અમેરિકા અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે સંબંધોને નવો અધ્યાય શરૂ થાય તે પહેલા ઉત્તર કોરિયાએ પોતાના પરમાણુ પરિક્ષણ સ્થળોને નષ્ટ કરવાની જાહેરાત કરી છે. આગામી 23 થી 25 મે દરમ્યાન ઉત્તર કોરિયા વિદેશી મીડિયાના પ્રતિનિધીઓની સામે જ પરમાણુ સ્થળોને ઉડાવી દેશે. ઉત્તર કોરિયાના આ નિર્ણયનું ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ કોરિયા સહિત દુનિયાના અનેક દેશોએ સ્વાગત કર્યું છે.
અમેરિકાના સાથેની ઐતિહાસિક શિખર વાર્તા પહેલા ઉત્તર કોરિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પોતાના પરમાણુ પરીક્ષણ સ્થળોને નષ્ટ કરવાની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે આગામી 23 થી 25 મે દરમ્યાન આમંત્રિત વિદેશી મીડિયાની સામે જ પરમાણુ પરીક્ષણ માટેની સુરંગોને ઉડાવી દેવામાં આવશે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે 12 જૂને સિંગાપુરમાં યોજાનારી મુલાકાત પહેલા ઉત્તર કોરિયાના આ નિર્ણયને દુનિયાભરમાંથી આવકાર મળી રહ્યો છે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર જે નવા ઉપાયો કરવામાં આવ્યા છે તે મુજબ પુંગેય-રીના પરીક્ષણ સ્થળને નષ્ટ કરી દેવામાં આવશે. પરીક્ષણ સ્થળના પ્રવેશદ્વારને ઉડાવીને તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ ઘટનાક્રમના કવરેજ માટે ચીન, રશિયા, અમેરિકા, બ્રિટન અને દક્ષિણ કોરિયાના મીડિયાના પ્રતિનિધીઓને મંજૂરી અપાઇ છે કે, જેથી આ પારદર્શિતાને દુનિયા સમક્ષ બતાવી શકાય.
મહત્વનું છે કે પહાડી વિસ્તારમાં જમીનની હેઠળ આવેલી પુંગેય-રી સાઇટ પર જ કિમ જોંગ ઉને હાઇડ્રોજન બોમ્બ સહિત 6 પરમાણુ પરીક્ષણ કર્યા હોવાનો દાવો કર્યો હતો.
ઉત્તર કોરિયાના આ નિર્ણય પર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે ટ્વીટ કરી જણાવ્યું હતું કે. એક સ્માર્ટ અને સમજદારીભર્યા નિર્ણય માટે આભાર.
બીજી તરફ દક્ષિણ કોરિયાએ પણ ઉત્તર કોરિયાના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ ઉત્તર કોરિયાના સંકલ્પોને પૂર્ણ કરવાની ઇચ્છાઓનો સંકેત છે. તે ફક્ત શબ્દો વડે જ નથી જણાવી રહ્યા પરંતુ તેના માટે કાર્યવાહી પણ કરી રહ્યું છે.
બીજી તરફ ઉત્તર કોરિયાના આ નિર્ણય અંગે કેટલાક નિષ્ણાતો હજુ પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છેકે ઉત્તર કોરિયાએ હજુ સુધી પોતાના ઘાતક હથિયારોને સંપૂર્ણપણે નષ્ટ કરવા બાબતે કોઇ ફોડ પાડ્યો નથી. આ હથિયારોમાં એવી મિસાઇલો પણ સામેલ છે કે જે અમેરિકા સુધી પહોંચવા માટે સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે કિમ પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ પૂર્ણ થઇ ચૂક્યો છે અને આ સ્થળની તેને વધુ જરૂરિયાત નથી.