ભારતમાં યુપીઆઇ સર્વિસનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ યુપીઆઇના ઉપયોગ પર કેટલીક મર્યાદાઓ મૂકવાનો નિર્ણય કર્યો છે. આમ તો આ મર્યાદાઓ પેમેન્ટ્સ એપને લાગુ પડશે પરંતુ તેની અસર આપણને પણ થશે.

મળતા સમાચાર મુજબ, યુપીઆઇ પેમેન્ટ એપમાં કોઈ એક એપની મોનોપોલી ન સર્જાય એ માટે એનપીસીઆઇએ નિર્ણય કર્યો છે કે કોઈ પણ પેમેન્ટ એપ તેની કામગીરીના પહેલા વર્ષમાં કુલ યુપીઆઇ ટ્રાન્ઝેકશનમાં ૫૦ ટકાથી વધુ ટ્રાન્ઝેકશન કરી શકશે નહીં.

બીજા વર્ષે ૪૦ ટકા અને ત્રીજા વર્ષથી ૩૩ ટકાની મર્યાદા લાગુ પડશે. અત્યારે ભારતમાં ગૂગલ પે, ફોનપે અને પેટીએમ સૌથી લોકપ્રિય યુપીઆઈ એપ છે. વોટ્સએપ પર યુપીઆઈ પેમેન્ટને મંજૂરી મળ્યા પછી આ હરીફાઈ હજી વધુ તીવ્ર બનશે.
કદાચ વોટ્સએપને ધ્યાનમાં રાખીને જ, આ મર્યાદા નક્કી કરવામાં આવી હોય તેવી પણ શક્યતા છે, જેથી કોઈ એક એપ પર વધુ પડતાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શન ન થાય અને એક જ એપને વધુ પડતો ફાઇનાન્શિયલ ડેટા મળે નહીં. આપણે માટે મુશ્કેલી એ થશે કે આપણે કોઈ એક જ ફેવરિટ યુપીઆઇ એપનો ઉપયોગ કરતા હોઈએ અને તેના પરનાં ટ્રાન્ઝેક્શન તેની મર્યાદા કરતાં વધી જશે, તો પછી આપણે તેનો ઉપયોગ કરી શકીશું નહીં!