પીએમ મોદી ગાઝીપુર અને વારાણસીની મુલાકાતે, જાણો રેલીમાં ક્યાં નેતાઓ રહેશે ગેરહાજર

હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. વારાણસી પહેલા વડાપ્રધાન મોદી ગાઝીપુર મહત્વની મુલાકાતે જવાના છે. ગાઝીપુરમાં રાજભર અને પાસી વોટરોને સાધવાની કોશિશ વચ્ચે પીએમ મોદીને પોતાની યાત્રામાં સ્થાનિક સહયોગી દળ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વિરોધનો પણ સામનો કરવાનો છે. યુપી સરકારમાં ભાજપની સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ નહીં થવાનું એલાન કર્યું છે.

ગાઝીપુર ખાતે વડાપ્રધાન મોદી એક મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરવાના છે. તેમના દ્વારા મહારાજા સુહેલદેવ પર એક ટપાલ ટિકિટ પણ જાહેર થવાની છે. જો કે યોગી આદિત્યનાથની સરકારમાં વરિષ્ઠ પ્રધાન અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર પહેલા જ એલાન કરી ચુક્યા છે કે તેઓ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં સામેલ થવાના નથી. ઓમપ્રકાશ રાજભર એટલા માટે નારાજ છે. કારણ કે ટપાલ ટિકિટ પર મહારાજા સુહેલદેવ રાજભરનું પુરું નામ અંકિત નથી.

ભાજપને પોતાના અન્ય એક સહયોગી દળ અપનાદળ-એસના વિરોધનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે. અપનાદળ-એસના અધ્યક્ષ આશિષ પટેલે મિર્જાપુરમાં એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે એનડીએના મોટા ઘટકદળ ભાજપ દ્વારા નાના પક્ષોને અવગણના થઈ રહી છે. ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી અપનાદળ-એસની પંદરથી વધુ બેઠકો પર ઉપસ્થિતિ છે. કુર્મિ અને પટેલ તેમના મુખ્ય વોટર છે અને આમાથી લગભગ એક લાખ વોટરો વડાપ્રધાન મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં છે.

ગાઝીપુરથી વડાપ્રધાન મોદી વારાણસીની મુલાકાતે છે. આ બે માસમાં બીજી વખત પીએમ મોદીની પોતાના સંસદીય મતવિસ્તારની મુલાકાત છે. 21 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની તૈયારીઓ તેના આખરી તબક્કામાં છે અને ત્યારે વારાણસી ખાતે વડાપ્રધાન મોદીની મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. જો કે વારાણસીમાં અપનાદળના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ વડાપ્રધાન મોદીને આવકારવા માટે હાજર નહીં રહીને પોતાની નારાજગી વ્યક્ત કરવાના છે.

વારાણસીમાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય બીજ અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્રના પરિસરમાં આંતરરાષ્ટ્રીય ચાવલ અનુસંધાન સંસ્થાન અને દક્ષિણ એશિયા ક્ષેત્રીય કેન્દ્રનું લોકાર્પણ પણ કરવાના છે. આ ચાવલ અનુસંધાન સંસ્થાન સાઉથ એશિયા અને સાર્ક દેશોમાં ચોખા પર સંશોધન અને કૃષિ તાલીમનું મહત્વનું કેન્દ્ર હશે. મોદી ગત વર્ષે નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ચાવલ અનુસંધાન સંસ્થાના ફિલિપિન્સ ખાતેના મુખ્યમથક પર ગયા હતા.

વડાપ્રધાન મોદી દીનદયાળ હસ્તકળા સંકુલમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ક્ષેત્રીય શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. દિલ્હી રવાના થતા પહેલા તેઓ વણકરો અને હસ્તશિલ્પિઓની સાથે મુલાકાત કરશે. આ પહેલા તેઓ બારમી નવેમ્બરે વારણસી આવ્યા હતા. ત્યારે તેમણે ઘણી યોજનાઓની શરૂઆત કરાવી હતી અને બાદમાં જાહેરસભાને પણ સંબોધિત કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter