VIDEO : 'અમે અમેરિકાના વિશ્વાસઘાતને ભૂલ્યા નથી', નૌકાદળની નાકાબંધી પર ઈરાની રાજદૂતનું આક્રમક વલણ
ભારતમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાજદૂત ડૉ. મોહમ્મદ ફતાલીએ નૌકાદળની નાકાબંધી અને વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ઈરાન માટે મુત્સદ્દીગીરી (Diplomacy) એ તેમના રક્ષકોના સંઘર્ષનો જ એક ભાગ છે.
ડૉ. ફતાલીએ ભારપૂર્વક કહ્યું કે, "અમારા માટે રાજદ્વારી પ્રક્રિયા એ ઈરાનના રક્ષકો દ્વારા કરવામાં આવતા સંઘર્ષનું જ ચાલુ સ્વરૂપ છે. તેમણે અમેરિકાના ભૂતકાળના વલણની ટીકા કરતા કહ્યું કે, ઈરાન અમેરિકા દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓના ભંગ અને તેમના ખરાબ ઈરાદાઓને ક્યારેય ભૂલ્યું નથી અને ભૂલશે પણ નહીં. અમેરિકા સાથેના તેમના અનુભવો ખૂબ જ કડવા રહ્યા છે. 12 દિવસના યુદ્ધનો ઉલ્લેખ કરતા રાજદૂતે જણાવ્યું કે, જ્યારે ઈરાન વાટાઘાટોમાં વ્યસ્ત હતું, ત્યારે ઝાયોનિસ્ટ શાસન (ઈઝરાયેલ) અને અમેરિકાએ હુમલો શરૂ કર્યો હતો. અમે અમેરિકાના વિશ્વાસઘાત અને ઇતિહાસમાં તેમણે કરેલા કરારોના ભંગને ભૂલ્યા નથી. અમારી પાસે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડાયેલા ઘણા કડવા અનુભવો છે.
ઈરાની રાજદૂતનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ઈરાન પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલ સાથેના સંબંધોમાં અત્યંત સાવધ છે. નાકાબંધી અને સૈન્ય તણાવ વચ્ચે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.

