પાકિસ્તાન ગધેડાઓ વેચી કરોડો રૂપિયાની કરશે કમાણી, ચીન આ માટે છે ખરીદવા તૈયાર

ગધેડાઓની વસ્તીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે રહેનાર પાકિસ્તાન હવે ચીનને ગધેડાની નિકાસ કરી આ વેપારમાંથી કરોડો ડોલરની કમાણી કરશે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

ગધેડાની ચામડીમાંથી ઉત્પાદિત દવાઓ ખૂબ જ અકસીર

ચીનમાં ગધેડાઓની ભારે માગ છે, ખાસ તો ચીની પરંપરાગત દવાઓ બનાવવામાં ગધેડાની શરીરની ખાલ (ચામડી)નો ઉપયોગ કરાય છે. ચીનમાં ગધેડાની ચામડીમાંથી બનાવવામાં આવતા જીલેટિનમાં ઔષધિય તત્વો હોય છે. શરીરની ઇમ્યુન સિસ્ટમમાં વધારો કરવા અને લોહીને શુધ્ધ બનાવવામાં ગધેડાની ચામડીમાંથી ઉત્પાદિત દવાઓ ખૂબ જ અકસીર હોવાનું  મનાય છે.

પાકિસ્તાનમાં પાંચ લાખ કરતાં પણ વધુ ગધેડાઓની વસ્તી છે જે  વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી વધુ વસ્તી છે. જો કે ચીન નંબર વન છે.ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પશુપાલન વિભાગના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, ચીની કંપનીઓને પાકિસ્તાનમાં ગધેડાના ફાર્મ બનાવવામાં ખૂબ રસ છે અને વિદેશી કંપનીઓ આ વ્યવસાયમાં ત્રણ અબજ ડોલર રોકવા તૈયાર છે. 

ગધેડા ઉછેર ફાર્મ ઊભા કરશે

દેશની નિકાસ વધારવાના પ્રયાસોમાં  પશુપાલન વિભાગે જાહેરાત કરી હતી કે તેઓ ગધેડા ઉછેર ફાર્મ ઊભા કરશે જે આ પ્રકારનો પ્રથમ જ વ્યવસાય હશે. અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા વિદેશી ભાગીદારીમાં ડેરા ઇસ્માઇલ ખાન અને માનશેરામાં  બે ડોન્કી ફાર્મ આકાર લઇ રહ્યા છે. પ્રથમ ત્રણ વર્ષમાં સરકાર ૮૦,૦૦૦ ગધેડા ચીનમાં મોકલવાનું  વિચારે છે. આમ પાકિસ્તાનના  ગધેડા ચીનમાં કામમાં આવશે અને પાક.ને અબજો ડોલરની કમાણી કરાવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter