પેપર લીકમાં હવે કોંગ્રેસ આવી વિદ્યાર્થીઓના પડખે, જાણો શું કહ્યું પરેશ ધાનાણી સહિતના નેતાઓએ

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. અસામાજિક તત્વોએ પેપર લીક કરતા પરીક્ષા રદ કરવામાં આવી છે. તો બીજીતરફ રાજ્ય સરકારે સમગ્ર પેપરલીક મામલે તપાસના આદેશ આપ્યા છે અને કડક તપાસના આદેશ આપ્યા છે. ફરી જ્યારે આ પરીક્ષા યોજાશે ત્યારે ઉમેદવારોને આવવા-જવાનું ભાડ સરકાર આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આજે રાજ્યભરમાંથી 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અણઘડ વહીવટના કારણે પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. તેના કારણે રાજ્યના 29 શહેરોમાં 9 લાખ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા. લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા ઉમેદવારોએ હોબાળો કર્યો છે તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. 29 જિલ્લાના 2,440 કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની હતી. પેપરના જવાબો લીક થઈ જતા પરીક્ષા રદ કરવામાં આવી. બીજીતરફ રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સ્વરૂપે સમગ્ર મામલે તપાસન ખાતરી આપી હતી. તો બીજી તરફ પેપર લીક મામલે કોંગ્રેસ વિદ્યાર્થીઓના પડખે આવી છે.

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવના કારણે ધોરાજીના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલીત વસોયાએ સરકાર પર પ્રહાર કર્યા છે. લલીત વસોયાએ જણાવ્યુ કે, સરકારી તંત્રની ગુનાહીત બેદરકારીના કારણે પરીક્ષાને રદ કરવી પડી છે. જેના કારણે 9.58 લાખ વિદ્યાર્થીને ખર્ચ માથે પડ્યો છે.

લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર નિશાન સાધ્યુ છે. પરેશ ધાનાણીએ કહ્યુ કે, ભાજપના રાજમાં 9 લાખ પરિક્ષાર્થીઓના ભાવિ પર પ્રશ્ન ઉભો થયો છે. 3 હજારની ભરતી માટે 8.45લાખ અરજીઓ આવી છે. આવી પરીક્ષા રદ થવાથી પરિક્ષાર્થીઓને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત બેરોજરાગીનો દર પણ વધી રહ્યો હોવાનો આરોપ પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર લગાવ્યો છે.

કોંગ્રેસના નેતા અને રાધનપુરના ઘારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, રાજ્યમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી જેથી પેપર લીકની ઘટના બની છે. પેપર લીક કરનારને સરકારે તુરંત ઝડપી પાડવા જોઈએ. આવી ઘટના માટે રાજ્યની ભાજપ સરકારે માફી માગવી જોઈએ. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યુ કે, સરકારે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter