ગુજરાતમાં કોરોનાના નવા ઘાતક વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી. ત્યારે હવે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી મુદ્દે કેબિનેટમંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર નવા વેરિઅન્ટને લઇને સંપૂર્ણપણે સતર્ક છે. આરોગ્ય સચિવે એરપોર્ટની મુલાકાત લઇને સમીક્ષા કરી છે. બધી જગ્યાએ ટેસ્ટિંગ તેમજ ક્વોરન્ટીનની વ્યવસ્થા કરાઇ છે. વાઘાણીએ કહ્યું કે નવા વાયરસથી ડરવાની નહીં પરંતુ તેની સામે લડવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે આગામી દિવસોમાં નિર્ણય કરીશું.
મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી છે. બેઠકમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓમિક્રોન સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇનનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આપી છે. સાથે જ મુખ્યપ્રધાને ગુજરાતમાં ત્રણ-ટી ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા પણ સૂચનાઓ આપી છે.

મુખ્યપ્રધાને નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ તમામ નાગરિકોને પણ સતર્કતા દાખવવા અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરી છે. બેઠક બાદ મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે સરકાર નવા વેરિયન્ટને લઇને એલર્ટ છે. મુખ્ય સચિવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા મુસાફરોને ગાઇડલાઇનનું પાલન કરવા જણાવ્યું છે. સાથે જ 35 લાખ લોકો કે જેમને વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે તેમને રસી મુકાવવાની અપીલ કરી છે.
કોરોનાના નવા વેરિએન્ટને લઈને રાજ્ય સરકારો સતર્ક બની છે. જે કડીમાં મહારાષ્ટ્રમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ પોતાની વર્તમાન સુવિધાઓમાં વધુ સુવિધા ઉમેરવામાં આવી છે. એક સત્તાવાર નિવેદન મુજબ મુંબઈ એરપોર્ટે જણાવ્યું છે કે તેમણે 100 રેપીડ પીસીઆર સહિત 100 રજીસ્ટ્રેશન કાઊન્ટર અને 60 સેમ્પલિંગ બૂથ સ્થાપિત કર્યા છે. મુંબઈ એરપોર્ટે રેપીડ પીસીઆર ટેસ્ટના ચાર્જને સંશોધિત કરીને 4500 રૂપિયાના સ્થાને 3,900 રૂપિયા કરી દીધા છે.
આ સાથે 600 રૂપિયાની સામાન્ય આરટી-પીસીઆર તપાસ પણ CSMIAમાં ઉપલબ્ધ છે. અધિકારીએ કહ્યું કે લોકો ટેસ્ટિંગના દરોમાં થયેલા ઘટાડાનો લાભ મેળવી શકશે. મુંબઈ એરપોર્ટ પર યુકે, દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, બ્રાઝીલ, ચીન, મોરશિયસ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ સહિત યુરોપના રિસ્ક કેટેગરીવાળા દેશો પ્રવાસીઓને પ્રાથમિકતા પર ઉતારવામાં આવી રહ્યા છે.
આ પ્રવાસીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ સાત દિવસ માટે ક્વોરન્ટી રહેવું પડશે અને સાતમા દિવસે પણ તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. તો બીજી તરફ બીએમસીએ એરપોર્ટ તંત્રને સૂચના આપી છે કે તે વિદેશમાંથી આવનારા પ્રવાસીઓની યાદી કંટ્રોલ રૂમની સાથે શેર કરે. મુંબઈ મેયરે જણાવ્યું કે સંક્રમિત લોકો માટે 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ મુંબઈમાં વિદેશથી પરત ફરેલા લોકોમાંથી ઓમિક્રોન શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે..
જામનગરમાં મળી આવ્યો ઓમિક્રોનનો પ્રથમ કેસ
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે ગુજરાતમાં પણ ઓમિક્રોન વાયરસનો પગપેસારો થયો છે. જામનગરમાં દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી પરત ફરેલો મુસાફર ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. ગુરૂવારે ઝિમ્બાબ્વેથી આવેલા મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો તેમજ તેમના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં મુસાફર કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયો હોવાનું સામે આવતા રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે.

અહીં મહત્વપૂર્ણ છે કે, શંકાસ્પદ દર્દી ઝિમ્બાબ્વેથી 26 નવેમ્બરના રોજ રવાના થયો હતો. અમદાવાદ આવ્યા બાદ તે અમદાવાદથી બાય રોડ જામનગર આવ્યો હતો. બે દિવસ બાદ 29 નવેમ્બરે દર્દીના ગળામાં ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. આથી ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા દર્દી કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. જે બાદ દર્દીને 1 ડિસેમ્બરે ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. જો કે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા 87 લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કરી તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
Read Also
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર