પાટીદાર નેતા હાર્દિક પટેલના લગ્નની તારીખ થઇ જાહેર, આ યુવતી સાથે લેશે સાતફેરા

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ સામે આવી છે. હાર્દિક પટેલ આગામી 26 અને 27 જાન્યુઆરીએ કિંજલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. લગ્ન સુરેન્દ્રનગરના દિગસરના દાણાવાડા ગામમાં સાદગીપૂર્ણ રીતે યોજાશે. હાર્દિકના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક જે કિંજલ નામની યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે તેઓ બંને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. પરંતું કિંજલના પિતા સરકારી નોકરીમાં હોવાથી તેમની બદલી સુરતમાં થતાં તેમને સંપર્ક તૂટી ગયો હતો. પાટીદાર અનામત આંદોલન સમયે કિંજલ અને હાર્દિક ફરી સંપર્કમાં આવતાં તેમના સંબંધો આગળ વધ્યા હતા.

લગ્ન સમાજના રીતરીવાજ પ્રમાણે થશે

હાર્દિક પટેલનના લગ્ન સમાજના રીતરીવાજ પ્રમાણે થશે, ખાસ કરીને તેના લગ્નમાં નજીકના પરિવારજનોને જ આમંત્રિત કરવામાં આવશે. આ લગ્નમાં પરિવારના જ લોકો જોડાય તેવી માહિતી મળી રહી છે.

નોધનિંય છે, કે હાર્દિક પટેલ દ્વારા તેની બહેનના લગ્નમાં કરેલા ખર્ચાને લઇને સોશિયલ મીડિયામાં હાર્દિક ટ્રોલ થયો હતો. તથા ભાજપના કેટલાક નેતાઓએ લગ્ન ખર્ચને લઇને હાર્દિક પર પ્રહારો કર્યા હતા. માટે હાર્દિકના લગ્ન સાદાઇથી થઇ રહ્યા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

લગ્ન સમારોહમાં હાર્દિકના પક્ષે લગભગ 50 જેટલા લોકો હાજર રહેશે

હાર્દિકના કિંજલ નામની યુવતી સાથે ફેરા ફરશે, જ્યારે લગ્ન સમારોહમાં હાર્દિકના પક્ષે લગભગ 50 જેટલા લોકો હાજર રહેશે. જ્યારે કન્યા પક્ષે પણ આટલાં જ લોકોની હાજરી હશે. હાર્દિકના લગ્નને જોતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારમાં ઉત્સાહની સાથે તૈયારીઓ ચાલી રહી છે.

હાર્દિક સામે છે ગુજરાતમાં અનેક કેસ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા લાંબા સમયથી પાટીદાર સમાજ અનામતની માગ કરી રહ્યું છે. સાથે જ હાર્દિક પટેલે અનામતની ચળવળ ઉગ્ર બનાવી હતી. જે બાદ 25 ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સભાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર ઘટના બાદ હાર્દિક પટેલનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. જે બાદ હાર્દિક પટેલ અને તેના સાથીઓ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો અને તેને જેલ પણ જવું પડ્યું હતું. હાર્દિક આજે પાટીદાર સમાજનો કદાવર નેતા ગણાય છે. હાર્દિક સામે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે અનેક કેસો નોંધાયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter