ગુજરાત વિધાનસભાનીચૂંટણી બાદ મંદ પડી ગયેલું પાટીદાર અનામત આંદોલન ફરીથી ચર્ચામાં આવ્યું છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર શહીદ યાત્રાને લઈને 24 જૂનથી ફરીથી અનામત આંદોલન વેગવંતુ બનાવીને અધિકાર અને ન્યાયની માગ બુલંદ કરાશે. જોકે આ શહીદ યાત્રામાં કોઈ વ્યક્તિ કે હોદ્દેદારો કે આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અને સ્વયંભૂ યાત્રામાં જોડાવા અપીલ કરાઈ છે.
પાટીદાર અનામત આંદોલન ફરીથી ઉભુ થયું છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.પાટીદાર સમાજના એક જૂથે શહીદયાત્રાનું આયોજન કર્યું છે. પાટીદાર આંદોલન દરમિયા સમાજના 14 લોકો શહીદ થયા હતા. ત્યારે ન્યાય અને અધિકારોને લઈને શહીદ યાત્રાનું આયોજન કરાયું છે. 24 જૂનથી શરૂ થનારી શહીદ યાત્રા રાજ્યભરમાં 35 દિવસ સુધી ફરીને ચાર હજાર કિલોમીટર અંતર કાપશે. શહીદ યાત્રાનો મહેસાણામાં ઊમિયા માતા મંદિરથી પ્રારંભ થશે. અને કાગવડ ખોડલધામે તેનું સમાપન થશે. શહીદ યાત્રામાં પાટીદાર સમાજે દરેક પાટીદારને જે-તે સ્થળે યાત્રામાં જોડાવા આહવાન કર્યું છે. આયોજન કમિટીએ આ યાત્રામાં કોઈ આગેવાન, હોદ્દેદારો કે વ્યક્તિગત રીતે કોઈને આમંત્રણ આપવામાં આવ્યા નથી. કે કોઈની આગતા સ્વગતાનું આયોજન પણ કર્યું નથી.
શહીદ યાત્રા માટે ત્રણ રથ તૈયાર કરાયા છે. જેમાં એક રથમાં ઉમિયા માતા અને ખોડલ માતાની છબી મૂકાશે. બીજા રથમાં સરદાર પટેલની છબી મૂકાશે જ્યારે ત્રીજા રથમાં 14 શહીદોના ફોટા મૂકવામાં આવશે. શહીદોનો મલાજો જાળવવા આ યાત્રા દરમ્યાન ક્યાંય પણ કોઈ પણ મંચ, બેનર, ટેબ્લો, કોઈના ફોટા કે જાહેરાતો કે દેખાદેખી જેવા તાયફા કરવામાં આવશે નહીં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શહીદયાત્રાના આયોજકોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત તંત્રને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જે જોતાં 35 દિવસ સુધી સરકાર માટે આ યાત્રા માથાનો દુખાવા જેવી સ્થિતિ બને તો નવાઈ નહીં.