GSTV
Home » News » મહાગઠબંધને ભાજપની નિંદર ઉડાડી, કેરાના અેક સંકેત કે મોદીને હરાવવા શક્ય

મહાગઠબંધને ભાજપની નિંદર ઉડાડી, કેરાના અેક સંકેત કે મોદીને હરાવવા શક્ય

કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની હાર વિપક્ષની એકતાની જીત છે. તેની સાથે કેરાના બેઠકના પરિણામનો સંદેશો છે કે કોમવાદી ધ્રુવીકરણને બાજુએ હડસેલીને વોટર્સે મુદ્દા આધારીત રાજનીતિને મહત્વ આપ્યું છે. ચૂંટણી જીતવા માટે હવે હિંદુત્વનું કાર્ડ જ વોટર્સને લોભાવવા માટે પુરતું નથી. કેરાનાના પરિણામોનો સંદેશો છે કે જો વિપક્ષ એકસાથે આવશે તો 2019માં પણ પીએમ મોદીને હરાવવા શક્ય બને તેમ છે. ગોરખપુર-ફૂલપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની હાર અને બાદમાં હવે કેરાના લોકસભા બેઠક અને નૂરપુર વિધાનસભા બેઠક પરથી ભાજપની હારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના કરિશ્માને પોતાની પીચ પર જ ધ્વસ્ત કર્યો છે. જેને કારણે યોગી આદિત્યનાથનું રાષ્ટ્રીય રાજનીતિમાં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વધેલું કદ પણ ઘટશે. તેમની સામે આંતરીક જૂથવાદ વધવાની પણ શક્યતા છે. મહાગઠબંધનને ભાજપની નિંદર ઉડાડી નાખી છે.. સમાજવાદી પાર્ટી, બીએસપી, કોંગ્રેસ અને આરએલડીના એકસાથે આવવાને કારણે કેરાનામાં ભાજપને મળેલી હાર મોટા રાજકીય પડકાર સમાન છે. આવી રીતે એકજૂટ વિપક્ષ બનારસ જેવી બેઠકને પણ ભાજપ માટે મુશ્કેલ બનાવે તેવી શક્યતા હોવાનું જાણકારો માની રહ્યા છે. જેને કારણે ભાજપ માટે 2019ની રાહ પણ કટિન થતી જોવા મળી રહી છે.

લોકસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામોએ નવજીવન પ્રદાન કર્યું

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હારેલી બાજી કોંગ્રેસ અને જેડીયુએ સાથે આવીને સત્તા સુધી પહોંચીને જીતમાં ફેરવી નાખી છે. કુમારસ્વામીના કર્ણાટકના સીએમ તરીકેના શપથગ્રહણ સમારંભમાં જોવા મળેલી વિપક્ષી એકતાને કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામોએ નવજીવન પ્રદાન કર્યું છે. કેરાનાના પરિણામો પરથી વિપક્ષને આશા બંધાઈ છે કે 2019માં લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષ મેદાનમાં ઉતરશે.. તો પીએમ મોદી સામે મુશ્કેલી પેદા થઈ શકે છે.  – સીતારામ યેચૂરી, મહાસચિવ, સીપીઅેમ.

ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિને એક મોટો આંચકો

કેરાનાની વિપક્ષની જીત ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિને એક મોટો આંચકો છે. મુઝફ્ફરનગરના હુલ્લડો બાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 2013થી ધ્રુવીકરણની રાજનીતિની બોલબાલા રહી છે. 2014ની લોકસભા અને 2017ની યુપીની વિધાનસભાની ચૂંટણીમાં આનો સીધો ફાયદો ભાજપને મળ્યો હતો. – સીતારામ જાખડ, નેતા કોંગ્રેસ.

યુપીમાં મુસ્લિમ ઉમેદવારની જીત મુશ્કેલ હોવાના ભ્રમને પણ તોડી નાખ્યો

જાટ વોટર્સ ફરી એકવાર ભાજપને છોડીને આરએલડી તરફ જતા જોવા મળ્યા છે. તો મુસ્લિમ વોટર્સ પણ આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસન સાથે જ જોડાયા છે. કેરાના અને નૂરપુરની બેઠક પર વિપક્ષના મુસ્લિમ ઉમેદવારોની જીતે 2014માં યુપીમાં મુસ્લિમ ઉમેદવારની જીત મુશ્કેલ હોવાના ભ્રમને પણ તોડી નાખ્યો છે. તેની સાથે જ મુઝફ્ફરનગર હુલ્લડોને કારણે પેદા થયેલી ખાઈ પણ ઘણી હદ સુધી પુરાઈ ચુકી હોવાનો પણ એક સંદેશો યુપીની પેટાચૂંટણીમાંથી મળી રહ્યો છે. – મજીદ મેનન, નેતા અેનસીપી.

શેરડીની ખેતી કરનારા ખેડૂતોને લેણાની રકમનો મુદ્દો હાવી રહ્યો

કેરાના અને નૂરપુરમાં મુદ્દા આધારીત રાજનીતિ મોદીની લોકપ્રિયતા અને કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ મુદ્દાઓ પર હાવી થતી જોવા મળી છે. જિન્નાની એએમયુમાં તસવીરના મામલે ખેલાયેલા રાજકારણ પર શેરડીની ખેતી કરનારા ખેડૂતોને લેણાની રકમનો મુદ્દો હાવી રહ્યો હતો. તેની ભાજપની હારમાં ઘણી મોટી ભૂમિકા રહી છે. – શાહનવાઝ હુસૈન, પ્રવક્તા, ભાજપ.

લાંબી છલાંગ લગાવવા માટે બે ડગલા પાછળ જવું પડે

કેરાના સહિત અન્ય બેઠક પર આવેલા ચૂંટણી પરિણામ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે પ્રતિક્રિયા આપી છે. રાજનાથસિંહે જણાવ્યુ કે, લાંબી છલાંગ લગાવવા માટે બે ડગલા પાછળ જવું પડે છે. રાજનાથસિંહે આ પ્રકારનું નિવેદન મધ્ય પ્રદેશના ભોપાલમાં આપ્યું છે. તેઓ ભોપાલની એક દિવસની મુલાકાતે  છે. ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને ચૂંટણીના પરિણામ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેનો પ્રત્યુત્તર રાજનાથસિંહે આપ્યો હતો. મહત્વનુ છે કે, કેરાના બેઠક પર ભાજપની હાર થઈ છે. ભાજપની હાર બાદ વિપક્ષની તાકાતમાં વધારો થયો છે.

 

Related posts

દિલ્હીના સીએમ કેજરીવાલ 4 કલાકથી ઉમેદવારી ફોર્મ ભરવા બેઠા છે લાઈનમાં, સિસોદીયા ભાજપ પર બગડ્યા

Karan

મોદી સરકારના મંત્રીઓ કાયર અને ડરપોક, કોંગ્રેસી નેતાએ આ મામલે કાઢી ઝાટકણી

Nilesh Jethva

બંધ થવા જઈ રહ્યું છે આ પેમેન્ટ વૉલેટ, જલ્દીથી પૈસા ઉપાડી લો નહીંતર પસ્તાવું પડશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!