ઇઝરાયલ પ્રવાસે ગયેલા રૂપાણીએ મુખ્યમંત્રીનો કાર્યભાર ન સોંપતા નીતિન પટેલ રિસાયા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાનાં પ્રથમ વિદેશ પ્રવાસે છે. તેઓ છ દિવસ સુધી ઇઝરાયેલમાં રોકાશે. તેમની ગેરહાજરીમાં કાર્યકારી મુખ્યપ્રધાનનો ચાર્જ કોઇને પણ સોંપવામાં આવ્યો નથી. જેથી નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર મુખ્યમંત્રીને વળાવવા કે તેમનું સ્વાગત કરવા પણ ગયા નહોતા.

એટલું જ નહીં ગાંધીનગરમાં પણ તેઓ રૂપાણીને શુભેચ્છા આપવા ગયા નહોતા. જોકે નીતિન પટેલ નારાજ નહીં હોવાનો દાવો કરે છે. નીતિનભાઈનું કહેવું છે કે તેઓ આખો દિવસ કમલમમાં અમિત શાહ સાથે બેઠકોમાં વ્યસ્ત હતા. એટલે સીએમને ફોન પર વિદેશ પ્રવાસની શુભેચ્છા આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ સરકારમાં અને મોટા નેતાઓ વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી જબરજસ્ત જૂથબંધી ચાલી રહી છે.

જે સમયે સમયે બહાર આવી રહી છે. સામાન્ય સંજોગોમાં મુખ્યપ્રધાન વિદેશ પ્રવાસે જાય ત્યારે સૌથી સીનિયર પ્રધાનને મુખ્યપ્રધાનનો હવાલો સોંપતા હોય છે. રૂપાણી ઇઝરાયેલના પ્રવાસે ગયા ત્યારે પોતાનો હવાલો નીતિન પટેલને સોંપશે તેવી અટકળો અને ચર્ચા હતી પણ તેમ થયું નહીં. રૂપાણીએ પોતાની પાસે રહેલા ખાતાઓની વહેંચણી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને નીતિન પટેલ વચ્ચે કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter