમાં ભાજપનો વિજય તો થયો. પણ નીતિન પટેલને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા હોવાનો અહેસાસ ખુદ તેમને પણ થયો હતો ત્યારે પણ પાટીદાર સમાજ અને કેટલાક નેતાઓની મધ્યસ્થીના કારણે નીતિનભાઈને વધુ એક વખત નાણા વિભાગ મળ્યું.
આમ પાટીદાર સમાજના અનામત આંદોલન દરમિયાન સરકાર દ્વારા કેટલાક લાભો પણ આપ્યા. પરંતુ આંદોલનનું લાંબા ગાળાનું અને રાજકીય મહત્વ ઘટ્યું એ હકીકત છે અને જેની અસર આગામી લોકસભા ચૂંટણી દરમિયાન પણ પાટીદાર સમાજને ઉઠાવી પડે તો નવાઈ નહીં.