વોરેન બફેટ આજે છોડી દેશે બર્કશાયર હેથવેનું CEO પદ, કોણ સંભાળશે તેમની અબજો ડોલરની સત્તા?
વિશ્વના સૌથી પ્રખ્યાત ઈન્વેસ્ટર વૉરન બફેટે લગભગ 60 વર્ષ સુધી બર્કશાયર હેથવેના CEO તરીકે કંપની

વિશ્વના સૌથી પ્રખ્યાત ઈન્વેસ્ટર વૉરન બફેટે લગભગ 60 વર્ષ સુધી બર્કશાયર હેથવેના CEO તરીકે કંપનીનું નેતૃત્વ કર્યું. હવે તેઓ 1 જાન્યુઆરી, 2026થી આ પદ છોડી રહ્યા છે. જોકે, 94 વર્ષીય બફેટ કંપનીના ચેરમેન તરીકે કાર્યરત રહેશે.
હવે ગ્રેગ એબેલ સંભાળશે સુકાન
બર્કશાયર હેથવેએ લાંબા સમયથી વૉરન બફેટના વારસદાર મનાતા અને નોન-ઈન્સ્યોરન્સ બિઝનેસના વાઈસ ચેરમેન ગ્રેગ એબેલને નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. બર્કશાયર હવે એટલી મોટી કંપની બની ગઈ છે કે તેને વધુ મોટી બનાવવા માટે ખૂબ જંગી નફા કે રોકાણની જરૂર પડે છે. તાજેતરમાં થયેલું $9.7 અબજનું ઓક્સીકેમ સંપાદન પણ કંપનીના કુલ નફામાં મોટો ફેરફાર લાવવા માટે પૂરતું નથી.
બર્કશાયરમાં શું બદલાશે?
ગ્રેગ એબેલ કંપનીના સંચાલનમાં કેવા બદલાવ લાવે છે તેના પર રોકાણકારોની મજબૂત પકડ રહેશે, જોકે કોઈ મોટા ફેરફારની આશા ઓછી છે. કારણ કે, એબેલ 2018થી જ મોટાભાગના વ્યવસાયો સંભાળી રહ્યા છે અને વૉરન બફેટ પણ માર્ગદર્શક તરીકે કંપનીમાં કાર્યરત રહેવાના છે.
બફેટ ચેરમેન પદે રહેશે કાર્યરત
અહેવાલ મુજબ, વૉરન બફેટ ચેરમેન તરીકે કાર્યરત રહેશે અને નવા રોકાણો તથા સલાહ-સૂચન માટે દરરોજ ઓફિસ આવશે. એનાલિસ્ટ કેથી સીફર્ટના મતે, 4 લાખ કર્મચારીઓ ધરાવતી આ વિશાળ કંપની માટે એબેલ દ્વારા નેતૃત્વની વધુ વ્યવસ્થિત અને પરંપરાગત પદ્ધતિ અપનાવવી સ્વાભાવિક રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં સ્વ. ચાર્લી મંગરે શેરહોલ્ડર્સને ખાતરી આપી હતી કે ગ્રેગ એબેલ બર્કશાયરની મૂળ સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા સક્ષમ છે.
વર્તમાન પડકારો
બર્કશાયર પાસે હાલમાં $380 અબજથી વધુની રોકડ અને સરકારી બોન્ડ્સ છે. નવા CEO સામે આ જંગી મૂડીનો સાચો ઉપયોગ કરવાનો મોટો પડકાર હશે, કારણ કે અત્યારે બજારમાં મોટા રોકાણ કે કંપની ખરીદવાની તકો ઓછી છે.
બફેટનો વારસો
બફેટનું CEO પદ છોડવું એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં એક ઐતિહાસિક યુગનો અંત છે. તેમની ધીરજ, પ્રામાણિકતા અને તાર્કિક નિર્ણયો લેવાની પદ્ધતિએ પેઢીઓ સુધી રોકાણકારોને પ્રેરણા આપી છે. ભલે ગ્રેગ એબેલના નેતૃત્વમાં નવો પ્રવાસ શરૂ થઈ રહ્યો હોય, પણ બફેટની શીખ અને તેમનો વારસો હંમેશા જીવંત રહેશે.








