GSTV

પૃથ્વીની અનેરી સુંદરતાના દર્શન કરાવશે હવે ગૂગલનો આ પ્રોજેક્ટ, આ વેબસાઈટ પર ક્લિક કરો અને જુઓ

ગયા અઠવાડિયે, એક મજાના સમાચાર આવ્યા. તમને ‘આર્મચેર ટ્રાવેલિંગ’ એટલે કે ઘરમાં નિરાંતજીવે ખુરશીમાં બેઠાં બેઠાં દુનિયાઆખીની સહેલ કરવાનો શોખ હોય તો તો આ સમાચાર તમને ખાસ ગમશે. તમે તમારા સ્માર્ટફોનના સ્ક્રીન પર રોજેરોજ અથવા પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં જ્યારે નવી ટેબ ઓપન કરો ત્યારે અપાર સુંદરતાથી ભરેલી આપણી પૃથ્વીના કોઈ એક ખૂણાની ઝલક માણી શકો છો. ગૂગલે તેના ગૂગલ અર્થ પ્રોજેક્ટના એક ભાગ જેવા ‘ગૂગલ અર્થ વ્યૂ’ પ્રોજેક્ટમાં, ગયા અઠવાડિયે વધુ એક હજાર નવી ઇમેજીસ ઉમેરાઈ હોવાની જાણ કરી છે, જેમાં ગુજરાતની ઇમેજીસ પણ સામેલ છે!

ગૂગલ અર્થના પ્રોડક્ટ મેનેજર ગોપાલ શાહ (કોલર ઊંચો કરવાનું મન થયું?!) કહે છે કે દસેક વર્ષ પહેલાં તેઓ સાનફ્રાન્સિસ્કોના આકાશમાં પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પ્લેનની બારીમાંથી તેમને જમીન પર અવનવી, કેલિડોસ્કોપ જેવી પેટર્ન જોવા મળી. પોતે જ અર્થ પ્રોગ્રામમાં લીડર એટલે ઘેર પહોંચતાંવેંત તેમણે ગૂગલ અર્થમાં એ સ્થળની શોધ શરૂ કરી. જાણવા મળ્યું કે ત્યાંનાં તળાવોમાં, પાણીમાંના મીઠા સાથે તેમાંના માઇક્રોઓર્ગેનિઝ્મ્સના રીએક્શનથી રંગોની અવનવી પેટર્ન સર્જાતી હતી.

ફોટોગ્રાફીના શોખીન ગોપાલે પોતાના લેપટોપના સ્ક્રીન પર દેખાતા એ દૃશ્યનો સ્ક્રીનશોટ લીધો અને તેમાંથી, ‘અર્થ વ્યૂ’ પ્રોજેક્ટનો જન્મ થયો. આ પ્રોજેક્ટ હેઠળ, ગૂગલ અર્થ પ્રોગ્રામ્સ માટે મેળવવામાં આવતી સેટેલાઇટ ઇમેજીસમાંથી, નજર જકડી રાખે એવાં દૃશ્યો અલગ તારવવામાં આવે છે અને પછી તેને આગવી રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ ‘આગવી રીત’ એટલે સ્માર્ટફોન માટેનું વોલપેપર અથવા પીસી-લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરની નવી ટેબ. આપણે આ બંને રીત જાણી લઈએ.

ક્રોમ બ્રાઉઝરમાં એક્સ્ટેન્શન

‘ટેક્નોવર્લ્ડ’માં આપણે પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં એક્સ્ટેન્શન ઉમેરવા વિશે જાણ્યું હતું. એ મુજબ, chrome.google.com/webstore/ પેજ પર જાઓ અને તેમાં Earth View from Google Earth શોધીને તમારા ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરી દો. હવે તમે જ્યારે પણ ક્રોમમાં કોઈ નવી ટેબ ઓપન કરશો ત્યારે, આપણી પૃથ્વીના કોઈ મજાના ભાગની કોઈ સેટેલાઇટમાંથી લેવાયેલી તસવીર તમે જોઈ શકશો! બે ઘડી નજર ભરીને જોઈ લો અને પછી ક્રોમમાં આપણું મૂળ જે કામ હોય એ કરતા તરફ આગળ વધો!

કોઈ વાર રળિયામણો દરિયાકાંઠો, કોઈ વાર અનોખા આકારના ટાપુ, કોઈ વાર અડોઅડ પાર્ક કરેલાં સંખ્યાબંધ એરોપ્લેન્સ, કોઈ વાર ચોક્કસ ઢબે વિકસેલું અને વિસ્તરેલું શહેર. આ બધું જ દરેક નવી ટેબે આપણી સામે આવે છે. સાથોસાથ એ જગ્યા પૃથ્વીના ગોળા પર ક્યાં છે એ જોવા મળશે. તેના પર ક્લિક કરીને, ગૂગલ મેપ્સમાં એ જગ્યાએ જઈને વધુ માહિતી પણ મેળવી શકાશે.

દરેક નવી ટેબમાં નવી ઇમેજ ઓપન થતી હોવાથી, ક્યારેક એવું પણ બનશે કે અગાઉ જોયેલી કોઈ ઇમેજ તમને ફરી જોવાની ઇચ્છા થશે. એ માટે, સ્ક્રીન પર ઉપર ઘડિયાળના આઇકન પર ક્લિક કરી, ઇમેજીસની હિસ્ટ્રી ઓપન કરી શકાશે અને આપણે છેલ્લી ૧૦ ટેબમાં જોવા મળેલી ઇમેજીસ ફરી જોઈ શકીએ છીએ.

રોજિંદા કામમાંથી નાનકડો, પણ મજાનો બ્રેક લેવો ગમતો હોય તો તમારા ક્રોમમાં, ગૂગલ અર્થનું આ ઓફિશિયલ એક્સ્ટેન્શન ઉમેરવા જેવું છે.

સ્માર્ટફોનમાં વોલપેપર

આમ તો તમને ઇન્ટરનેટ પર જે કોઈ ઇમેજ ગમે, તેને ફોનમાં ડાઉનલોડ કરી ગેલેરીમાં એ ઇમેજ સિલેક્ટ કરીને તેને વોલપેપર તરીકે સેટ કરવાનો વિકલ્પ મળી શકે છે. પરંતુ જો તમે જુદી જુદી ઇમેજ શોધવા માટે ઇન્ટરનેટમાં ખાંખાખોળાં કરવા માગતા ન હો તો પ્લેસ્ટોરમાં જઇને વોલપેપર સંબંધિત એપ્સ ડાઉનલોડ કરી શકાય છે.

આવી એક એપ છે, વોલપેપર્સ (Wallpapers Google LLC). આ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરીને આપણે રોજેરોજ, અર્થ વ્યૂ પ્રોજેક્ટમાંની ઇમેજીસ ફોનના વોલપેપર તરીકે જોઈ શકીએ છીએ. અગાઉ ફક્ત ગૂગલના પિક્સેલ ફોનમાં મળતી આ સુવિધા હવે એપ સ્વરૂપે સૌને મળી ગઈ છે, અલબત્ત, તમારા ફોનમાં એન્ડ્રોઇડનું ૭ કે ત્યાર પછીનું વર્ઝન હોવું જરૂરી છે.

આ એપ ડાઉનલોડ કરીને તમે લોન્ચ કરશો એટલે તેમાં મથાળે તમે ઓલરેડી કોઈ વોલપેપર સેટ કરેલ હશે તો તે જોવા મળશે. ત્યાર પછી તમારા સ્માર્ટફોનમાંના તમારા પોતાના ફોટોગ્રાફ્સમાંથી મનગમતા ફોલ્ડરને સિલેક્ટ કરીને તેમાંથી કોઈ ફોટોગ્રાફને વોલપેપર તરીકે સેટ કરી શકશો. પરંતુ આટલા માટે આપણે ગૂગલ વોલપેપર એપની જરૂર નથી. આ એપની ખરી મજા તેમાં રહેલી આર્ટ, અર્થ, લેન્ડસ્કેપ્સ, સિટી સ્કેપ્સ, લાઇફ, ટેક્સ્ચર્સ, સોલિડ કલર્સ કે લાઇવ વોલપેપર્સ જેવી કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરી પસંદ કરવામાં છે.

મજા એ છે કે આમાંની કોઈ પણ કેટેગરી આપણે સિલેક્ટ કરીએ પછી જોવા મળતા ઓપ્શનમાં ડેઇલી વોલપેપરના વિકલ્પને ઓન કરી દઈએ તો આ એપ તેને જ્યારે પણ વાઇ-ફાઇ કનેકશન મળે ત્યારે એ કેટેગરીમાંની નવી ઇમેજ આપોઆપ ડાઉનલોડ કરશે અને રોજેરોજ વોલપેપર બદલતી રહેશે. આ એપની હાઇલાઇટ તેની અર્થ કેટેગરી છે. આ કેટેગરી સિલેક્ટ કરતાં આ એપ ગૂગલ અર્થ વ્યૂ પ્રોજેક્ટમાંની, પૃથ્વીના વિવિધ ભાગની રસપ્રદ ઇમેજીસ આપણને વોલપેપર તરીકે બતાવે છે. સ્માર્ટફોનમાં પણ એ દરેક ઇમેજને વોલપેપર એપમાં ક્લિક કરીને આપણે મેપ્સ પર એ ચોક્કસ જગ્યા સુધી પહોંચી શકીએ છીએ.

અવકાશમાંથી પૃથ્વીને જોવાનો જેમને લ્હાવો મળે છે એ સૌનો એક જ અભિપ્રાય હોય છે – આપણી પૃથ્વી અદભુત છે. આપણે અવકાશમાં ગયા વિના આ લ્હાવો લઈ શકીએ છીએ, એ પણ બહુ મજાની રીતે! અર્થ વ્યૂ પ્રોજેક્ટ વિશે વધુ જાણવું હોય તો યુટ્યૂબમાં સર્ચ કરોઃ Exploring Earth View.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!