એનજીટીમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં ઈસ્કોનના નેતૃત્વમાં મથુરામાં ચંદ્રોદય મંદિરનું નિર્માણ રોકવાની માગણી કરવામાં આવી છે. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ધાર્મિક સોસાયટી અને કેન્દ્રીય ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીને નોટિસ જાહેર કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે ઈસ્કોન દ્વારા બની રહેલા વૃંદાવન ચંદ્રોદય મંદિરના નિર્માણથી યમુનાની આસપાસનું પર્યાવરણ અસરગ્રસ્ત બનશે અને વિસ્તારમાં ભૂગર્ભીય જળ પર પણ અસર પડશે. એનજીટીના જસ્ટિસ આદર્શકુમાર ગોયલે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કન્સેસનેસ અને સીડબલ્યૂએ પાસેથી આના સંદર્ભે 31 જુલાઈ પહેલા જવાબ માંગ્યો છે.
પર્યાવરણ મામલાઓ સાથે સંકળાયેલા એક્ટિવિસ્ટ મણિકેશ ચતુર્વેદીએ દુનિયાના સૌથી મોટા મંદિર નિર્માણને રોકવાની માગણી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત મંદિરની બાઉન્ડ્રીની ચારે તરફ કૃત્રિમ તળાવ હશે. તેના માટે જમીનમાંથી મોટા પ્રમાણમાં પાણી કાઢવામાં આવશે. તેનાથી યમુના નદીના અસ્તિત્વની મર્યાદા સુધી પાણીમાં ઘટાડો થઈ શકે છે. ચંદ્રોદય મંદિર બસ્સો મીટરથી વધુ ઊંચુ હશે. સાડા પાંચ એકરના વિસ્તારમાં બનનારા આ મંદિરના 70 માળ હશે. હાલ દુનિયાની સૌથી ઊંચી ધાર્મિક ઈમારત ઈજીપ્તના પિરામીડ છે અને તેની ઊંચાઈ 128.8 મીટર છે. જ્યારે વેટિકનનું સેન્ટર પીટર બેસેલિકા 128.6 મીટર જેટલું ઊંચું છે.
રોકેટના આકારના ચંદ્રોદય મંદિરના નિર્માણમાં 45 લાખ ઘન ફૂટ કોન્ક્રીટ અને લગભગ 25 હજાર ટન લોખંડનો ઉપયોગ થવાનો છે. આ મંદિરના નિર્માણમાં 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ મંદિર પરિસરનું કુલ ક્ષેત્રફળ 62 એકર હશે અને તેમા 12 એકર પાર્કિંગ અને હેલિપેડ માટે ફાળવવામાં આવ્યા છે.