GSTV

સાયબર ક્રાઈમ/ કોરોનાના દોઢ વર્ષમાં ઓનલાઈન ચીટિંગના ગુના 300 ટકા વધ્યાં, આ રીત અપનાવી કરે છે તમારા ખાતા ખાલી

ચીટિંગ

Last Updated on June 24, 2021 by Damini Patel

પાવર બેન્ક નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૨૫૦ કરોડ રુપિયાની છેતરપિંડી, ઘરબેઠાં ડેટા એન્ટ્રીના બહાને ૧૭૦૦ લોકો સાથે ઠગાઈ, નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી રજીસ્ટ્રેશન ફી ઉઘરાવી છેતરપિંડી, બેન્ક એકાઉન્ટમાંથી બારોબાર પૈસા ઉપડી ગયાં…. આવા સમાચારો હવે જાણે રોજીંદા બની ગયાં. કોરોના આવ્યો પછી વિતેલા દોઢ વર્ષમાં નાણાંકીય લેવડદેવડ વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન બની છે તે સાથે ઓનલાઈન ચિટિંગના કેસમાં ૩૦૦ ટકાનો તોસ્તાન વધારો નોંધાયો છે. કોરોનાના સમયગાળામાં નેટ બેન્કીંગ, વર્ચ્યુઅલ વોલેટનો ઉપયોગ વધ્યો છે તે સાથે જ સાયબર ક્રાઈમમાં પણ ઉછાળો આવ્યો છે. કોઈપણ નાગરિકના બેન્ક ડેટા કે આધાર કાર્ડ સહિતની વિગતો ચોરી કરીને બિન્દાસ્ત વિશ્વના કોઈપણ ખૂણેથી ઈ-ચિટિંગ કરવામાં આવે છે. ઓનલાઈન ગુનાખોરી અટકાવવા માટે ગુજરાત સરકારે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરુ કર્યો છે અને રાજ્યભરમાં પોલીસ સ્ટેશનો કાર્યરત કરી ઈ-ચિટિંગના ગુના અટકાવવા પ્રયાસો શરુ કરવામાં આવ્યાં છે.

સાયબર ક્રાઈમમાં ૩૦૦ ટકાનો ઉછાળો

વર્ષ ૨૦૨૦ના આરંભથી કોરોના શરુ થયો ત્યારથી અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમમાં ૩૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે. કોરોનાથી ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં સાયબર ક્રાઈમના કુલ ૧૬૫૦૩ કેસ આવ્યાં છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના આંકડા મુજબ ૧૬૫૦૩ કેસમાં લોકો સાથે કુલ ૬૧ કરોડ રુપિયાની છેતરપિંડી થઈ છે તેમાંથી છ કરોડ રુપિયા સાયબર પોલીસ પરત લાવી શકી છે. આ સમયગાળામાં કસ્ટમર કેર ફ્રોડના ૨૩૮૭, પેટીએમ કેવાયસીના ૨૦૭૩, ઓએલએક્સ ફ્રોડના ૧૮૭૫, કેશબેક ઓફરના ૧૪૦૩, ખોટી ઓલખ આપી ચિટિંગના ૧૧૬૯, નોકરીના બહાને ઠગાઈના ૧૦૫૬ અને ક્રેડીટ-ડેબીટ કાર્ડ ફ્રોડના ૧૦૧૩ ગુના બન્યાં છે. કોરોના કાળમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન કુલ ૧૪૩૦૦ લોકો ઈ-ચિટિંગની ફરિયાદો કરી ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં જ ઈ-ચિટિંગની અઢળક ફરિયાદો વચ્ચે બે વર્ષમાં ૨૫૦ જેટલા ગુના નોંધાઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત શહેરના પોલીસ સ્ટેશનોમાં પણ સાયબર ક્રાઈમની ફરિયાદો નોંધાઈ રહી છે.

ફોન

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ શરુ કર્યા પછી રાજ્યમાં વધુ ૧૦ સાયબર પોલીસ સ્ટેશન શરુ કરવામાં આવ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં સાયબર પોલીસ સ્ટેશન ઉપરાંત ગુજરાત સીઆઈડી ક્રાઈમ પોલીસના તાબામાં રાજ્યમાં ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, બોર્ડર રેન્જ, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ એમ નવ રેન્જમાં એક-એક સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. આવનારાં દિવસોમાં આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરુચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-ગાંધીધામ અને બનાસકાંઠા ખાતે જિલ્લા કક્ષાના સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવનાર છે. નવા ૧૦ સાયબર પોલીસ સ્ટેશન માટે ૨૧૮ જગ્યાઓ ઉભી કરવામાં આવી છે.

નોંધપાત્ર બાબત એ છે કે, સાયબર ક્રાઈમ આચરતાં ગુનેગારો પૂર્ણરુપે સક્રિય બની ચૂક્યાં છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોની પોલીસ સંકલન કરી સાયબર ક્રાઈમ રોકવા કાર્યશીલ બની છે. સંકલિત કામગીરી અને સાયબર ક્રાઈમના ડેટા-બેઝ સ્કેનિંગ અને કાર્યવાહીની પધ્ધતિ ગોઠવાઈ રહી છે. આ પહેલાં ઈ-ચિટિંગનો ભોગ બનવું ન હોય તો ચેતતા રહેવું જરુરી છે. સાયબર ક્રાઈમથી બચવા માટે ‘ઈ-ટ્રાન્ઝેક્શન સમયે સાવચેતી રાખો અને લાલચ છોડો’ એ એક નિયમ અપનાવો એ એક ઉપાય છે.

ચેતજો, ઇ-ચીટિંગમાં આ પધ્ધતિ અપનાવાય છે

Cyber Attack Crime
 • એપ્લિકેશનઃ સોશિયલ મિડિયા પર એપ્લિકેશનની લિન્ક મોકલી વળતરની લાલચ આપી રોકાણ કરાવી પૈસા સેરવી લેવાય છે.
 • ક્રેડીટ-ડેબીટ કાર્ડ: એટીએમમાં ડેબીટ કાર્ડ બદલી ને અથવા તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન ક્રેડીટ કાર્ડની વિગતો જાણી લઈ ચિટિંગ
 • ઈ-મેઈલ સ્પૂફીંગ કે હેકીંગ: ઈ-મેઈલ આઈડી હેક કરીને કે બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવીને તમારા નામે કોઈને પણ અભદ્ર મેસેજ કે આર્થિક સહાયતા મેળવવા જેવા બનાવો બને છે.
 • સીમકાર્ડ સ્વેપિંગ: તમારા નામનું સીમકાર્ડ ક્લોન કરીને તેનો ઉપયોગ
 • કસ્ટમર કેર ફ્રોડઃ કસ્ટમર કેરમાંથી વાત કરતા હોવાનો દાવો કરીને બેન્ક ખાતાંની વિગતો જાણીને આર્થિક છેતરપિંડી
 • ઈ કોમર્સ ચિટિંગ: સસ્તામાં વસ્તુ સહીતની સ્કીમો આપીને છેતરપિંડી
 • રેન્સમ એટેક: કોઈપણ સરકારી તંત્રની કાર્યવાહીના નામે ધમકાવતાં મેસેજ કરી પૈસા પડાવવા
 • ડેટા ચોરી: સોશિયલ મિડિયાના લગભગ તમામ પ્લેટફોર્મ પર અંગત કે નાણાંકીય વિગતો, ફોટોગ્રાફ સહિતનો ડેટા ચોરી સૌથી મોટું દૂષણ છે
 • વાયરસ-માલવેર એટેક: કોઈપણ લિન્ક કે વિડિયો સાથે વાયરસ મોકલી આપીને મોબાઈલ ફોન, લેપટોપ કે ડેસ્ટ ટોપમાંથી ડેટા ચોરી
 • જોબ ફ્રોડ: નોકરીની લાલચ આપીને રજીસ્ટ્રેશન ફી વસૂલી ઠગાઈ
 • લગ્નવિષયક: સોશિયલ મિડિયાથી ફ્રેન્ડશીપ પછી આર્મીમાં જોબ કરતાં હોવાની કે વિદેશી નાગરિક હોવાની ખોટી વાત કરી ગિફ્ટ મોકલવા કે પોતે રુબરુ આવ્યાની વાત કરી સરકારી તંત્રમાં ફસાયાના બહાને ઠગાઈ
 • લોન: મોટી રકમની લોન ઈન્સ્ટન્ટ અપાવવાના બહાને ચિટિંગ
 • કેમિકલ-સિડ્સ: કેમિકલ કે બિયારણ સસ્તામાં વિદેશમાં મોંઘા ભાવે વેચવાના બહાને નાઈજીરિયન ટોળકીઓ આ પ્રકારના ફ્રોડ કરે છે
 • ઓનલાઈન શોપિંગ: નિશ્ચિત ભાવ કરતાં ખૂબ ઓછા ભાવે વસ્તુ વેચાણ કરવાની લિન્ક મોકલી પૈસા વસૂલીને છેતરપિંડી
 • ટાવર ઈન્સ્ટોલેશન: મોબાઈલ ફોન કે માઈક્રોવેવ ટાવર ઈન્સ્ટોલ કરવાના બહાને ડીપોઝીટના પૈસાની છેતરપિંડી
 • લોટરી કે ગિફ્ટ ફ્રોડ: લોટરી કે ગિફ્ટ લાગી છે તેવો દાવો કરીને સરકારી ટેક્સની રકમના નામે ઈ-ચિટિંગ

યુપીઆઈની પધ્ધતિ બદલાય તો ઈ-ચીટિંગ ઘટે

યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના તાબામાં નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા બેન્ક ખાતાંઓમાં ત્વરિત પૈસા ટ્રાન્સફર કરવાની ઓનલાઈન સુવિધા પુરી પાડે છે. હાલમાં મહત્તમ એક લાખ રુપિયાના ટ્રાન્ઝેક્શન કરવાની મર્યાદા છે. જો કે, ચિટિંગથી બચવા માટે માત્ર મોબાઈલ નંબરના આધારે યુપીઆઈ સુવિધા આપવાની પધ્ધતિ બદલવી આવશ્યક છે. જાણકારો ઉમેરે છે કે, ગ્રાહક પોતાની ઈચ્છા અને મર્યાદા અનુસાર દૈનિક કે માસિક નાણાંકીય લેવડદેવડની જાણકારી આપે તેનો બેન્ક અમલ કરે તે આવશ્યક છે. ગ્રાહકની જરુરિયાત મુજબ યુપીઆઈ સુવિધા આપવાની વ્યવસ્થા ગોઠવાય તો ઈ-ચિટિંગ ફ્રોડ પર અંકુશ આવી શકે છે.

Read Also

Related posts

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari

જલદી કરજો/ જો આઈફોન 12 ખરીદવા માંગતા હો તો તમારા માટે સુંદર તક, 12 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે એપલનું આ મોડલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!