Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Why did war break out between Pakistan and Afghanistan?

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કેમ છેડાયું યુદ્ધ? મિત્રમાંથી 'જાની દુશ્મન' કેમ બન્યા બે મુસ્લિમ દેશો

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કેમ છેડાયું યુદ્ધ?  મિત્રમાંથી 'જાની દુશ્મન' કેમ બન્યા બે મુસ્લિમ દેશો
સોર્સ : gstv

દક્ષિણ એશિયાના ભૂરાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ મચી છે. એક સમયે જે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં તાલીબાનના શાસન માટે રસ્તો સાફ કર્યો હતો, આજે તે જ પાકિસ્તાન અફઘાનિસ્તાન પર મિસાઇલો વરસાવી  રહ્યું છે. શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026ના રોજ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ ગયો છે.

App Store

'ઓપરેશન ગઝબ-લિલ-હક'

પાકિસ્તાની વાયુસેના (PAF) એ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, ધાર્મિક કેન્દ્ર કંધાર અને પક્તિકા પ્રાંતમાં ભારે હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાન સરકારે આ સૈન્ય કાર્યવાહીને 'ઓપરેશન ગઝબ-લિલ-હક' નામ આપ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે આ હુમલામાં 133 તાલીબાની લડવૈયાઓ માર્યા ગયા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે. તાલીબાનના 2 કોર હેડક્વાર્ટર, 3 બ્રિગેડ હેડક્વાર્ટર અને 27 સૈન્ય ચોકીઓ નષ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત 80 થી વધુ ટેન્ક અને બખ્તરબંધ ગાડીઓ પણ તબાહ થઈ હોવાના અહેવાલ છે.

યુદ્ધની ચિંગારી ક્યાંથી સળગી?

આ વિવાદની શરૂઆત અચાનક નથી થઈ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓએ તેમાં ઘી હોમવાનું કામ કર્યું છે:

21 ફેબ્રુઆરી: પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર શંકાસ્પદ આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા.

તાલીબાનનો વળતો પ્રહાર: ગુરુવારે અફઘાન તાલીબાને વળતો હુમલો કરીને પાકિસ્તાનની ડઝનબંધ સીમા ચોકીઓ પર કબજો જમાવ્યો અને 55 પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો.

પાકિસ્તાની વળતો જવાબ: આ ઉશ્કેરણીના જવાબમાં શુક્રવારે વહેલી સવારે પાકિસ્તાની ફાઈટર જેટ્સે કાબુલ અને કંધાર પર બોમ્બમારો કર્યો.

વિવાદનું અસલી કારણ: TTP અને સુરક્ષિત આશ્રયસ્થાનો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના ઝઘડાના મૂળમાં તેહરીક-એ-તાલીબાન પાકિસ્તાન (TTP) છે. પાકિસ્તાનનો આરોપ છે કે TTP ના આતંકીઓ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન પર હુમલા કરવા માટે કરે છે અને અફઘાન તાલીબાન તેમને સુરક્ષિત આશ્રય આપે છે.

2021 માં કાબુલ પર તાલીબાનના કબજા પછી પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં અનેકગણો વધારો થયો છે. તાજેતરમાં બાજોર જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં 11 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા, જેનો આરોપ અફઘાનિસ્તાન પર છે.

ડૂરન્ડ લાઇન (Durand Line) નું દર્દ

બંને દેશો વચ્ચેની સરહદ, જેને 'ડૂરન્ડ લાઇન' કહેવામાં આવે છે, તેને અફઘાનિસ્તાન ક્યારેય સત્તાવાર સરહદ માનતું નથી. તાલીબાન આ સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ફેન્સિંગ (તારબંધી) નો વિરોધ કરે છે, જેના કારણે અવારનવાર સરહદ પર ગોળીબાર થતો રહે છે.

સામાન્ય નાગરિકોનો ભોગ

પાકિસ્તાન ભલે આને આતંકવાદ વિરોધી કાર્યવાહી ગણાવે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલો મુજબ આ હુમલામાં 13 સામાન્ય નાગરિકો માર્યા ગયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. કાબુલ વહીવટીતંત્રે આને પોતાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવી વળતો જવાબ આપવાની ચીમકી આપી છે.

યુદ્ધનું વિશ્લેષણ: પરમાણુ શક્તિ વિરુદ્ધ ગેરિલા યુદ્ધ

પાકિસ્તાની શક્તિ: 6 લાખ સક્રિય સૈનિકો, અદ્યતન ફાઈટર જેટ્સ અને પરમાણુ હથિયારો સાથે પાકિસ્તાન કાગળ પર મજબૂત છે.

તાલીબાનની તાકાત: તાલીબાન પાસે દાયકાઓ સુધી અમેરિકા અને નાટો (NATO) સામે લડવાનો યુદ્ધનો અનુભવ છે. તેઓ ગેરિલા યુદ્ધ (છાપામાર યુદ્ધ) માં માહેર છે.

દક્ષિણ એશિયાના બે મોટા મુસ્લિમ દેશો વચ્ચેનું આ યુદ્ધ માત્ર આ બે દેશો પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તેની અસર ભારત અને ચીન સહિતના પાડોશી દેશો પર પણ પડશે. જો આ સંઘર્ષ જલ્દી નહીં અટકે, તો તે પ્રાદેશિક અસ્થિરતાનું મોટું કારણ બની શકે છે.

કંગાળ પાકિસ્તાન માટે અફઘાનિસ્તાન સાથેનું યુદ્ધ કેટલું મોંઘું પડશે?

પાકિસ્તાન અત્યારે તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. મોંઘવારી આસમાને છે, વિદેશી મુદ્રા ભંડાર (Foreign Reserve) તળિયે છે અને દેશ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના દેવા પર ટકી રહ્યો છે. આવા સમયે અફઘાનિસ્તાન સાથે છેડાયેલું યુદ્ધ પાકિસ્તાન માટે 'પોતાના પગ પર કુહાડી મારવા' સમાન સાબિત થઈ શકે છે.

યુદ્ધનો દૈનિક ખર્ચ અને ખાલી તિજોરી

યુદ્ધ લડવા માટે અબજો રૂપિયાના ઈંધણ, દારૂગોળો અને લોજિસ્ટિક્સની જરૂર પડે છે. પાકિસ્તાન પાસે અત્યારે એટલા ડોલર પણ નથી કે તે થોડા મહિના સુધી જીવનજરૂરી ચીજોની આયાત કરી શકે. એવામાં 'ઓપરેશન ગઝબ-લિલ-હક' જેવી સૈન્ય કાર્યવાહી તેની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે તોડી નાખશે.

 IMF અને આંતરરાષ્ટ્રીય સહાય પર જોખમ

IMF અને અન્ય લોન આપનારા દેશો હંમેશા શાંતિ અને આર્થિક સ્થિરતાની શરતે નાણાં આપે છે. જો પાકિસ્તાન લાંબા સમય સુધી આ યુદ્ધમાં વ્યસ્ત રહેશે, તો વૈશ્વિક સંસ્થાઓ તેની લોન અટકાવી શકે છે, જેનાથી પાકિસ્તાન ડિફોલ્ટ (નાદાર) થવાના આરે આવી જશે.

સરહદી વેપારને ફટકો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કરોડો ડોલરનો વેપાર ચાલે છે. સરહદો બંધ થવાથી પાકિસ્તાની નિકાસકારોને મોટું નુકસાન થઈ શકે છે. અફઘાનિસ્તાન એ મધ્ય એશિયાના દેશોમાં પહોંચવા માટે પાકિસ્તાનનો મુખ્ય માર્ગ છે, જે હવે બંધ થઈ ગયો છે.

સંરક્ષણ બજેટમાં જંગી વધારો

પહેલેથી જ પાકિસ્તાન તેના બજેટનો મોટો હિસ્સો સૈન્ય પાછળ ખર્ચે છે. હવે યુદ્ધને કારણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને વિકાસના કામોના પૈસા કાપીને સેનાને આપવા પડશે, જેનાથી સામાન્ય જનતામાં રોષ વધશે અને મોંઘવારી વધુ વિકરાળ બનશે.

વિદેશી રોકાણકારોનો ફાળો

યુદ્ધગ્રસ્ત દેશમાં કોઈ પણ વિદેશી કંપની રોકાણ કરવા માંગતી નથી. ચીન જેવો પાકિસ્તાનનો ખાસ મિત્ર પણ સીપેક (CPEC) પ્રોજેક્ટ સુરક્ષાના કારણોસર અટકાવી શકે છે, જે પાકિસ્તાન માટે આર્થિક આત્મહત્યા સમાન હશે.