જેમ્સ બોન્ડ સિરિઝની 25મી ફિલ્મ નો No Time to Die બ્રિટન અને ભારતમાં 30મી સપ્ટેમ્બરે રિલિઝ થશે. લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં તેનું ભવ્ય પ્રિમિયર યોજાયું હતું. તેમાં બોન્ડ ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, બ્રિટશ રોયલ પરિવાર.. વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ-6ના સુપર સ્પાય જેમ્સ બોન્ડનો રોલ અભિનેતા ડેનિયલ ક્રેગે કર્યો છે. બોન્ડ તરીકે ક્રેગની આ પાંચમી ફિલ્મ છે. રતુમડા કોટમાં ડેનિયલ ક્રેગે પ્રિમયિરમાં હાજરી આપી હતી. બોન્ડ તરીકે નિવૃત્તિ અંગે ક્રેગે કહ્યું હતું કે પાંચ વખત બોન્ડ બન્યાનો સંતોષ છે, હવે કંઈક નવું કરીશું.

નો ટાઈમ ટુ ડાઈના પ્રિમિયર વખતે રોયલ આલ્બર્ટ હોલની બહાર રેડ કાર્પેટ પથરાઈ હતી. સંગીતમય બેન્ડ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડ માટે ખાસ બ્રિટિશ નૌકાદળની ટીમ ઉપસ્થિત રહી હતી, કેમ કે બોન્ડ મૂળભૂત રીતે બ્રિટિશ નૌકાદળનો કમાન્ડર હતો. એમાંથી જાસૂસ બન્યો હતો.

ક્યુબન-સ્પેનિશ એક્ટ્રેસ અના આર્મ્સ કાસોએ આ ફિલ્મમાં બોન્ડની સહાયક સીઆઈએની જાસૂસનો રોલ કર્યો છે. પ્રિમિયરમાં એ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અભિનેત્રીને ખુદ ડેનિયલ ક્રેગે રોલ માટે પસંદ કરી હતી. જેમ્સ બોન્ડ આમ તો અનેક કાર વાપરે છે, પણ એસ્ટોન માર્ટીન બોન્ડની ઓળખ બની ચૂકી છે. એ કારને પણ પ્રિમિયરમાં હાજર રખાઈ હતી.

પ્રિમિયર લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં યોજાયુ હતું. આ હોલ લંડન જ નહીં સમગ્ર બ્રિટનની ઓળખ બનેલો વિશાળ ખંડ છે. સવા પાંચ હજાર લોકોને એક સાથે બેસાડી શકતા હોલને બોન્ડ ફિલ્મ માટે ખાસ ડેકોરેટ કરાયો હતો.

અગાઉની બોન્ડ ફિલ્મોમાં જેમ્સ બોન્ડના બોસ (સાંકેતિક નામ-‘એમ’)નો રોલ જાજરમાન અભિનેત્રી જૂડી ડેન્ચે કર્યા હતા. હવે તેઓ નિવૃત્ત થયા છે અને રાલ્ફ ફિનિએસ ‘એમ’નો રોલ કરે છે. રામી મલેક અને બેન વિશો પણ હાજર રહ્યા હતા. ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોવાતી હતી. બ્રિટનમાં થિએટર-સિનેમાની ચેઈન ધરાવતી કંપની Odeon and Cineworldએ કહ્યું હતું કે તેની પોણા બે લાખ એડવાન્સ ટિકિટ વેચાઈ ચૂકી છે.

બ્રિટિશ રોયલ પરિવારે ખાસ હાજરી આપી હતી, કેમ કે જેમ્સ બોન્ડ કાલ્પનિક જાસૂસ હોવા છતાં સમગ્ર જગતમાં બ્રિટનની ઓળખ બની ચૂક્યો છે. પ્રિન્સ વિલિયમ્સ, પ્રિન્સ ફિલિપ, ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન વગેરે સભ્યો હાજર રહ્યા હતા અને ફિલ્મ કલાકારો સાથે સમય પસાર કર્યો હતો.

નાઓમી હેરિસ, લશાના લિન્ચ અને લી સેઈડુ… બોન્ડ ફિલ્મમાં હંમેશા એકથી વધારે હિરોઈનો-બોન્ડ ગર્લ હોય છે, આ વખતે પણ છે. નાઓમી હેરિસે ‘એમ’ના સેક્રેટરી તરીકેનો રોલ કર્યો છે, જ્યારે લશાના લેડી ઝીરોઝીરોસેવન બની છે. તેના કારણે એવી ચર્ચા પણ શરૃ થઈ છે કે આગામી બોન્ડ ફિલ્મમાં જેમ્સ બોન્ડ કોઈ ગર્લ પણ હોઈ શકે છે. લી સેઈડુ ડોક્ટર છે અને બોન્ડની પ્રેમિકા પણ.

બોન્ડ ફિલ્મો બનાવાની શરૃઆત પ્રોડ્યુસર આલ્બર્ટ બ્રોકલીએ કરી હતી. તેમના પુત્રી બાર્બરા બ્રોકલી અને બ્રોકલી પરિવારના માઈકલ વિલ્સન હાજર રહ્યા હતા. બાર્બરા અને માઈકલ બન્ને આ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મનું યાદગાર સંગીત જર્મન મ્યુઝિશિયન હાન્સ જિમરે આપ્યું છે. એ પણ હાજર રહ્યા હતા.
કોરોનામાં મહિનાઓ સુધી થિએટર બંધ રહ્યા પછી હવે આ ફિલ્મ થિએટરમાં આવી રહી છે. સામાન્ય રીતે આવી ફિલ્મો અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ રિલિઝ થતી હોય છે. આ વખતે અંગ્રેજી, હિન્દી ઉપરાંત ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં પણ આ ફિલ્મ આવી રહી છે. ગુજરાતીમાં તેનું ટ્રેલર પણ ખુબ જોવાઈ રહ્યું છે.