હવે હાર્દિકને બનવું છે સાંસદ : જાણો લાલજી, બાંભણિયા સહિતના નેતાઓએ શું કહ્યું

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં મીડિયા સાથે વાતચીત દરમ્યાન હાર્દિકે લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતરવાની જાહેરાત કરી છે. જો કે હાર્દિક ક્યા પક્ષમાંથી અને કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે તેણે કોઇ ફોડ પાડ્યો નથી.

ચૂંટણી લડવી હાર્દિક માટે યોગ્ય નથી

હાર્દિક પટેલ આવનારી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાતથી એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ ખુશ નથી. લાલજી પટેલનું કહેવું છે કે હજુ પાટીદાર સમાજના શહીદોને ન્યાય મળ્યો નથી અને અનામતનો મુદ્દો હાલ સુપ્રીમમાં છે. જે જોતા ચૂંટણી લડવી હાર્દિક માટે યોગ્ય નથી.

દિલીપ સાબવાએ વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો

હાર્દિક પટેલના લોકસભા ચૂંટણી લડવા અંગેના નિર્ણય પર પાટીદાર નેતા દિલીપ સાબવાએ પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકના નિર્ણયને દિલીપ સાબવાએ વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો હતો અને પાટીદારોને અનામત સહિતની માંગ યથાવત રહેશ તેમ પણ દિલીપ સાબવાએ કહ્યુ હતુ.

કોંગ્રેસ હાર્દિકને સમર્થન આપે છે

હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હાર્દિક કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે કહ્યું છે કે હાર્દિક સામાજિક આગેવાન છે અને તે ભાજપ સામે ચૂંટણી લડશે. એટલે કોંગ્રેસ હાર્દિકને સમર્થન આપે છે.

ચૂંટણી લડવાનો નિર્ણય સમાજ સાથેનો દ્રોહ ગણાય

યુપીમાંથી હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની વાત કહી છે. ત્યારે હાર્દિક પટેલના આ નિવેદન પર પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું હતું કે, સમાજની માંગો પૂરી થઈ નથી. પાસ આંદોલનમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. ત્યારે ચૂંટણી લડવાનો નિર્ણય સમાજ સાથેનો દ્રોહ ગણાય.

લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીના સમરાંગણમાં ઉતરવાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આમ તો હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ લખનૌમાં ખુદ હાર્દિક પટેલે આ બાબતની પુષ્ટિ કરી છે. લખનૌમાં હાર્દિક પટેલે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. જો કે તે ક્યા પક્ષમાંથી અને કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે મામલે હાર્દિકે કોઇ ફોડ પાડ્યો નહોતો.

હાર્દિકે ભલે કોઇ ફોડ ન પાડ્યો હોય. પરંતુ હાર્દિક કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. જે માટે કેટલાક કારણો પણ છે. હાર્દિક છેલ્લા ઘણા સમયથી બેકસીટ પર રહીને કોંગ્રેસને સપોર્ટ કરે છે. પાટીદાર અનામત આંદોલન વડે હાર્દિકે ભાજપની પરંપરાગત વોટબેંક તોડી છે. હાર્દિકે ગુજરાતમાં ભાજપ વિરોધી માહોલ ઉભો કરવામાં મુખ્ય રોલ ભજવ્યો છે. તો પાટીદારોને ફરી કોંગ્રેસ તરફ વાળવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ હાર્દિકના સમર્થક મનાતા અંદાજે 10 નેતાઓને કોંગ્રેસે ટિકીટ આપી હતી. જે પૈકી 8 નેતાઓ જીતીને ધારાસભ્ય બન્યા છે. હાર્દિકની જાહેરાત બાદ હવે તે કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેના પર સૌ કોઇની નજર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter