GSTV

નીતિ આયોગની બેઠકમાં ચંદ્રાબાબુએ વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો ઉઠાવ્યો, નીતિશકુમારે આપ્યું સમર્થન

Last Updated on June 17, 2018 by

એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ નીતિ આયોગની બેઠકમાં ફરી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી દોહરાવી છે. તો એનડીએના સહયોગી અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે પણ ચંદ્રાબાબુના સુરમાં સુર મિલાવી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી કરી ફરી સરકારનું નાક દબાવ્યું છે.

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીને લઇને એનડીએ સાથે છેડો ફાડનારા મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ફરી એક વખત આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં દેશના લગભગ તમામ મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નીતિ આયોગની બેઠકમાં જ ચંદ્રાબાબુએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી દોહરાવી હતી અને આ વખતે ચંદ્રાબાબુની માંગણીને ટેકો આપ્યો બિહારના મુખ્યપ્રધાન અને એનડીએના સહયોગી નીતિશકુમારે.

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર છેલ્લા ઘણા સમયથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી કરતા આવ્યા છે. નીતિ આયોગની બેઠકમા ચંદ્રાબાબુએ જ્યારે વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવ્યો. તો નીતિશકુમારે પણ મોકો જોઇને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી વડાપ્રધાન મોદી સમક્ષ કરી દીધી. સાથે જ ચંદ્રાબાબુ નાયડુની માંગણીને સમર્થન પણ જાહેર કરી દીધું.

નીતિ આયોગની બેઠક પહેલા જ એવા અહેવાલ હતા કે આંધ્ર પ્રદેશના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવા માટે ચંદ્રાબાબુ નાયડુ બેઠકમાં પૂરી તૈયારી સાથે આવ્યા છે. અપેક્ષા મુજબ ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રના વિકાસ માટે તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી પણ કરી. આ જ મુદ્દે ચંદ્રાબાબુના નેતૃત્વમાં ટીડીપીએ એનડીએનો સાથ છોડી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ ત્રીજો મોરચો રચવાની કવાયત તેજ થઇ છે. અને ભાજપ સામે મોરચો માંડી બિનભાજપી નેતાઓમાં એકતા સાધવામાં ચંદ્રાબાબુ નાયડુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા મોદીના વિરોધમાં તમામ પક્ષો એકઠા થઇ રહ્યા છે. પરંતુ તેમને નીતિશકુમાર જેવા લોકપ્રિય ચહેરાની પણ જરૂર છે. વિપક્ષો આ માટે છેલ્લા ઘણા દિવસથી નીતિશકુમારને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કરી રહ્યા છે.

બીજી તરફ નીતિશકુમારે પણ બદલાતા સમીકરણો નિહાળી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે વારંવાર કેન્દ્ર સરકારનું નાક દબાવવાની નીતિ અપનાવી છે. તેમજ બિહારમાં આગામી લોકસભા ચૂંટણી નીતિશકુમારના નેતૃત્વમાં જ લડવાની જેડીયુએ જાહેરાત કરી છે. ત્યારે વિશેષ રાજ્યનો દરજ્જો આપવા મુદ્દે નીતિશકુમારને પોતાની છાવણીમાં ખેંચવામાં વિપક્ષી દળો સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!