GSTV
Home » News » મોદીને VHPએ આપી મોટી ભેટ, રામ મંદિર નિર્માણના મામલે લીધો આ યુ ટર્ન

મોદીને VHPએ આપી મોટી ભેટ, રામ મંદિર નિર્માણના મામલે લીધો આ યુ ટર્ન

વિશ્વ હિન્દુ પરિષદે જાહેર કર્યું છે કે લોકસભાની ચૂંટણી પૂરી થતાં સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો સ્થગિત રહેશે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહાસચિન સુરેન્દ્ર જૈને કહ્યું છે કે અમે નથી ઇચ્છતા કે રામ મંદિર ચૂંટણીનો મુદ્દો બને, કારણ કે રામ મંદિર આસ્થા અને પવિત્રતા સાથે જોડાયેલો મામલો છે. વિશ્વ હિન્દુ પરિષદે આગામી ચાર મહિના સુધી કોઇ પણ પ્રકારના પ્રદર્શન કે આંદોલન કરવાની પણ ના પાડી છે.

વિશ્વ હિન્દુ પરિષદનો આ નિર્ણય ભારે આશ્ચર્યજનક

વિશ્વ હિન્દુ પરિષદનો આ નિર્ણય ભારે આશ્ચર્યજનક છે. એમાં પણ મંદિર આંદોલન સ્થગિત રાખવા પાછળ જે કારણ આપવામાં આવ્યું છે એ પણ લોકોના ગળે ઉતરવું મુશ્કેલ છે. કારણ કે લોકોમાં તો એવી ધારણા જ હતી કે ચૂંટણી નજીક આવતા ફરી પાછો રામ મંદિરનો મુદ્દો ચગાવવામાં આવી રહ્યો છે. એમાંયે છેલ્લા થોડા અઠવાડિયાથી તો જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આ મામલે ગરમાવો વધી રહ્યો હતો. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટના વલણથી પણ સ્પષ્ટ બન્યું હતું કે તે આ મામલે કોઇ ઉતાવળ કરવા માંગતી નથી. એવામાં કેન્દ્રની મોદી સરકાર ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું કે તે આ મામલે અધ્યાદેશ લાવે અને મંદિર નિર્માણ માટે જમીન ન્યાસને સોંપી દે. હકીકતમાં રામ મંદિર મુદ્દાનો મોટો બનાવવા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી. આ માટે હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમેળામાં ધર્મ સંસદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ધર્મ સંસદ પણ કોઇ નિર્ણય પર પહોંચી શકી નહીં.

રામ મંદિર મુદ્દે પ્રજા હવે ઉદાસિન બની રહી છે

વિશ્વ હિન્દુ પરિષદનો નિર્ણય કદાચ એ પણ દર્શાવે છે કે રામ મંદિર મુદ્દે પ્રજા હવે ઉદાસિન બની રહી છે. હકીકતમાં છેલ્લા ત્રણ દાયકાથી અયોધ્યા મુદ્દે જે પ્રકારનું રાજકારણ થતું આવ્યું છે અને મતદારોનું સાંપ્રદાયિક આધારે ધૂ્રવીકરણ કરવાના જે પ્રયાસો થયાં છે એનાથી નુકસાન તો આ મુદ્દાને જ થયું છે. આઝાદીના સિત્તેર વર્ષ બાદ ભારતે જે પ્રગતિ કરી છે અને જે સામાજિક-આર્થિક વિકાસ કર્યો છે તેમજ દુનિયાભરમાં જે નામના મેળવી છે એની પાછળનું મૂળ કારણ એ છે કે ભારતમાં સાંપ્રદાયિક સદ્ભાવના મૂળિયાં સદીઓ જૂના છે અને ભારતની લોકશાહીની એ જ સુંદરતા છે. એ જોતાં વિશ્ હિન્દુ પરિષદનો નિર્ણય ખરેખર પ્રશંસનીય છે. હા, ચોંકાવનારો જરૂર છે કારણ કે જે રીતે સંગઠન સાધુ-સંતોના સંમેલનોથી લઇને કુંભમાં ધર્મસંસદ આયોજિત કરીને મંદિર નિર્માણનો શંખ ફૂંકી રહ્યું હતું એનાથી તો એવું જ લાગી રહ્યું હતું કે આ વખતે પણ રામ મંદિર ચૂંટણીલક્ષી મુદ્દો જ બની રહેશે. એના કારણે તણાવ ઊભો થવાની શક્યતાઓ પણ હતી. જોકે વિશ્વ હિન્દુ પરિષદે ડહાપણભર્યો નિર્ણય લઇને તમામ આશંકાઓને સમાપ્ત કરી દીધી છે.

રામ મંદિરનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં અટવાયેલો પડયો

૨૦૧૪માં જ્યારે ભાજપની સરકાર બની ત્યારે મતદારોને એવી અપેક્ષા હતી કે સરકાર રચાયા બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થશે. હવે મોદી સરકાર પોતાનો કાર્યકાળ લગભગ પૂરો કરી ચૂકી છે અને રામ મંદિરનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં અટવાયેલો પડયો છે. મોદી સરકારે પણ આ દિશામાં અત્યાર સુધી કોઇ પહેલ કરી નથી. કેટલાંક વિશ્લેષકોનું તો ત્યાં સુધી કહેવું છે કે ભાજપ રામ મંદિર મુદ્દાને કદી ખતમ કરવા જ નથી માંગતો પરંતુ કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ એમ બંને જગ્યાએ હાલ ભાજપની સરકાર છે અને હવે મંદિર નિર્માણના મામલે આગળ વધ્યા સિવાય ભાજપ પાસે કોઇ માર્ગ બચ્યો નથી.

ચૂંટણી લડવાની ભાજપની રણનીતિ હોય એવું પણ શક્ય

હવે જો ભાજપ મંદિર મુદ્દો લઇને પ્રજા સમક્ષ જાય તો પણ લોકો પૂછશે કે મંદિર કેમ ન બનાવ્યું? કારણ કે અગાઉ ભાજપ એવી દલીલ કરતો હતો કે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ બહુમતિવાળી સરકાર હશે ત્યારે એ શક્ય બનશે. પરંતુ આજે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે ભાજપ એ બચાવ પણ કરી શકવાની સ્થિતિમાં નથી.એ સંજોગોમાં મંદિર મુદ્દો કોરાણે મૂકીને વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની ભાજપની રણનીતિ હોય એવું પણ શક્ય છે. કારણ જે પણ હોય, હાલ તો એવું લાગે છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર મુદ્દો નહીં બને. એનો અર્થ એ કે ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડવા માંગે છે અને એક જોતાં એ સારું પણ છે કે ચૂંટણીમાં લોકકલ્યાણ સાથે જોડાયેલા મુદ્દા મહત્ત્વના રહેશે.

Related posts

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીવનમાં પહેલી વખત સેલ્ફી લીધી, સોશિયલ મીડિયા પર વાઈરલ

Mayur

ત્રણ તલાક, આર્ટિકલ 370 અને CAB, હવે આ મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે કેન્દ્રની મોદી સરકાર

NIsha Patel

મોદીએ Tweet કરી NRC મુદ્દે શાંતિ જાળવવા એ વિસ્તારનાં લોકોને અપીલ કરી જ્યાં ઈન્ટરનેટ સેવા જ છે બંધ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!