ખુશખબર : હોમ લોન અને વાહન લોનનો નહીં વધે હપતો, લેવાયો આ નિર્ણય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ઓછામાં ઓછા આગામી એપ્રિલ સુધી વ્યાજ દરમાં વધારો કરે તેવી શકયતા જણાતી નથી. આરબીઆઈ તથા સરકાર વચ્ચેની તાણ જે  તાજેતરમાં જાહેરમાં આવી હતી તેનાથી આરબીઆઈની સ્વાયત્તતા પર પણ થોડીઘણી અસર પડી હોવાનું એક સર્વેમાં જણાયું છે. 

 રિઝર્વ બેન્ક ૬.૫૦ ટકા વ્યાજ દર જાળવી રાખશે

ઓકટોબરની બેઠકમાં વ્યાજ દરમાં વધારો નહીં કરીને રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ બજારને આશ્ચર્ય આપ્યું હતું. આમ છતાં ૫મી ડિસેમ્બરના યોજાનારી બેઠકમાં રેપો રેટમાં વધારો આવશે એવી ધારણાં રખાતી હતી તે પણ હવે ટળી ગયાનું જોવા મળી રહ્યું છે. એક ખાનગી સંસ્થા દ્વારા દેશના ૭૦ જેટલા અર્થશાસ્ત્રીઓના લેવાયેલા મતમાં ૪૬ અર્થશાસ્ત્રીઓએ વ્યાજ દરમાં વધારો નહીં થાય તેવો મત વ્યકત કર્યો હતો. આવતા સપ્તાહે મળનારી નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેન્ક ૬.૫૦ ટકા વ્યાજ દર જાળવી રાખશે એવી ધારણાં મુકાઈ રહી છે. 

એપ્રિલમાં થશે પા ટકાના વધારો

ફુગાવો સાનુકૂળ સ્થિતિમાં રહેતા અને વિકાસ દર સાધારણ નબળો પડતા વ્યાજ દરમાં વધારો થવાની શકયતા હળવી બની છે એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. આરબીઆઈ હવે પછી એપ્રિલમાં રેપો રેટમાં પા ટકો  વધારો કરી તેને એક વર્ષ સુધી જાળવી રાખશે એવી શકયતા વ્યકત કરાઈ રહી છે.  ક્રુડ તેલના ભાવમાં આવી રહેલા ઘટાડા અને રૂપિયાની મજબૂતાઈને જોતા વ્યાજ દરમાં વધારો શકય જણાતો નથી. ઓકટોબરનો ફુગાવો પણ સતત ત્રીજે મહિને ૪ ટકાના દરની આસપાસ આવ્યો છે, એમ જાહેર ક્ષેત્રની બેન્કના અધિકારીએ જણાવ્યું હતું. 

સપ્ટેમ્બરના આંકડા સાધારણ ઘટીને આવવાની શકયતા

જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટેના જીડીપીના આંકડા શુક્રવારે જાહેર થવાના છે. પાછલા ત્રિમાસિકની સરખામણીએ સપ્ટેમ્બરના આંકડા સાધારણ ઘટીને આવવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.  આરબીઆઈએ  નાણાં નીતિની સમીક્ષા માટે ૨૦૧૬થી એમપીસીની રચના કરી છે. એમપીસીના ૬ સભ્યોમાંથી ત્રણ સભ્યો બહારી એટલે કે સરકાર દ્વારા નિયુકત કરવામાં આવે છે.  જો કે મડાગાંઠના કિસ્સામાં રિઝર્વ બેન્કના ગવર્નર નિર્ણાયક મત આપી શકે છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter