VIDEO: જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને H-1B અને અન્ય વિદેશી પ્રોફેશનલ્સ માટે નોકરી છૂટી ગયા પછી મળતા 60 દિવસના ગ્રેસ પીરિયડને નાબૂદ કરવાના પ્રસ્તાવની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા 6 ઓગસ્ટે વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સોંપાયેલા આ પ્રસ્તાવને 27 ઓગસ્ટે કેટલાક સુધારા સાથે સંમતિ આપવામાં આવી છે. આ નિર્ણયથી અમેરિકામાં કાર્યરત હજારો ભારતીય કર્મચારીઓ અને તેમના પરિવારજનો પર અનિશ્ચિતતાના કાળા વાદળો ઘેરાયા છે. હાલના નિયમો અનુસાર, નોકરી ગુમાવનારા H-1B, L-1 અને O-1 વિઝાધારક કર્મચારીઓને 60 દિવસ સુધી અમેરિકામાં રહેવાની છૂટ મળે છે. આ સમયગાળા દરમિયાન તેઓ નવો સ્પોન્સર શોધી શકે છે, પોતાના વિઝા સ્ટેટસમાં ફેરફાર કરી શકે છે અથવા સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી શકે છે. H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જો આ 60 દિવસનો ગ્રેસ પીરિયડ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે, તો નોકરી ગુમાવતા જ ભારતીય પ્રોફેશનલ્સને રાતોરાત દેશ છોડવાની ફરજ પડી શકે છે.

