GSTV
India News ટોપ સ્ટોરી

Big Breaking / પાટીદાર અનામતનો રસ્તો સાફ! OBC સમુદાયને કેન્દ્ર સરકારની મોટી ભેટ, રાજ્યસભામાંથી પસાર થયું અનામત બિલ

ભાજપ

રાજ્યોને OBC અનામત યાદીઓ તૈયાર કરવાની સત્તા આપતું 127મા બંધારણીય સુધારા બિલને રાજ્યસભાની મંજૂરી મળી ગઇ છે. સંસદના ઉપલા ગૃહમાં હાજર તમામ 186 સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. અગાઉ મંગળવારે લોકસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી હતી. હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમની સહી સાથે તે કાયદા તરીકે અમલમાં આવશે. તેના હેઠળ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓબીસી અનામત માટે જાતિઓની યાદી તેમના સ્તરે નક્કી કરવાનો અને તેમને ક્વોટા આપવાનો અધિકાર હશે. આ બિલ પાસ થતા ગુજરાતમાં પાટીદારો, મહારાષ્ટ્રમાં મરાઠાઓ, હરિયાણામાં જાટોને સીધો ફાયદો થવાની સંભાવના છે.

ગુજરાતમાં પાટીદારોનો OBCમાં થઇ શકે છે સમાવેશ

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. રાજ્યમાં પાટીદારો ભાજપની સરકારથી નારાજ ચાલી રહ્યા છે. ચૂંટણી પહેલા રાજ્યની ભાજપ સરકાર તેમની નારાજગી દૂર કરવા માટે પાટીદારોને OBCમાં સમાવેશ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી પાટીદારો અનામતની માંગ કરી રહ્યા છે. જોકે કાયદાકિય જોગવાઇનો કારણે અનામત આપી શકાય એવું ન હતું. જોકે હવે આ બિલ પાસ થતા અનામતનો રસ્તો આસાન થઇ ગયો છે.

ઓબીસી અનામત બિલ લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પસાર

રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર આપતું ઓબીસી અનામત બિલ મંગળવારે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પસાર થઈ ગયું હતું. ચોમાસુ સત્રમાં લોકસભામાં પહેલી વખત જોવા મળ્યું કે કોઈ બિલ પર સરકાર પોતાની વાત કહેતી રહી અને વિપક્ષી સાંસદો કોઈપણ હોબાળો, શોરબકોર કે સૂત્રોચ્ચાર કર્યા વિના પોતાની સીટ પર બેસીને ચૂપચાપ સાંભળતા રહ્યા. ૧૨૭મા બંધારણીય સુધારા બિલ મારફત રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશે. આ બિલ લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પસાર થઈ ગયું. મતવિભાજન સમયે બિલની તરફેણમાં ૩૮૫ મત પડયા જ્યારે વિરોધમાં કોઈ મત પડયો નહીં.

લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સંબંધિત ‘બંધારણીય (૧૨૭મો સુધારો) બિલ, ૨૦૨૧’ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ગૃહમાં આ બંધારણિય સુધારા ખરડાની તરફેણમાં બધા જ પક્ષના સાંસદોનું મળેલું સમર્થન સ્વાગત યોગ્ય છે. આ બિલ પાસ થયા પહેલાં તેના પર બધા જ પક્ષોએ વ્યાપક ચર્ચા કરી હતી.

અનામત પર ૫૦ ટકાની મર્યાદા દૂર કરવાની પણ માગણી

સરકારે જણાવ્યું કે આ બિલ આવ્યા પછી રાજ્ય સરકારોને પોતાની ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર મળી જશે અને મરાઠા અનામત જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર થઈ જશે. કોંગ્રેસ સહિત બધા જ વિપક્ષોએ આ ખરડાનું સમર્થન કર્યું હતું. સાથે જ વિપક્ષે અનામત પર ૫૦ ટકાની મર્યાદા દૂર કરવાની પણ માગણી રજૂ કરી હતી.

વિપક્ષના સાંસદોના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી વીરેન્દ્ર કુમારે કહ્યું કે ભાજપની નીતિ અને નિયત એકદમ સ્પષ્ટ છે. તે સમાજમાં દરેક પછાત વર્ગોના વિકાસ માટે કામ કરે છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, ૨૦૧૮માં ૧૦૨મુ બંધારણીય સુધારા બિલ લવાયું હતું. તમે ઓબીસી કમિશન બનાવ્યું, પરંતુ રાજ્યોના અધિકારોનો ભંગ કર્યો હતો. બહુમતની બાહુબલીથી તમે ગૃહમાં મનમાની કરી રહ્યા છો. જોકે, પ્રદેશોમાંથી અવાજ ઉઠવા લાગતા તમે મજબૂરીથી આ રસ્તે આવ્યા છે. અમે આ બિલનું સમર્થન કરીએ છીએ. સાથે જ અમે અનામત પરની ૫૦ ટકા મર્યાદા દૂર કરવાની પણ માગણી કરીએ છીએ.

બે બિલ પણ પસાર કરાવી દીધા

ઓબીસી બિલની સાથે લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે અન્ય બે બિલ પણ પસાર કરાવી દીધા હતા. સરકાર હવે ઓબીસી અનામત બિલ બુધવારે રાજ્યસભામાં રજૂ કરે તેવી સંભાવના છે, જ્યાં આ બિલ પસાર થયા પછી કાયદો બનશે અને રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો સંપૂર્ણ અધિકાર મળશે. ૧૨૭મા બંધારણીય સુધારા બિલ (અનામત બિલ) પસાર થયા પછી વિપક્ષે ફરીથી હોબાળો શરૃ કરી દેતાં લોકસભાની કાર્યવાહી મુલતવી રખાઈ હતી.

દરમિયાન રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો યથાવત્ રહ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માગણી કરતાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો અને સાંસદો વેલમાં ધસી ગયા હતા. કેટલાક સાંસદો ટેબલ પર ચઢી ગયા અને કૃષિ કાયદાની નકલો હવામાં લહેરાવી હતી. સંસદનું ચોમાસુ સત્ર પૂરું થવાને હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ચોમાસુ સત્ર શરૃ થવાના આગલા દિવસે જ જાહેર થયેલા પેગાસસ વિવાદથી વિપક્ષે બંને સત્રમાં ભારે હોબાળો મચાવ્યો છે અને પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચાની માગણી કરી રહ્યો છે.

Read Also

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

BIG BREAKING: નેપાળના બારા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 16ના કરૂણ મોત 24 લોકો ઘાયલ

pratikshah

સુએલા બ્રેવરમેને જ ભારત સાથે બ્રિટનના મુક્ત વેપાર કરારનો કર્યો વિરોધ, કહ્યું-દેશમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વધશે

Hemal Vegda
GSTV