દિલ્હીમાં આવેલી કેન્દ્રીય યુનિવર્સિટી જામિયા મિલિયા ઈસ્લામિયાની વેબસાઈટ 24 કલાકમાં બે વાર હેક થઈ ગઈ હતી.
મંગળવારે વેબસાઈટને હેક કરીને પેજ પર હેપ્પી બર્થડે પૂજા લખવામાં આવ્યું હતું. ત્યારે આજે વેબસાઈટને ફરીવાર હેક કરવામાં આવ્યું છે. વેબ સાઈટના પેજ પર સોરી આઈ હેવ બોયફ્રેડ…પૂજા.. લખેલુ દેખાય છે. આ સાઈબર એટેકની કોઈ વ્યક્તિ અથવા જૂથે જવાબદારી લીધી નથી.
જામિયા-મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના પદાધિકારીઓએ પણ હેકિંગની ઘટના પર હજી સુધી કોઈ ટીપ્પણી કરી નથી. વેબ સાઈટ હેક થવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ સાયબર સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યા છે.
આ યુનિવર્સિટીની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન 1920માં કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં ગૃહ, સુરક્ષા, કાયદો અને શ્રમ મંત્રાલયોની વેબસાઈટો એક શંકાસ્પદ સાઈબર એટેકમાં ડાઉન થઈ ગઈ હતી. જેના કારણે દેશની સાઈબર સિક્યુરિટી મામલે ગંભીર સવાલો ઉઠયા હતા.
2016માં ગૃહ મંત્રાલયે સંસદને જણાવ્યું હતું કે 2016માં કુલ 199 સરકારી વેબસાઈટોને હેક કરવામાં આવી હતી. આ પહેલા એપ્રિલમાં બ્રાઝિલના હેકિંગ ગ્રુપ દ્વારા કથિતપણે હેકિંગને કારણે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પણ ડાઉન થઈ ગઈ હતી. 2013થી 2016 દરમિયાન ભારત સરકારે 700થી વધુ વેબસાઈટોનું હેકિંગ કરવામાં આવ્યું છે.