GSTV
Home » News » ગોધરા કાંડ : બુધવારના રોજ પ્રદીપસિંહ જાડેજા તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 ગૃહમાં રજૂ કરશે

ગોધરા કાંડ : બુધવારના રોજ પ્રદીપસિંહ જાડેજા તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 ગૃહમાં રજૂ કરશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં કાલે ગોધરા કાંડ અહેવાલનો ભાગ-2 મેજ પર મુકવામાં આવશે. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગૃહમાં રજૂ કરશે, રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી. તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરશે.

શું હતી ઘટના તેના પર નજર કરીએ તો.. 27 ફેબ્રુઆરી 2002ના દિવસની આ ઘટના છે. ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયા વિસ્તારમાં કેટલાક ટોળાએ અટકાવી હતી. બાદમાં ટોળાએ હુમલો કરીને ટ્રેનના એસ-6 કોચને આગ ચાંપી હતી. જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કાર સેવકોનાં મોત થયાં હતા. 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશને નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી પડી હતી. ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં જુદા જુદા કિસ્સામાં 1000થી વધુ લોકોનાં મોત થયા હતા.

22 ફેબ્રુઆરી 2011ના દિવસે અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતે ગોધરાકાંડ કેસમાં 31ને દોષિત ઠેરવ્યા જ્યારે 63ને નિર્દોષ જાહેર કર્યા. 9 ઓક્ટોબર 2017ના દિવસે ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી છે. 20 આરોપીઓને ટ્રાયલ કોર્ટે આપેલી આજીવન કેદની સજા યથાવત રાખી હતી. તેમજ 63 આરોપીઓને નિર્દોષ ઠેરવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો.

આ કેસમાં ક્યારે શું બન્યું?

 • 27 ફેબ્રુઆરી-2002 : અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરતા 59 લોકોનાં મોત થયાં હતાં.
 • 28 ફેબ્રુઆરી 2002 : અમદાવાદ શહેરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાએ કરેલા હુમલામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી માર્યા ગયા. અન્ય 31 લોકો લાપત્તા થયાં, જેમને બાદમાં મૃત માની લેવામાં આવ્યા.
 • 22 મે-2002 : તપાસ એજન્સીએ પહેલું આરોપનામું દાખલ કર્યું. પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો તેમાં ઉલ્લેખ નહોતો.
 • 19 ડિસેમ્બર.-2002 : બીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરવામાં આવ્યું. તેમાં પણ પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહોતો.
 • 3 માર્ચ-2003 : સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટ રચવામાં આવી.
 • 16 એપ્રિલ-2003 : ત્રીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરાયું. જેમાં આરોપીઓ પર POTA હેઠળના ગુના લગાવવામાં આવ્યા.
 • 21 નવેમ્બર-2003 : સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના નવ કેસની તપાસ પર રોક લગાવી.
 • સપ્ટેમ્બર-2004 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત આવી.
 • 16 મે-2005 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિએ અભિપ્રાય આપ્યો.
 • એપ્રિલ-2008 : સર્વોચ્ચ અદાલતે તપાસ પર લગાવેલી રોક હટાવી લીધી અને કેસમાં તપાસ માટે સીબીઆઈના ભૂતપૂર્વ વડા આર.કે રાઘવનની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટીમ રચવામાં આવી.
 • 12 ફેબ્રુઆરી-2009 : ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA (પોટા) કેનૂન હેઠળના ગુના રદ કરી દીધા.
 • એપ્રિલ-2009 : સર્વોચ્ચ અદાલતે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના નવ કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટો રચવા આદેશ આપ્યો. ગોધરાકાંડ કેસની સુનાવણી માટે એડિશનલ સેશન જજ પી.આર.પટેલની નિમણૂક કરાઈ.
 • જૂન-2009 : ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતે સુનાવણી શરૂ કરી.
 • 30 મે-2010 : ટ્રાયલ કોર્ટના જજે ગોધરા રેલવે સ્ટેશન પાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી.
 • 28 સપ્ટેમ્બર-2010 : ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.
 • 24 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી. જો કે બાદમાં તે 22 ફેબ્રુઆરી કરવામાં આવી.
 • 25 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો.
 • 22 ફેબ્રુઆરી-2011 : અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતે ગોધરાકાંડ કેસમાં 31ને દોષિત ઠેરવ્યા જ્યારે 63ને નિર્દોષ જાહેર કર્યા.
 • 09 ઑક્ટોબર-2017 : ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી, 20 આરોપીઓને ટ્રાયલ કોર્ટે આપેલી સજા યથાવત રાખવામાં આવી. તેમજ 63 આરોપીઓને નિર્દોષ ઠેરવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો.

READ ALSO

Related posts

આમા સરકાર ક્યાંય ચિત્રમાં નથી કોર્ટના આદેશથી હાર્દિકની ધરપકડ કરવામાં આવી છે

Mayur

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો, 80 લાખ બાળકોને આવરી લેવાશે

Mayur

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે અપનાવ્યો આ માસ્ટર પ્લાન, ઉપ સંયોજકને સોંપી મહત્વની જવાબદારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!