GSTV
India ટોપ સ્ટોરી

સરહદે તંગદિલી વધી, પાકિસ્તાન સૈન્યનો બેફામ તોપમારો, કાશ્મીરમાં સાત આતંકી ઠાર

સરહદે પાકિસ્તાન સૈન્યના બેફામ તોપમારા વચ્ચે એક જવાન શહીદ અને બે જવાન ઘાયલ થયાનું લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું. બીજી તરફ કાશ્મીરમાં હાથ ધરાયેલા એન્કાઉન્ટરમાં સાત આતંકીઓને ઠાર કરાયા હતા. પાકિસ્તાને LoCથી પંજાબ સુધી સૈન્ય વધાર્યું હોવાથી સરહદે તંગદિલી વધી હતી.

જમ્મુ-કાશ્મીરના સોપિયા અને બાંદીપોરામાં આતંકવાદીઓ વિરૃદ્ધ ઓપરેશન હાથ ધરાયું હતું. આતંકવાદીઓએ ૧૦ વર્ષના બાળક સહિત બે નાગરિકોના અપહરણ કર્યા હતા. વળતા જવાબમાં ભારતીય સુરક્ષાતંત્રએ ઓપરેશન હાથ ધરીને સાત આતંકવાદીઓને ઠાર કર્યા હતા. 

આ સાત આતંકવાદીઓમાં બે આતંકવાદી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હતા. ઓળખની પ્રક્રિયા દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આતંકવાદીઓમાંથી બે આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા.

અન્ય આતંકીઓની ઓળખની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. ઠાર કરાયેલા અન્ય આતંકવાદીઓમાંથી એક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર પણ સામેલ હતો.

જવાનો અને આતંકવાદીઓના સામસામા ફાયરિંગમાં અપહૃત બાળકનું પણ મોત થયું હતું. આતંકવાદીઓએ જે વૃદ્ધનું અપહરણ કર્યું હતું, તેમને આતંકીઓના સકંજામાંથી ભાગી છૂટવામાં સફળતા મળી હતી. દરમિયાન સોપોરમાં એક ગ્રેનેડ હુમલો થયો હતો, જેમાં બે પોલીસજવાનો ઘાયલ થયા હતા.

આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું અને ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ઘસેડયા પછી બંનેની સ્થિતિ સ્થિર હોવાનું પોલીસ સૂત્રોએ કહ્યું હતું.પાકિસ્તાન સૈન્યએ સરહદે નાપાક તોપમારો શરૃ કર્યો હતો. રાજૌરી નજીક એક જવાન શહીદ થયાનું આર્મી અધિકારીઓએ કહ્યું હતું. ભારતીય સૈન્યએ વળતો જવાબ આપ્યો હતો. સરહદે પાક.ના તોપમારામાં બે જવાન ઘાયલ થયા હતા.

પાકિસ્તાની સૈન્યએ LoCથી લઈને પંજાબ સુધી સૈન્ય તૈનાત કર્યું હતું, તે કારણે સરહદે બંને સૈન્ય વચ્ચે તંગદિલી વધી હતી. ગુપ્તચર સંસ્થાએ આપેલા અહેવાલ પ્રમાણે પાકિસ્તાની સેનાને રાવલપીંડી અને લાહોરથી આદેશ મળ્યો હતો તેના કારણે સરહદે સૈન્યની તૈનાતી થઈ હતી.

પાકિસ્તાની નાપાક સૈન્યએ હોળી-ધૂળેટી દરમિયાન સતત શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાન સૈન્યએ સરહદે મોર્રાટ મારો કર્યો હતો સતત ફાયરિંગ પણ શરૃ રાખ્યું હતું. પાકિસ્તાને જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ૧૧૦ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. અખનૂર અને સુંદરબાની સેક્ટરમાં પણ પાકિસ્તાની સૈન્યએ સીઝફાયર કર્યું હતું.

૨૦૧૮ના વર્ષ દરમિયાન પાકિસ્તાની સૈન્ય સરહદે બેફામ બન્યું હતું. એક જ વર્ષમાં પાકિસ્તાની સૈન્યએ સરહદે ૨૯૩૬ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને સીઝફાયર કર્યું હતું. ૨૦૦૩માં બંને દેશો વચ્ચે શસ્ત્રવિરામની સંધિ થઈ તે પછી છેલ્લાં ૧૫ વર્ષમાં થયેલું આ સૌથી વધુ સીઝફાયર હતું.

સ્થાનિકોએ કહ્યું : આ જેહાદ નથી જહાલત છે

આતંકવાદીઓએ ૧૦-૧૧ વર્ષના છોકરાનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી. તે પછી સ્થાનિક લોકોમાં આતંકવાદીઓ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. 

સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક સ્થાનિક વૃદ્ધોએ વિડીયો મારફત આતંકવાદીઓને અપીલ કરી હતી કે બાળકને છોડી દો, પરંતુ આતંકવાદીઓએ એ બાળકનો ભારતીય સુરક્ષા તંત્ર સામે ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો અને આખરે તેની હત્યા કરી દીધી હતી. તે પછી લોકોએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે આ આતંકવાદીઓ જેને જેહાદ એટલે કે ધર્મયુદ્ધ કહે છે તે જેહાદ નથી, પરંતુ જહાલત એટલે કે અજ્ઞાનતા છે. આ ધર્મયુદ્ધ નથી, પણ આતંકવાદીઓનું ગાંડપણ છે.

Related posts

“આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ

Siddhi Sheth

જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”

Kaushal Pancholi

રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ

Nakulsinh Gohil
GSTV