સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે કપાટ ખુલ્યાના ત્રણ દિવસથી હંગામો યથાવત છે. તેલંગાણાની એક ઓનલાઈન પત્રકાર અને એક અન્ય મહિલા શ્રદ્ધાળુને આઈજી શ્રીજીતની આગેવાનીવાળી પોલીસ ટુકડી સબરીમાલા મંદિર લઈ જવાની કોશિશ કરી રહી છે. સબરીમાલા મંદિર તરફ આગળ વધનારી મહિલા પત્રકાર હૈદરાબાદીની વતની છે. સબરીમાલા મંદિર જઈ રહેલી બે મહિલામાંની એક કોચ્ચિ ખાતે રહેતી મુસ્લિમ મહિલા છે. કોચ્ચિ ખાતે મુસ્લિમ મહિલા કાર્યકર્તાના મકાનમાં તોડફોડની ઘટના પણ બની છે. સબરીમાલા મંદિર તરફ આગળ વધી રહેલી બંને મહિલાઓને દોઢસો જેટલા પોલીસકર્મીઓની સુરક્ષા આપવામાં આવી છે. આ બંને મહિલાઓ મંદિરથી માત્ર બસ્સો મીટરના અંતરે છે. તાજેતરની જાણકારી પ્રમાણે શ્રદ્ધાળુઓ દ્વારા બંને મહિલાઓને મંદિરમાં જતી રોકવાની કોશિશ થઈ રહી છે. તો બીજી તરફ ઓલ કેરળ બ્રાહ્મણ એસોસિએશને પુનર્વિચારણા અરજી દાખલ કરી છે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા શ્રદ્ધાળુઓનું નિલક્કલમાં પોલીસ સાથે ઘર્ષણ થયાના એક દિવસ બાદ કેરળ સરકારે ગુરુવારે આરએસએસ પર આતંક ફેલાવીને ભગવાન અયપ્પાના ધર્મસ્થળને નષ્ટ કરવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ભાજપે પલટવાર કરતા સીપીએમની આગેવાનીવાળી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર અયપ્પા મંદિરની છબી ખરાબ કરવાની કોશિશ કરી રહી હોવાનો વળતો આરોપ લગાવ્યો છે અને આ ધર્મસ્થળ પર તણાવ માટે પી. વિજયનની સરકાર જવાબદાર હોવાનું પણ જણાવ્યું છે.
કેરળ પોલીસના આઈજી એસ. શ્રીજીતે કહ્યુ છે કે તેઓ પોતાની વર્દીમાં ભક્તોને રોકવા અથવા હટાવા માટે નથી. તેઓ પણ ભગવાન અયપ્પાના ભક્ત છે. પરંતુ તેઓ માત્ર શ્રદ્ધાની સુરક્ષા માટે જ નથી. પણ કાયદાની સુરક્ષા માટે પણ છે. આઈજી શ્રીજીતે કહ્યુ છે કે પોલીસ સબરીમાલામાં કોઈપણ પ્રકારના વિવાદને ઈચ્છથા નથી અને શ્રદ્ધાળુઓને પરેશાન કરવા પણ માંગતા નથી. તેઓ ઉચ્ચાધિકારીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિની જાણકારી આપી રહ્યા છે.
કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યાને ત્રણ દિવસ થઈ ચુક્યા છે. પરંતુ હજીપણ મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન માટે મહિલાઓને પ્રવેશ કરાવી શકાયો નથી. ગત ત્રણ દિવસોથી હિંદુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓના પ્રવેશને રોકવાની કોશિશ થઈ રહી છે. જેને કારણે સબરીમાલા મંદિરની આસપાસના વિસ્તારમાં સતત ઘર્ષણ અને હિંસાનો માહોલ બની રહ્યો છે. ગુરુવારે વિદેશી મીડિયા સંગઠનો માટે કામ કરનારી દિલ્હીની એક મહિલા પત્રકાર પણ મંદિરમાં દર્શન કરી શકી ન હતી. હવે તેના બીજા દિવસે અન્ય એક મહિલા પત્રકારે સબરીમાલા મંદિરમાં ભારે સુરક્ષા વચ્ચે દર્શન કરવાની કોશિશ શરૂ કરી છે. પોલીસે મહિલાને સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. મહિલાએ પોતાના વ્યવસાયિક કામ માટે સબરીમાલા સન્નિધાનમમાં જવા માટે સુરક્ષાનો અનુરોધ કર્યો હતો. મહિલાની વય લગભગ 25 વર્ષની છે. જો આ મહિલા સબરીમાલા પહાડી પર ચઢાઈ કરીને મંદિરમાં દર્શન કરવામાં સફળ થઈ જશે. તો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સબરીમાલા ખાતે ભગવાન અયપ્પા મંદિરમાં જનારી રજસ્વલા વયજૂથની પહેલી મહિલા બનશે.
ભગવાન અયપ્પા મંદિરની પાંચ દિવસ ચાલનારી તીર્થયાત્રાના બીજા દિવસે ગુરુવારે પણ કેરળમાં તણાવની સ્થિતિ યથાવત હતી. ગુરુવારે પણ પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓ પર કરવામાં આવેલા બળપ્રયોગના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એક તરફ કેરળ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવાની કોશિશ થઈ રહી છે. તો બીજી તરફ હિંદુવાદી સંગઠનો દ્વારા પરંપરાની દુહાઈ આપીને મહિલાઓને મંદિરમાં પ્રવેશ નહીં કરવા માટે આગ્રહ કરવામાં આવે છે.
સબરીમાલાના પૂજારી પરિવારના એક વરિષ્ઠ સદસ્યે દશથી પચાસ વર્ષના વયજૂથની મહિલાઓને મંદિર પ્રવેશને રોકીને પરંપરાનું સમ્માન કરવા તથા મહિલાઓને અયપ્પા મંદિરમાં નહીં જવાનો આગ્રહ કર્યો છે. ભગવાન અયપ્પા બ્રહ્મચારી હોવાથી મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશતી રોકવાની પરંપરા આઠસો વર્ષથી વધુ સમયથી ચાલી આવતી હોવાનું કહેવામાં આવે છે.
આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા દેખાવકારો દ્વારા બુધવારે હુમલા અને ઘર્ષણ દ્વારા કેટલીક મહિલા પત્રકારોને કવરેજ કરવાથી રોકવામાં આવી હતી. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના ભારત ખાતેના રિપોર્ટર સુહાસિની રાજ પોતાના સહકર્મી સાથે ગુરુવારે સવારે પંબાના માર્ગે અયપ્પાના મંદિર સુધી જવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમને અધવચ્ચે ભક્તોએ અટકાવી દીધા હતા. કેટલાક લોકો દ્વારા તેમના તેમના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જો કે ભારે સુરક્ષા વચ્ચે તેઓ મંદિરથી ભગવાન અયપ્પાના દર્શન કર્યા વગર પાછા ફર્યા હતા. ત્રાવણકોર દેવાસમ બોર્ડના અધ્યક્ષ એ.પદ્મકુમારે મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેઓ આ મામલાના ઉકેલ માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. પદ્મકુમારે કહ્યુ છે કે તેઓ એક બેઠક કરીને પુછવા માગે છે કે જો તેઓ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણા અરજી દાખલ કરશે. તો શું દેખાવકારો પાછા હટી જશે? મહત્વપૂર્ણ છે કે ભગવાન અયપ્પાનું મંદિર બુધવારે સાંજે પાંચ વાગ્યે માસિક પૂજા-અર્ચના માટે ખોલવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના 28 સપ્ટેમ્બરના ચુકાદા બાદ બુધવારે પહેલીવાર સબરીમાલા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પરંપરા મુજબ. આ મંદિરને મલયાલમ માસની શરૂઆતમાં પાંચ દિવસ સુધી ખોલવામાં આવે છે. સબરીમાલા મંદિર હાલ 22 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેવાનું છે.