દેશના સૌપ્રથમ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ હાલ ચાલી રહ્યું છે. જો કે જમીન સંપાદનની સમય મર્યાદા કરતા ખૂબ ધીમી ગતિથી કામ થાય છે. રાજ્યમાં આ પ્રોજેક્ટ માટે હજી સુધી માત્ર ૫૮ ટકા જેટલી જમીન સંપાદન થઇ છે. સૌથી વધારે ખેડા જિલ્લામાં સંપાદનની કામગીરી પૂર્ણ કરાઇ છે જ્યારે નવસારી જિલ્લામાં હજી સુધી જમીનનો એક પણ પ્લોટ પ્રાપ્ત થયો નથી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે અને તે માટે જાપાન સાથે સહયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સાકાર કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા સૌપ્રથમ હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે વર્ષ ઉપરાંતથી જમીન સંપાદનનું કામ ચાલે છે પરંતુ હજી સુધી તે પૂર્ણ થઇ શક્યું નથી જેના કારણે આ પ્રોજેક્ટ તેના નિર્ધારીત સમય કરતા મોડો શરૃ થવાની ધારણા છે. જમીન સંપાદન માટે કેન્દ્ર સરકારનું રાજ્ય સરકાર પર ખૂબ દબાણ હોવા છતાં આ કાર્ય ઝડપથી પૂર્ણ થઇ શક્યું નથી.

ગુજરાતના આઠ જિલ્લામાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઇ રહી છે આ જિલ્લામાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૃચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. જો કે નવસારી જિલ્લામાંથી જમીનનો એક ટુકડો પણ રાજ્ય સરકાર મેળવી શકી નથી. આ જિલ્લામાં ૧૦૬ હેક્ટર જેટલી જમીનમાં કુલ ૮૯૫ પ્લોટનું સંપાદન કરવાનું છે પરંતુ હજી સુધી આ પ્લોટ મેળવવા સરકારને કોઇ સફળતા પ્રાપ્ત થઇ નથી.

સૌથી વધારે સુરત જિલ્લામાંથી જમીન સંપાદન થવાની છે જ્યારે સૌથી ઓછી આણંદ જિલ્લામાંથી ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન ગુમાવશે. સમગ્ર રાજ્યમાં કુલ ૭૨૬.૫૭ હેક્ટર જમીન સંપાદન થવાની છે તે પૈકી હજી સુધી માત્ર ૩૫૯.૮૭ હેક્ટર જમીન મેળવી શકાઇ છે. આ પ્રોજેક્ટ માટે હજી ૪૨ ટકા જમીન સંપાદન કરવાની બાકી છે.
Read Also
- ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર
- પાલીતાણામાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, માતાની ભુમિકા શંકાના ઘેરામાં
- સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા
- ઉન્નાવ પીડિતાની બહેને આપ્યું અલ્ટિમેટમ : કાર્યવાહી કરો નહીં તો CM આવાસ સામે કરીશ આત્મદાહ
- દેશમાં હાલના માહોલને લઈને આ દિગ્ગજ નેતાએ પોતાનો જન્મ દિવસ ન ઉજવ્યો