લોસ એન્જેલસના ડોલ્બી થિએટર ખાતે 9મી ફેબુ્રઆરીની સાંજે 92મો ઑસ્કર એવૉર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. એકેડમી એવૉર્ડ નામે પણ ઓળખાતું આ સન્માન હોલિવૂડમાં બનેલી સર્વોત્તમ ફિલ્મોને અપાય છે.
હોલિવૂડ ઉપરાંત દુનિયાના અન્ય પ્રાંતમાં બનતી ફિલ્મોનું પણ આ એવૉર્ડ દ્વારા સન્માન થાય છે. માટે ફિલ્મ જગતનો એ સૌથી પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ એવૉર્ડ છે. 92 વર્ષથી અપાતા એવૉર્ડના ઈતિહાસમાં પ્રથમવાર અંગ્રેજીમાં ન બની હોય એવી દક્ષિણ કોરિયાની ફિલ્મ પેરસાઈટને સર્વોત્તમ ફિલ્મનો એવૉર્ડ મળ્યો હતો. એ ઉપરાંત પણ ફિલ્મને 3 ઑસ્કર મળ્યાં હતા.

પેરસાઈટ એ દક્ષિણ કોરિયાની ફિલ્મ છે, જેમાં સેઉલમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવારની સંઘર્ષકથા અને નજીકમાં રહેતા ઘનાઢ્ય પરિવાર સાથેના તેના સબંધો રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં કોમેડી અને પછી ટ્રેજેડીનો ઘટનાક્રમ વણી લેવાયો છે.
પેરસાઈટ કુલ 6 ઑસ્કર માટે નોમિનેટ થઈ હતી, જેમાંથી તેને ચાર એવોર્ડ મળ્યાં છે, જેમાં બેસ્ટ પિક્ચર ઉપરાંત, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને ઓરિજનલ સ્ક્રીનપ્લેનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ કોરિયાના નામી ડિરેક્ટર બોંગ જૂન હોએ ડિરેક્ટ કરી છે.

ફિલ્મ જોકરમાં જોકરનો રોલ કરનારા જોકિન ફિનિક્સને મળ્યો હતો. સૌથી વધુ 11 નોમિશેન જોકરને મળ્યા હતા, પરંતુ તેને 2 ઑસ્કર પ્રાપ્ત થયા હતા. માર્ટિન સ્કોર્સિસની અલ પચિનો અને રોબર્ટ ડી નીરો જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ધ આયરિશમેનને દસ નોમિનેશન મળ્યાં હતા, પરંતુ એક પણ સન્માન એ ફિલ્મ પ્રાપ્ત કરી શકી ન હતી.
સપોર્ટિંગ એક્ટર તરીકે બ્રાડ પિટ ફિલ્મ વન્સ અપોન ટાઈમ ઈન હોલિવૂડ માટે સન્માન પામ્યા હતા. બ્રાડ અગાઉ 3 વખત નોમિનેટ થઈ ચૂક્યા છે, પરંતુ 3 દાયકા કરતા લાંબી કારકિર્દીમાં આ વખતે પ્રથમ વાર તેમને ઑસ્કર મળ્યો હતો.

બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મ જૂડીમાં અભિનય કરનારી અભિનેત્રી રિની ઝેલ્વેગરને મળ્યો હતો. સપોર્ટિંગ એક્ટ્રેસનું સન્માન ફિલ્મ મેરેજ સ્ટોરી માટે લૌરા ડ્રેનને મળ્યું હતું.
જાણીતા પોપ-રોક સિંગર એલ્ટોન જોનને રોકેટમેન ફિલ્મના ગીત માટે ઓરિજિનલ સોંગનો ઑસ્કર મળ્યો હતો. 72 વર્ષિય જોનનો આ બીજો ઑસ્કર છે. ટોય સ્ટોરી-4ને સર્વોત્તમ એનિમેટેડ ફિચર ફિલ્મનો, જ્યારે અમેરિકન ફેક્ટરીને બેસ્ટ ડૉક્યુમેન્ટ્રીનો એવૉર્ડ મળ્યો હતો. કુલ મળીને 24 કેટેગરીમાં ઑસ્કર એવૉર્ડ આપવામાં આવે છે.

આ વિજેતાઓ ઉપરાંત ફિલ્મ સર્જક ડેવિડ લિન્ચ, એક્ટર-પ્રોડયુસર વેસ્લી સ્ટડી અને સ્ક્રીનરાઈટ લિના વર્ટમુલરને ગવર્નર્સ એવૉર્ડ એટલે કે ઓનરરી સન્માન અપાયું હતું. અમેરિકી અભિનેત્રી ગીના ડેવિસને હ્યુમેટેરિયન એવૉર્ડ એનાયત થયો હતો. સામાન્ય રીતે ફેબુ્રઆરીના અંતમાં યોજાતો ઑસ્કર સમારોહ ફેબુ્રઆરીના પ્રારંભે યોજાયો હતો.
પેરસાઈટ, ભારતમાં રિલિઝ થયેલી પ્રથમ કોરિયન મૂવિ
પેરસાઈટ ભારતના થિએટરોમાં રિલિઝ થઈ હોય એવી પ્રથમ કોરિયન મૂવી છે. એટલે કે અગાઉ કોઈ કોરિયન ફિલ્મ ભારતમાં થિએટરિકલ રીતે રિલિઝ થઈ નથી. 31મી જાન્યુ.એ આ ફિલ્મ ભારતના 15 શહેરોના 40 જેટલા થિએટરોમાં રજૂઆત પામી હતી.

ઓબામાએ પ્રોડયુસ કરેલી ડૉક્યુમેન્ટરીને એવૉર્ડ
બરાક અને મિશેલ ઓબામાએ પ્રોડયુસ કરેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘અમેરિકન ફેક્ટરી’ને બેસ્ટ ડોક્યુમેન્ટરીને એવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મ અમેરિકાના ઓહાયો રાજ્યમાં આવેલી એક બંધ પડેલી ફેક્ટરી ફરીથી શરૂ થવા અંગેની વાત કરે છે. ચાઈનિઝ અને અમેરિકન સંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ આ ફિલ્મમાં રજૂ થયો છે. બરાક અને મિશેલે ‘હાયર ગ્રાઉન્ડ પ્રોડક્શન’ નામે પ્રોડયુસિંગ કંપની સ્થાપી છે, જેણે આ ફિલ્મ બનાવી હતી. કંપનીની આ પ્રથમ જ ફિલ્મ છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત