દેશભરમાં ચાલી રહેલી ખેડૂતોની દશ દિવસની હડતાલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના મંદસૌર ખાતે કિસાન રેલીમાં સંબોધન કરવાના છે. ગત વર્ષ આજના દિવસે જ મંદસૌરમાં થયેલા પ્રદર્શન દરમિયાન છ ખેડૂતોના પોલીસ ફાયરિંગમાં મોત નીપજ્યા હતા.
મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભાનીચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મંદસૌર ખાતેની રેલીને રાજકીય દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંદસૌરથી લગભગ વીસ કિલોમીટર દૂર ખોખરમાં એક કોલેજમાં રાહુલ ગાંધીની રેલીનું આયોજન થઈ રહ્યું છે.
રેલી અને મંદસૌરમાં પોલીસ ફાયરિંગની ઘટનાની પહેલી વરસીને કારણે મધ્યપ્રદેશ પોલીસે સુરક્ષા બંદોબસ્તમાં ખાસો વધારો કર્યો છે. કોંગ્રેસે આજની રેલીનું નામ કિસાન સમૃદ્ધિ સંકલ્પ રેલી રાખ્યું છે. મહત્વપૂર્ણ છે કે પહેલી જૂનથી ખેડૂતોએ દશ દિવસનું આંદોલન શરૂ કર્યું છે અને બુધવારે તેનો છઠ્ઠો દિવસ છે. રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મધ્યપ્રદેસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિગ્વિજયસિંહ તથા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ થઈ રહ્યા છે. ગુજરાતથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ પણ મંદસૌરમાં રાહુલ ગાંધી સાથે એકમંચ પર જોવા મળે તેવી શક્યતા છે.
કોંગ્રેસ કાર્યાલય તરફથી મળેલી જાણકારી મુજબ રાહુલ ગાંધી બપોરે લગભગ 12 વાગ્યે અને 20 મિનિટે ચાર્ટર્ડ પ્લેનથી મંદસૌરની હવાઈપટ્ટી પર ઉતરશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા પોણા એક વાગ્યે સભાસ્થાન પિપલિયામંડી પહોંચશે. અહીં રેલીને સંબોધિત કર્યા બાદ તેઓ બપોરે ત્રણ વાગ્યે દિલ્હી જવા માટે રવાના થશે.
2017માં પણ ખેડૂતોએ પહેલી જૂનથી દશમી જૂન સુધી આંદોલન કર્યું હતું અને તેનું મુખ્ય કેન્દ્ર મંદસૌર રહ્યું હતું. છ જૂન-2017ના રોજ મંદસૌરની પિપલિયા મંડીમાં પોલીસ ફાયરિંગમાં છ ખેડૂતોના મોત નીપજ્યા હતા. બાદમાં આખા રાજ્યમાં હિંસા, લૂંટ, આગચંપી અને તોડફોડ થઈ હતી. રાહુલ ગાંધી મંદસૌરના ગોળીકાંડની વરસી પર ખેડૂતોને કોંગ્રેસ સાથે જોડવાની કોશિશ કરશે.