Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US attack on oil tanker in Oman, 3 Indian crew members missing

ઓમાનમાં ઓઈલ ટેન્કર પર અમેરિકાનો હુમલો, 3 ભારતીય ક્રૂ મેમ્બર લાપતા, ભારતનું US રાજદ્વારીને તેડું

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઓમાનમાં ઓઈલ ટેન્કર પર અમેરિકાનો હુમલો, 3 ભારતીય ક્રૂ મેમ્બર લાપતા, ભારતનું US રાજદ્વારીને તેડું
સોર્સ : Google

પશ્ચિમ એશિયા (Middle East)માં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષની વચ્ચે ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ ઓઈલ ટેન્કર પર અમેરિકન સેના દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ પર કુલ 28 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 24 નાગરિકો ભારતીય હતા. આ હિંસક હુમલા બાદ 3 ભારતીય જવાનો લાપતા હોવાના અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે, જ્યારે 21 ભારતીયોને ઓમાન નેવીની મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ભારતે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરીને નવી દિલ્હીમાં અમેરિકન રાજદ્વારીને સમન્સ પાઠવીને કડક વિરોધ નોંધાવ્યો છે.

App Store

ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) બુધવારે રાત્રે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, 'જે કોમર્શિયલ જહાજ પર હુમલો થયો છે, તેનું નામ 'સેટેબેલો' (Settebello) છે, અને તે 'પલાઉ' (Palau) દેશના ફ્લેગ હેઠળ રજિસ્ટર્ડ થયેલું કેમિકલ/ઓઈલ પ્રોડક્ટ ટેન્કર છે. એક અહેવાલ મુજબ, 'આ ટેન્કર આંશિક રીતે ઓઈલથી ભરેલું હતું, જે ઓમાનના સોહર બંદરગાહથી 20 નોટિકલ માઈલ ઉત્તર-પૂર્વમાં હતું, ત્યારે જ તેના પર હુમલો થતાં એન્જિન રૂમમાં ભયાનક આગ લાગી હતી. જહાજ તરફથી મોકલવામાં આવેલી ઇમરજન્સી 'ડિસ્ટ્રેસ કોલ' (Distress Call) પર ઓમાનની નૌસેનાએ તાત્કાલિક એક્શન લઈને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.'

ભારતનું અમેરિકન રાજદ્વારી 'જેસન મીક્સ'ને તેડું

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ભારતે બુધવારે નવી દિલ્હીમાં અમેરિકાના વચગાળાના રાજદ્વારી જેસન મીક્સને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી (અમેરિકા ડેસ્ક) નાગરાજ નાયડુએ યુએસ રાજદ્વારી સમક્ષ સમુદ્રમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટ કર્યું કે, 'આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર કોમર્શિયલ જહાજો અને સામાન્ય નાગરિકોને નિશાનો બનાવવો તદ્દન અસ્વીકાર્ય છે.' જો કે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડએ હજુ સુધી આ હુમલા પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

શા માટે અમેરિકાએ ઓઈલ ટેન્કરને બનાવ્યું નિશાન?

બ્રિટિશ મેરિટાઇમ સિક્યોરિટી ગ્રુપ 'એમ્બ્રે' (Ambrey)ના અહેવાલ અનુસાર, આ હુમલો વાસ્તવમાં ઈરાની બંદરગાહો અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)ની નાકાબંધી કરવા માટે અમેરિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ સૈન્ય ઓપરેશનનો હિસ્સો હોઈ શકે છે. અમેરિકાએ 13 એપ્રિલથી ઈરાન સાથે જોડાયેલા શિપમેન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. 

ભારતીય વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરતાં જણાવ્યું છે કે, 'પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક વેપાર માર્ગો પ્રભાવિત ન થવા જોઈએ. અમે તાત્કાલિક યુદ્ધવિરામ (Ceasefire) અને રાજદ્વારી વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાની માંગ કરીએ છીએ. ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ હાલમાં લાપતા 3 ભારતીયોની શોધખોળ માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છીએ.'