સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ ‘પદ્માવતી’નું નામ બદલીને હવે ‘પદ્માવત’ કરી દેવામાં આવ્યું છે. સેન્સર બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મમાં ફક્ત 5 ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ 5 ફેરફારો કરવા માટે ફિલ્મમાં 300થી વધુ કટ્સ કરવા પડશે. સાથે જ ફિલ્મમાં જ્યાં મેવાડ, દિલ્હી અને ચિત્તૌડનો ઉલ્લેખ છે, તે પણ સંપૂર્મ રીતે દૂર કરવામાં આવશે. તેવામાં ફિલ્મ 25 જાન્યુઆરીએ દર્શકો સામે આવશે તો તેનું સ્વરૂપ સંપૂર્ણ રીતે બદલાઇ ચુક્યું હશે. આ ફિલ્મ એક કાલ્પનિક કથા રૂપે રજૂ કરવામાં આવશે.
આ ફિલ્મ આશરે એક વર્ષથી ચર્ચામાં છે. ફિલ્મમાં દિપિકા પાદુકોણ કથિત રૂપે રાણી પદ્માવતી એટલે કે પદ્મીની, શાહિદ કપૂર મહારાવલ રતન સિંહ અને રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભુમિકા ભજવી રહ્યો છે. જો કે ફિલ્મના ડાયરેક્ટરે હવે ડિસ્ક્લેમર આપવું પડશે જેના આધારે ફિલ્મની કથાને કાલ્પનિક માનવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં દિલ્હી, ચિત્તૌડ અને મેવાડનો ઉલ્લેખ છે તેને દૂર કરવામાં આવશે તો દર્શકોને આ ફિલ્મની કથા સમજવામાં મુશ્કેલી થશે. એકબાજુ જ્યાં ફિલ્મના એડિટર્સ ફિલ્મને ફરીથી એડિટ કરવા માટે રાત-દિવસ એક કરી રહ્યાં છે, તેવામાં ફિલ્મમાં જે લોકેશન્સને કાલ્પનિક જણાવવામાં આવી રહ્યાં છે તે ખરેખર દર્શકોને કાલ્પનિક જ લાગશે કે નહી તે એક પ્રશ્ન છે.