VIDEO/ સીઝફાયર વચ્ચે અમેરિકાએ ઈરાનનું વધુ એક તેલ ટેન્કર જપ્ત કર્યું, મધદરિયે હાઈવોલ્ટેજ ડ્રામા
વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રમાં ચાલી રહેલી ખેંચતાણ હવે ગંભીર વળાંક લઈ રહી છે. સીઝફાયર (યુદ્ધવિરામ)ની મંત્રણાઓ વચ્ચે અમેરિકી નૌકાદળે હિંદ મહાસાગરમાં ઈરાન સાથે જોડાયેલા એક વિશાળ તેલ ટેન્કર 'M/T Tifani' પર ધાવો બોલી તેને પોતાના કબજે કરી લીધું છે. આ કાર્યવાહીથી ખાડી દેશો સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે.
ઓપરેશનની વિગતો
અમેરિકી સંરક્ષણ વિભાગ (પેન્ટાગન) ના જણાવ્યા મુજબ, આ ઓપરેશન ઇન્ડો-પેસિફિક કમાન્ડ (INDOPACOM) ના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. 'M/T Tifani' નામનું આ જહાજ બોત્સ્વાનાના ઝંડા હેઠળ ચાલી રહ્યું હતું અને તે બંગાળની ખાડીમાં ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેના વિસ્તારમાં પકડાયું છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, તેનું છેલ્લું લોકેશન શ્રીલંકા અને મલક્કા સ્ટ્રેટ વચ્ચે મળ્યું હતું અને તે સિંગાપોર તરફ જઈ રહ્યું હોવાનું મનાય છે.
અમેરિકાનો દાવો: તેલની તસ્કરી
અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે આ તેલ ટેન્કર પર અગાઉથી પ્રતિબંધો લાદવામાં આવેલા હતા અને તે ગેરકાયદેસર રીતે ઈરાની તેલની તસ્કરીમાં સામેલ હતું. અમેરિકાએ "રાઈટ ઓફ વિઝિટ" (Right of Visit) હેઠળ જહાજને અટકાવ્યું, તેની તપાસ કરી અને કોઈ પણ પ્રકારની હિંસા કે અથડામણ વગર તેને કબજે કર્યું હતું. પેન્ટાગને કહ્યું કે, તે આવા નેટવર્કને તોડવા માટે વિશ્વના કોઈ પણ ખૂણે કાર્યવાહી ચાલુ રાખશે.
ઈરાનનો વળતો પ્રહાર: 'સમુદ્રી લૂંટ'
બીજી તરફ, ઈરાને અમેરિકાની આ કાર્યવાહીની આકરી નિંદા કરી છે. ઈરાને તેને સીધી રીતે “પાયરેસી” (સમુદ્રી લૂંટ) ગણાવી છે અને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ ઘટનાને કારણે આગામી સમયમાં યોજાનારી બંને દેશો વચ્ચેની મંત્રણાઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાને સંકેત આપ્યા છે કે તે હવે પછીની વાતચીતમાં પોતાના પ્રતિનિધિઓ મોકલશે નહીં.
સીઝફાયર છતાં વધતો અવિશ્વાસ
નોંધનીય છે કે, સીઝફાયર દરમિયાન અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલું આ બીજું જહાજ છે. આ અગાઉ અમેરિકી નૌકાદળે ઈરાની કન્ટેનર શિપ 'Touska' ને પણ અટકાવ્યું હતું. આ ઉપરા-ઉપરી કાર્યવાહીઓ દર્શાવે છે કે જમીન પર ભલે શાંતિની વાતો થતી હોય, પરંતુ સમુદ્રમાં બંને દેશો વચ્ચેનો અવિશ્વાસ અને તણાવ યથાવત છે.
હવે અમેરિકી સેના નક્કી કરશે કે આ જપ્ત કરાયેલા તેલ ટેન્કરને અમેરિકા લઈ જવામાં આવે અથવા તો અન્ય કોઈ દેશને સોંપવામાં આવે. હાલમાં આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પણ અસર જોવા મળી શકે છે.

