GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

જીતુ વાઘાણીને નડશે ભાજપના જ નેતાઓ, બચાવી શકે છે માત્ર શાહનો સંબંધ : આ પણ છે દાવેદારો

ગુજરાત ભાજપ માટે આજે સૌથી મોટો દિવસ છે. પ્રદેશ પ્રમુખથી લઇને જિલ્લા પ્રમુખોના લિસ્ટને આજે અમિત શાહ લીલીઝંડી આપશે. આજે ભાજપના નેતાઓ બનવા મથામણ કરતા ઘણા ભાજપીઓની આશાઓ પૂર્ણ થશે કે નિરાશામાં ફેરવાઈ જશે. સૌથી મોટી બાબત એ છે કે પ્રદેશ ભાજપના પ્રમુખ પદનો તાજ કોને શિરે જશે ? સત્તા માટે માત્ર કોંગ્રેસમાં ખેંચતાણ છે એમ નથી ભાજપમાં પણ દિલ્હી સુધી લોબિંગ થાય છે. અમિત શાહ અને મોદી સુધી ભલામણો થાય છે. ભાજપમાં આજે ઉત્તરાયણમાં સૌથી મોટો ગંજીફો અમિત શાહ ચીંપશે. જે મેરોથન મીટિંગ માટે તેઓ ગાંધીનગર પહોંચી ગયા છે. સીએમ પણ આ બેઠકમાં હાજર રહે તેવી પૂરી સંભાવના છે. હાલમાં સરકાર અને સંગઠનમાં તાલમેલનો અભાવ હોવાથી રૂપાણી પણ સક્રિય થયા છે. ગુજરાતમાં કાસ્ટ ફેક્ટર જોવા જઈએ તો પાટીદાર સમાજનો દબદબો છે. બક્ષીપંચ પાસે સૌથી વધુ મતદારો હોવા છતાં પાટીદારો ગુજરાતમાં રાજ કરે છે. એટલે જ ગુજરાતમાં સીએમ પાટીદાર ન હોય તો પ્રદેશ ભાજપ પ્રમુખનો તાજ હંમેશાં પાટીદારના શીરે હોય છે. હાલમાં જીતુભાઈ વાઘાણી એ પાટીદાર ચહેરો છે.

પાટીદાર ચહેરો અને અમિતશાહ સાથે અંગત ઘરોબો

આમ તો ગુજરાતની રાજનીતિમાં અત્યાર સુધીની તાસીર રહી છે કે ભાજપનું રાજકારણ પાટીદાર સમુદાયની આસપાસ રહ્યું છે.મુખ્યમંત્રી જૈન સમુદાય માંથી આવે છે. જેથી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. જીતુ વાઘાણી સામે હાલમાં સરકારમાંથી મોટો અસંતોષ છે. જેઓ અમિત શાહના નજીકના પણ મોદીથી ઘણા દૂર છે. ઘણા સમયથી સરકારી કાર્યક્રમોથી વાઘાણીને દૂર કરવામાં આવી રહ્યા છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ જાળવવામાં વાઘાણી નિષ્ફળ રહ્યાં, સાથે જ ગુજરાતમાં ભાજપનો ઘટતો ગ્રાફ એ વાઘાણીનું પ્રદેશ પ્રમુખનું પદ છિનવી શકે છે પણ ભાજપ પાસે આ મામલે વિકલ્પો ઘણા ઓછા છે. અમિત શાહના નજીકના હોવાને પગલે વાઘાણી ફરી રીપિટ થાય તેવી પણ એક હવા ચાલી છે. વાઘાણી સામે ન રીપિટ થવાના કારણો છતાં પાટીદાર ચહેરો અને શાહની અંગતતા તેમને ફરી પ્રદેશ પ્રમુખના સિંહાસન પર સત્તારૂઢ કરી શકે છે. આમ તો જીતું વાઘાણી સામે અનેક ફરિયાદો હાઈકમાંડ સુધી પહોચી છે.  તો કોઈક અંશે જીતું વાઘાણીની મહત્વકાંક્ષા નડી રહી છે તો સીનીયર જુનીયર વચ્ચે સંકલનનો અભાવની પણ બૂમ ઉઠી છે. સાથે જ મુશ્કેલીના સમયમાં સંગઠન સરકારની પડખે ન હોવાની ફરીયાદો પણ ઉઠી છે. આટઆટલા નેગેટિવ પોઇન્ટસ છતા વાઘાણીનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે તેઓ અમિત શાહની ગુડ બુકમાં છે. પરંતુ શાહ તેમની ગણતરી જલદી કળાવા દે તેમાંના નથી.

વાઘાણીના રસ્તાનો સૌથી મોટો કાંટો

ગોરધન ઝડફિયા એક એવું નામ છે જે વાઘાણીના રસ્તાનો સૌથી મોટો કાંટો છે. ભાજપ પાટીદાર ચહેરાને રીપિટ કરવા માગે તો સૌરાષ્ટ્ર લોબીમાંથી ઝડફિયા કદાવર નેતા છે. જેઓ મોદી અને શાહની પણ ગુડબુકમાં છે. પ્રભારી તરીકે તેમને ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારી સોપાઈ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ફરી 2014ની માફક ડંકો વગાડવા ભાજપે ઝડફિયા પર પસંદગીની મહોર મારી હતી. દોડતા ઘોડા પર ચડવામાં ઉસ્તાદ એવા ઝડફિયા પણ તક ઝડપી મોદી અને શાહના વિશ્વાસ પર ખરાં ઉતર્યા હતા. એક સમયે ભાજપમાં મંત્રી પદ સંભાળનાર ઝડફિયા વાઘાણીને ભારે પડી શકે છે. ભાજપ સૌરાષ્ટ્રમાંથી જ પાટીદાર ચહેરાને પ્રદેશ પ્રમુખ પદનો તાજ સોંપવા માગે તો આ સૌથી ઉત્તમ વિકલ્પ છે. ઝડફિયા સંગઠન પર સારી પક્કડ ધરાવવાની સાથે સંઘની ગુડબુકમાં પણ સ્થાન ધરાવે છે. ભૂતકાળમાં એક સમયે કેશુભાઈના ખેમામાં જઈ તેમણે બળવાખોરીની બાગડોર સંભાળી હતી. 2012માં કેશુભાઈ સાથે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં પણ તેમણે જંપ લાવ્યું હતું. પણ બાદમાં તેઓએ ઘરવાપસી કરી અને મોદી અને શાહે તેઓને યુપી, મહારાષ્ટ્રમાં મોટી જવાબદારી સોંપી. થોડા સમય અગાઉ જૂનાગઢ કોર્પોરેશનમાં પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આરએસએસનું પીઠબળ અને ઉ.ગુના પાટીદાર નેતા

સૌરાષ્ટ્રના સીએમ હોય તો ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ હોય તેવો શિરસ્તો ભાજપનો હોય છે. છેલ્લાં ઘણા સમયથી સીએમ પદ અને પ્રદેશ ભાજપનું પદ બંને સૌરાષ્ટ્ર પાસે છે. જેમાં ભાજપ ફેરફાર કરવા માગે તો ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલ અને શંકર ચૌધરીનું નામ પ્રદેશ પ્રમુખ માટે મોખરે છે. રજની પટેલ એ આરએસએસ સાથે સંકળાયેલા છે. એક સમયે ગૃહમંત્રીનું પદ શોભાવનાર રજની પટેલ એ પાટીદાર ચહેરો છે. સરકાર પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવવા ઇચ્છે તો રજની પટેલ પણ ઉત્તમ વિકલ્પ છે.

શંકર ચૌધરીને પણ લાગી શકે છે લોટરી

શંકર ચૌધરી હાલમાં બક્ષીપંચ સમાજમાંથી આવે છે. શંકર ચૌધરી એ એક સમયે મંત્રીપદ શોભાવી ચૂક્યા છે. જેઓ આ વર્ષે થરાદ બેઠક પરના ધારાસભ્ય માટેના પ્રબળ દાવેદાર હોવા છતાં તેમનું પત્તું છેલ્લી ઘડીએ કપાતાં તેઓ ઘણા નારાજ થયા હતા. જેની અસર રૂપે થરાદ વિધાનસભાની સીટ ભાજપે ગુમાવવી પડી હતી. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ પર પક્કડ ધરાવતા શંકર ચૌધરી યુવાન હોવાની સાથે સંગઠન પર પક્કડ ધરાવે છે. જેઓ બનાસ ડેરીમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરી ચૂક્યાં છે. શંકર ચૌધરીને ટીકિટ ન અપાતાં તેઓ પ્રદેશ પ્રમુખ બનશે તેવી હવા ચાલી હતી. જોકે, આ સંભાવનાઓ પર પણ અમિત શાહ વિચાર કરી શકે છે.

ગણપત વસાવા પાટીદાર સમાજનો વિકલ્પ

ગણપત વસાવાનું નામ પણ પ્રદેશ પ્રમુખ માટે ચર્ચાઈ રહ્યું છે. વસાવા હાલમાં રૂપાણી સરકારમાં મંત્રી છે. મોદી અને શાહ પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવવા ન ઇચ્છે તો દક્ષિણ ગુજરાતમાંથી વસાવાનો ઉત્તમ વિકલ્પ છે. વસાવા એ આદિવાસી સમાજનો ચહેરો છે. ગુજરાતમાં પાટીદાર સમાજને સાઇડલાઇન કરવા માટે મોદી અને શાહ આ રસ્તો પણ અજમાવી શકે છે. આજે ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખોના લિસ્ટ પર પણ અમિત શાહ લીલીઝંડી આપી શકે છે.

૩૧મી જાન્યુઆરી પહેલાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી દેવાશે

ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત 20 જાન્યુઆરી બાદ થશે. મળતી માહિતી પ્રમાણે ૩૧મી જાન્યુઆરી પહેલાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવશે. કમુરતા ઉતરતા જ જિલ્લા અને શહેર પ્રમુખના નામની જાહેરાત થશે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ મહિનાના અંત સુધીમાં ગુજરાત આવશે. આ ઉપરાંત 20 જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે અને જે.પી. નડડાનું રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું નિશ્ચિત માનવામાં આવી રહ્યુ છે.

READ ALSO

Related posts

લેબનાનની રાજધાની બૈરૂતમાં થયેલા બે ભયાનક વિસ્ફોટમાં 10 લોકોના મોત

Nilesh Jethva

રામ મંદિર માટે સોમનાથથી નીકળેલી એલકે અડવાણીની રથયાત્રાના સાક્ષી બનેલા લોકોએ સંસ્મરણો વાગોળ્યા

Nilesh Jethva

અરબી સમુદ્ર સાયકલોનીક સકર્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરીયો ન ખેડવા સુચના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!