GSTV
Home » News » બિહારમાં માત્ર 50 ટકા, પશ્ચિમ બંગાળમાં 81 ટકા મતદાન

બિહારમાં માત્ર 50 ટકા, પશ્ચિમ બંગાળમાં 81 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના સાત પૈકી પહેલા તબક્કાનું ગુરુવારે મતદાન યોજાઇ ગયું હતું. ૧૮ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ ૯૧ બેઠકો પર મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.મોટા ભાગના રાજ્યોમાં મતદાન શાંતિપૂર્વક યોજાઇ ગયું હતું, જ્યારે છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં મતદાન સમયે નક્સલી હુમલા થયા હતા. તો આંધ્ર પ્રદેશ અને કાશ્મીરમાં હિંસામાં ત્રણ લોકો માર્યા ગયા હતા.

 પ્રાપ્ત આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૭ બેઠકો પર મતદાન યોજાયું હતું, સાંજે છ વાગ્યા સુધીમાં આશરે ૫૬ ટકા મતદાન નોંધાયુ હતું, અહીંની એક બેઠક ગઢચિરોલીમાં નક્સલીઓએ વિસ્ફોટ કર્યો હતો જેમાં બે પોલીસ કમાન્ડો ઘવાયા હતા. મહારાષ્ટ્રમાં ઇવીએમ સંબંધી અને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ગૂંડાગીરીની ૫૦ જેટલી ફરિયાદો કોંગ્રેસે ચૂંટણી  પંચને સોપી હતી. 

અન્ય રાજ્યોમાં તેલંગાણામાં ૬૦.૫૭ ટકા, મેઘાલયમા ૬૭.૧૬ ટકા, આંધ્ર પ્રદેશમાં ૭૬ ટકા, છત્તીસગઢના નક્સલ પ્રભાવીત બસ્તરમાં ૫૭ ટકા, આસામમાં આશરે ૭૦ ટકા જેટલુ મતદાન થયું હતું. ઉત્તરપૂર્વી રાજ્યો જેમ કે મેઘાલયમાં ૬૨ ટકા, મિઝોરમમાં ૬૦.૮૨, ત્રિપુરામાં ૮૧ ટકા, નાગાલેન્ડમાં ૭૩ ટકા, મણીપુરમાં ૭૮.૨૦, સિક્કિમમાં ૭૫, અરુણાચલ પ્રદેશમાં ૫૮.૨૬ ટકા મતદાન થયું હતું.

મોટા ભાગની ચૂંટણીઓની જેમ આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં મતદાન ટકાવારી ઉચી રહી હતી, અહીં કુચ બિહારમાં ૮૧.૯૪ ટકા મતદાન થયું હતું. જ્યારે અલીપુરમાં ૮૧.૦૫ ટકા મતદાન નોંધાયુ છે. ઘણા રાજ્યોમાં મોડે સુધી મતદાન યોજાયુ હતું જેને પગલે આંકડા જારી કરવામાં પણ મોડુ થયું હતું. જમ્મુ કાશ્મીરમાં પણ આશરે ૫૫ ટકા જેટલુ મતદાન યોજાયું હતું. તો બિહારમાં સૌથી નીચુ ૫૦ ટકા મતદાન યોજાયું હતું. 

બીજી બાજુ અનેક એવા મતદારો પણ હતા કે જેમના નામ જ વોટર લિસ્ટમા નહોતા, ઉત્તર પ્રદેશમાં મોબ લિન્ચિંગનો શિકાર બનેલા અખલાકના પરિવારજનોનું નામ મતદારોની યાદીમાં હતું જ નહીં જેને પગલે તેઓ પોતાનો મત નહોતો આપી શક્યા. જ્યારે છત્તીસગઢમાં મતદાન સમયે નક્સલીઓ અને પોલીસ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો, જેમાં એક નક્સલી માર્યો ગયો હતો. જ્યારે એક એસટીએફ જવાન ગંભીર રીતે ઘવાયો હતો.

જ્યારે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હિંસા દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ સહીતના પગલે લેવાયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ ઘવાયા હતા. સ્થાનિકોએ અહીં પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો જે બાદ હિંસા ભડકી હતી, અહીંના બારામુલ્લામાં નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ પાર્ટીના સમર્થકો વચ્ચે મારામારી થઇ હતી જેમાં ચાર લોકો ઘવાયા હતા.

નવ રાજ્યોમાં પહેલા તબક્કામાં જ ચૂંટણી પુરી 

આંધ્ર પ્રદેશમાં ૨૫, તેલંગાણામાં ૧૭, ઉત્તરાખંડમાં પાંચ, મેઘાલયમાં બે, અરુણાચલ પ્રદેશમાં બે, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અંદામાન નિકોબાર, લક્શદ્વીપમાં એક એક બેઠક પર મતદાન યોજાયું હતું. જ્યારે ઉત્તર પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની સાત, આસામની પાંચ, બિહાર અને ઓડિશામા ચાર-ચાર, જમ્મુ કાશ્મીરમાં બે, પશ્ચિમ બંગાળમાં બે, છત્તીસગઢ અને ત્રીપુરા તેમજ મણીપુરમાં એક એક બેઠક પર મતદાન યોજાયું હતું. નવ રાજ્યો એવા હતા કે જ્યાં પહેલા તબક્કામાં જ મતદાન પુરુ થઇ ગયું આ રાજ્યોમાં અરુણાચલ, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરાખંડ અને લક્શદ્વિપનો સમાવેશ થાય છે. 

પહેલા તબક્કાના મતદાનની સાથે સાથે 

 • ઇવીએમ ડેમેજ થયા હોવાની આંધ્ર પ્રદેશમાં છ, અરુણાચલમાં પાચ અને મણીપુરમાં એક, પશ્ચિમ બંગાળમાં બે ફરિયાદો
 • ગેરકાયદે આશરે ૨૬૨૬ કરોડ રૃપિયા દિવસભરની કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવ્યા
 • ૧૯૮ કરોડ રૃપિયાનો દારુ ઝડપાયો, જ્યારે ૧૦૯૧ કરોડ રૃપિયાના ડ્રગ્સ અને નાર્કોટિક્સ જપ્ત, ૪૮૬ કરોડના કિમતી ધાતુ પણ જપ્ત
 • ૧૮ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભાની ૯૧ બેઠકોમાં મતદાન થયું હતું.
 • ૯૧ બેઠકોના મતદાન માટે કુલ ૧,૭૦,૬૬૪ બુથ ઉભા કરાયા હતા.
 • મિઝોરમ-ત્રિપુરા સરહદે રહેતા રેફ્યુજી માટે ૧૫ સ્પેશિયલ મતદાન મથકો ઊભા કરાયા હતા.
 • મિઝોરમના નામે તો અનોખો રેકોર્ડ પણ બોલે છે. જ્યાં લોકસભાની બેઠકોમાં ૧૦૦ ટકા મતદારો પાસે ઈલેક્શન કાર્ડ ઉપલબ્ધ છે.
 • મેઘાલયમાં ૫૨ ટકા મહિલા મતદારો છે.
 • ૧૪૨,૦૫૪,૦૦૦ મતદારોએ ૯૧ બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલા ૧૨૭૯ ઉમેદવારો માટે મતદાન કર્યું હતું.
 • ૯૧ બેઠકો ઉપર ૭૭૬૪ થર્ડ જેન્ડર કેટેગરીમાં મતદારોએ મતદાન કર્યું હતું.
 • હવે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા તબક્કા માટે અનુક્રમે એપ્રિલ મહિનાની ૧૮મી, ૨૩મી ૨૯મી તેમ જ મે મહિનાની ૬ઠ્ઠી, ૧૨મી તેમજ ૧૯એ મતદાન થશે. લોકસભાની ચૂંટણીની તમામ બેઠકોનું પરિણામ ૨૩મી મેના રોજ આવશે.

નોઇડામાં જવાનોને ‘નમો’ ફૂડ પેકેટ અપાતા ચૂંટણી પંચમાં ફરિયાદ 

નોઇડામા કેટલાક સુરક્ષા જવાનોને નમો ફૂડ નામના લેબલ લગાવેલા પેકેટમાં ભોજન આપવામાં આવ્યું હતું, જેને પગલે ભારે વિવાદ સર્જાયો છે અને કોંગ્રેસે સમગ્ર મામલે તપાસની માગણી કરી છે. જ્યારે માયાવતીના પક્ષ બસપાએ જણાવ્યું છે કે અમે ચૂંટણી પંચ સમક્ષ આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી છે. નમો શબ્દને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે, અગાઉ નમો ટીવી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે ફૂડ પેકેટ પર નમો શબ્દ જોવા મળતા ફરી વિવાદ સર્જાયો છે. આ ફૂડ પેકેટ પર ભગવા રંગના અક્ષરોમાં નમો લખેલુ છે. આ મામલે જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે અમે ડીએમ સાથે વાતચીત કરી છે, શક્ય હોય તે પગલા અમે લઇશું.

READ ALSO

Related posts

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ માટે ચૂકવવો પડશે ચાર્જ, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો

Karan

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur

મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી અને મંદિરને તોડી પાડ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!