GSTV
GSTV લેખમાળા Uncategorized

ટિપ્સ / ઓનલાઈન એજ્યુકેશન માટે જાણી લો આ ઉપયોગી 7 ફિચર્સ, ભણતર થશે વધારે સરળ

અત્યારે બાળકો ઓનલાઈન ભણે છે અને હજુ કેટલોક સમય તો સ્ક્રીન સામે જ બેસીને ભણવુ પડશે. ઓનલાઈન ભણતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક મુદ્દા અહીં આપ્યા છે. શિક્ષણ ઓનલાઈન કે હોય કે ઓફલાઈન આ ટિપ્સ જરૃર કામ લાગશે

  1. સૌથી પહેલા ડિજિટલ ક્લાસ ક્રિએટ કરો

જેમ સ્કૂલનાં પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ વગેરે એક કબાટમાં યોગ્ય રીતે સાચવવાની આપણને ટેવ હોય છે એ રીતે, હવે અભ્યાસને સંબંધિત વિવિધ ડિજિટલ ફાઇલ્સ પણ, જ્યારે જોઈએ ત્યારે સહેલાઈથી મળે એ રીતે સાચવતાં આપણે શીખવું જોઈશે. એ માટે, ગૂગલ ડ્રાઇવને તમારા ઓનલાઇન અભ્યાસનું કેન્દ્ર બનાવી શકાય. ઓનલાઇન અભ્યાસ દરમિયાન તમારે લખાણની ફાઇલ, ઇમેજ, વીડિયો, પીડીએફ, સ્ક્રીનશોટ્સ વગેરે જુદા જુદા ઘણા પ્રકારની ડિજિટલ ફાઇલ્સ સાથે કામ કરવાનું થતું હશે. આ બધા પ્રકારની ફાઇલ ગૂગલ ડ્રાઇવમાં સાચવી શકાશે.

ગૂગલ ડ્રાઇવનો મોબાઇલ, પીસી, લેપટોપ વગેરે બધાં સાધનોમાં ઉપયોગ કરી શકાય છે અને એક સાધનમાં સેવ કરેલી ફાઇલ બીજા સાધનમાં એક્સેસ કરી, તેના પર કામ પણ કરી શકાય છે. સવાલ માત્ર નિયમિત રીતે, સારું ઇન્ટરનેટ કનેક્શન મળવાનો છે. જો કોઈ કારણસર, તમને બધાં સાધનમાં ફુલ ટાઇમ ઇન્ટરનેટ કનેક્શન ન મળતું હોય તો આપણે કંઈક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે આપણે ઓફલાઇન પણ આપણી ફાઇલ્સ જોઈ શકીએ કે તેના પર કામ કરી શકીએ (જો તમે માત્ર મોબાઇલનો ઉપયોગ કરતા હો તો તમારે આવી ખાસ ચિંતા કરવાની રહેશે નહીં!).

  1. ફોલ્ડર ક્રિએટ કરો

આપણે લેપટોપ અને મોબાઇલ બંનેમાં આપણી ફાઇલ્સ સચવાય અને કોઈ પણ ફાઇલ પર ગમે ત્યારે કામ કરી શકાય એવી સ્થિતિ સર્જવી છે. ગૂગલ આ માટે ‘બેકઅપ એન્ડ સિન્ક’ નામની સગવડ આપે છે. તેની મદદથી આપણે કમ્પ્યૂટરમાંના અમુક ચોક્કસ ફોલ્ડરને ગૂગલ ડ્રાઇવમાં આપણા એકાઉન્ટ સાથે કનેક્ટેડ રાખી શકીશું.

એ માટે સૌથી પહેલાં, તમારા લેપટોપમાં ‘‘મારું નામ – ગૂગલ ફોલ્ડર’’ એવા કોઈ નામનું મુખ્ય ફોલ્ડર બનાવો. એમાં તમારી સ્કૂલ અને ટ્યૂશન ક્લાસ પણ હોય તો એ માટેનાં બે ફોલ્ડર બનાવો. તેમાં પછી જુદા જુદા વિષય મુજબ અલગ અલગ ફોલ્ડર હોઈ શકે. હવે લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્શન ઓન હોય ત્યારે બ્રાઉઝરમાં drive.google.comમાં જાઓ. તેના જમણે ઉપર, ગીયર પર ક્લિક કરી, Get Backup & Sync નામનો એક નાનો સોફ્ટવેર ડાઉનલોડ કરી લો.

લેપટોપમાં તેને ઇન્સ્ટોલ કરશો એટલે સ્ક્રીન પર જમણી તરફ નીચે, સિસ્ટમ ટ્રેમાં તેનો આઇકન ઉમેરાશે. તેને ક્લિક કરીને આ પ્રોગ્રામ રન કરો. તેમાં તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન કરવાનું કહેવામાં આવશે. અહીંથી સાઇન-ઇન કરવામાં મુશ્કેલી થાય તો બ્રાઉઝરમાં જઈને સાઇન-કરી કરી શકાશે.

સાઇન-ઇન થયા પછી, બેકઅપ એન્ડ સિન્ક પ્રોગ્રામમાં, કમ્પ્યૂટરમાંનું આપણું જે ફોલ્ડર સિન્ક કરવું છે તે પસંદ કરી લો. આપણે ‘‘મારું નામ – ગૂગલ ફોલ્ડર’’ એવું ફોલ્ડર બનાવ્યું હતું, તે અહીંથી પસંદ કરી લો. હવે આપણે આ ફોલ્ડરમાં જે કંઈ સેવ કરીશું એ બધું જ ક્લાઉડમાં, આપણા ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટમાં આપોઆપ સેવ થતું રહેશે અને આપણે મોબાઇલ કે અન્ય સાધનોમાંથી તેેને એક્સેસ કરી શકીશું!

  1. ફોનમાં પણ ફોલ્ડર બનાવો

મોબાઇલમાં મોટા ભાગે ગૂગલ ડ્રાઇવ એપ હશે જ – ન હોય તો તેને ઇન્સ્ટોલ કરી લો. જો તમારી પાસે લેપટોપ ન હોય તો ઉપરની કોઈ વિધિ કરવાનો સવાલ રહેતો નથી. મોબાઈલમાં ગૂગલ ડ્રાઇવ ઓપન કરો અને તેમાં ‘માય ડ્રાઇવ’માં તમારા પોતાના નામનું અથવા ધોરણનું એક મેઇન ફોલ્ડર બનાવી લો. તેમાં વિષય મુજબ બીજાં ફોલ્ડર્સ બનાવો.

જો તમારી પાસે લેપટોપ હોય અને તમે ઉપરની વિધિ કરી હોય તો મોબાઇલમાં ગૂગલ ડ્રાઇવ ઓપન કરતાં તેમાં, નીચે જમણી તરફ ‘ફાઇલ્સ’ પર ક્લિક કરતાં ‘માય ડ્રાઇવ’ અને ‘કમ્પ્યૂટર્સ’ એમ બે ટેબ જોવા મળશે. કમ્પ્યૂટર ટેબમાં આપણે લેપટોપમાં જે ગૂગલ ડ્રાઇવના નામનું ફોલ્ડર બનાવ્યું તે જોવા મળશે.

ટૂંકમાં હવે એવી સ્થિતિ સર્જાઈ કે આપણા લેપટોપમાં અને સ્માર્ટફોનમાં ગૂગલ ડ્રાઇવમાં એકસરખાં ફોલ્ડર છે. આપણે લેપટોપમાં કોઈ પણ ફાઇલ્સ આ ફોલ્ડરમાં સેવ કરીશું તો તે લેપટોપમાં અને સ્માર્ટફોનમાંના આ જ ફોલ્ડર્સમાં દેખાશે. એ જ રીતે સ્માર્ટફોનમાં આ ફોલ્ડરમાં જે ફાઇલ સેવ કરીશું એ આપોઆપ લેપટોપમાંના ફોલ્ડરમાં પણ દેખાશે! તમે કોઈ પણ સાધનમાં આ ફોલ્ડરમાંની કોઈ પણ ફાઇલમાં ફેરફાર કરશો તો તે ફેરફાર આપોઆપ બીજા સાધનમાંની એ ફાઇલમાં જોવા મળશે. લેપટોપમાં સતત ઇન્ટરનેટ કનેક્શન મળતું હોય તો તેમાં ડ્રાઇવના વેબ વર્ઝનમાં પણ આ બધું જોઈ શકાશે. તમે આ મુખ્ય ફોલ્ડરની અંદર જુદા જુદા વિષયના ફોલ્ડરને વિષય મુજબ અલગ અલગ કલર આપી દેશો તો તમારું ફાઇલ મેનેજમેન્ટ વધુ સરળ અને રસપ્રદ બનશે.

  1. મોબાઈલમાં બનાવો બોર્ડ

ચાલુ ક્લાસે ટીચર વ્હાઇટ બોર્ડ પર અથવા સ્ક્રીન પર કોઈ મહત્ત્વની બાબતો બતાવે અને તેની કાગળ-પેનથી નોંધ કરવા જેટલો સમય મળે તેમ ન હોય તો તેન ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકાય. મોબાઇલમાં સ્ક્રીનશોટ લેવાનું કામ સહેલું છે, એની રીત તમે જાણતા જ હશો. આ સ્ક્રીનશોટ્સ તમારા મોબાઇલમાં ઇમેજ ગેલેરીમાંના ‘સ્ક્રીનશોટ્સ’ નામના ફોલ્ડરમાં જમા થશે. ત્યાં જઇને જે તે સ્ક્રીનશોટ્સ સિલેક્ટ કરી તેને તમારા ગૂગલ ડ્રાઇવના એકાઉન્ટમાં શેર કરી શકાય. શેર કરતી વખતે ડ્રાઇવમાં આ સ્ક્રીનશોટ ક્યા ફોલ્ડરમાં સેવ કરવા છે તે પૂછવામાં આવશે. ત્યારે તમે બનાવેલા વિષય મુજબના ફોલ્ડરમાંથી કોઈ પણ પસંદ કરી લો.

લેપટોપમાં સ્ક્રીનશોટ લેવા માટે જુદા જુદા ઘણા સોફ્ટવેરનો લાભ લઈ શકાય. Getsharex.com પરથી ‘શેરેક્સ’ નામનો એક નાનો ફ્રી અને ઓપનસોર્સ પ્રોગ્રામ ડાઉનલોડ કરી લેશો તો વાત સહેલી બનશે. આ પ્રોગ્રામ ઓપન કર્યા પછી કીબોર્ડની ‘પ્રિન્ટસ્ક્રીન’ કી પ્રેસ કરતાં શેરેક્સના એક નિશ્ચિત ફોલ્ડરમાં બધા સ્ક્રીનશોટ્સ વારાફરતી સેવ થતા જશે. આ ફોલ્ડર ઓપન કરીને તેમાંની ફાઇલ્સ લેપટોપમાં આપણે બનાવેલા ગૂગલ ફોલ્ડરમાં મૂવ કરી દેશો તો પછી એ સ્ક્રીનશોટ્સ મોબાઇલ પર પણ જોઈ શકાશે!

  1. સ્કૂલ ટાઈમટેબલ સેટ કરવું

અગાઉ સ્કૂલનો નિશ્ચિત સમય હતો. હવે જુદા જુદા સમયે જુદા જુદા વિષયના ઓનલાઇન ક્લાસ હોઈ શકે છે. તમે કોઈ ટ્યૂશનમાં જોડાયા હો તો તેના વધારાના ક્લાસ! એમાં હોમવર્ક માટે જરૂરી સમય ઉમેરો. આમ હવે ટાઇમ મેનેજમેન્ટ તમારે માટે મહત્ત્વનું બનશે.

એ માટે તમારા લેપટોપ અથવા મોબાઇલમાં ગૂગલ કેલેન્ડરમાં તમે વિષય મુજબ અલગ અલગ કેલેન્ડર બનાવી શકો છો. તેમાં દરેક વિષયના ક્લાસનો સમય નોંધી શકો છો. હોમવર્કનો નિશ્ચિત સમય પણ તેમાં નોંધી શકાય. અહીં પણ દરેક વિષય મુજબ કેલેન્ડરને અલગ કલર આપી શકાશે.

લેપટોપમાં તમે ગૂગલ ડ્રાઇવમાં કોઈ ફાઇલ ઓપન કરી હશે ત્યારે જમણી તરફ ઊભા બારમાં ગૂગલ કેલેન્ડર ઓપન કરી શકાશે અને તેમાં તમારી નોંધેલી બાબતો જોઈ શકાશે.

તમે ઇચ્છો તો ગૂગલ ટાસ્ક સર્વિસનો ઉપયોગ કરીને તેમાં પણ તમારાં કામ નોંધી શકો છો. પરંતુ તેના કરતાં કેલેન્ડરમાં વધુ ફીચર્સ હોવાથી તેનો ઉપયોગ કરશો તો વધુ સરળતા રહેશે.

  1. ગૂગલ કીપ નોટ્સનો સ્માર્ટ ઉપયોગ

ટીચર તરફથી જુદા જુદા વિષયના પ્રોજેક્ટ કે એસાઇન્ટમેન્ટ આપવામાં આવે ત્યારે તમારે તેના વિશે ગૂગલમાં સર્ચ કરવાનું થશે અને વિવિધ વેબપેજ પરથી કામની ઇમેજ કે લખાણ કે ટેકસ્ટ તારવી લેવાનાં થશે.

આ બધું તમે ગૂગલની ‘કીપ નોટ્સ’ નામની સર્વિસની મદદથી કરી શકો છો. એ માટે મોબાઇલમાં તેની એપ ડાઉનલોડ કરી લો. લેપટોપમાં, keep.google.com પેજ પર તેનો લાભ લઈ શકાશે. તે પછી કોઈ પણ વેબપેજ પરનું લખાણ સિલેક્ટ કરીને તેને તમારી કીપ નોટ્સ સર્વિસમાં સેવ કરી શકાશે. આ સર્વિસનો તમારા મૂળ ગૂગલ એકાઉન્ટથી જ લાભ લઈ શકાશે. તેમાંનું બધું કન્ટેન્ટ લેપટોપના વેબ બ્રાઉઝર અને મોબાઇલમાંની એપમાં સિન્ક્ડ રહે છે. કીપ નોટ્સમાં ફોલ્ડરને બદલે લેબલની સગવડ છે. આથી તમે દરેક વિષયના અલગ અલગ લેબલ બનાવી, જે કન્ટેન્ટ તેમાં સેવ કરો તેને વિષય મુજબ લેબલ આપી શકો છો. પછી તે શોધવું સહેલું બનશે.

જ્યારે ગૂગલ ડ્રાઇવમાં કોઈ ડોક્યુમેન્ટ ઓપન કરીને તમે કોઈ પ્રોજેક્ટ પર કામ શરૂ કરો ત્યારે લેપટોપમાં જમણી તરફ ઊભા બારમાં કીપ નોટ્સ ઓપન કરી શકો છો. અહીં તમે અગાઉ સાચવેલી નોટ્સ જોવા મળશે, તેને ડ્રેગ કરીને તમારા ગૂગલ ડોક્યુમેન્ટમાં લાવી શકાય.

  1. પીડીએફ સાચવવાની રીત

જો ટીચર વોટ્સએપ દ્વારા પીડીએફ મોકલે તો મોબાઇલમાં અથવા લેપટોપમાં તેને ડાઉનલોડ કરીને પછી ગૂગલ ડ્રાઇવમાંનાં હોમવર્ક ફોલ્ડરમાં તેને મૂવ કરી શકાય.

તમે નોટબુકમાં હોમવર્ક પૂરું કરો પછી તેના બધા પેજના ફોટોગ્રાફ લેવાને બદલે મોબાઇલમાં ગૂગલ ડ્રાઇવ ઓપન કરી, નીચેની તરફ પ્લસ આઇકન પર ક્લિક કરતાં પેજ સ્કેન કરવાનો વિકલ્પ મળશે. તેની મદદથી જુદા જુદા પેજને સ્કેન કરી બધાં પેજની એક કમ્બાઇન્ડ પીડીએફ બનાવી શકાે. એ ફાઇલને નવું નામ આપીને વિષય મુજબના ફોલ્ડરમાં સેવ કરી લો. આ ફાઇલને ઇમેઇલ, વોટ્સએપ દ્વારા અથવા ગૂગલ ડ્રાઇવમાંથી જ શેર કરીને ટીચરને મોકલી શકો છો!

Read Also

Related posts

કોમનેમેનને ઝટકો/ વીજળીના તોતિંગ આવશે બિલ, મોદી સરકારે સસ્તી વીજળી આપવામાં હાથ ખંખેર્યા

Damini Patel

નવપરણિત યુગલની એક નાની બેદરકારી-ભૂલ સંબંધને કમજોર બનાવી શકે, સાસરિયા સાથેના સંબંધોમાં ઊભી કરી દે છે કડવાશઃ છોકરીઓ ખાસ વાંચે

Damini Patel

ડોક્ટર બન્યો હેવાન/ ચકાસણીના બહાને મહિલા દર્દી સાથે કર્યા શારીરિક અડપલાં, હવસ સંતોષવાનો પણ કર્યો પ્રયાસ

pratikshah
GSTV