VIDEO: અમેરિકાની વેનેઝુએલાના 4 શહેરો પર એરસ્ટ્રાઈક, 2 દેશોના વિરોધ સાથે નેશનલ ઈમરજન્સી લાગુ
વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક બાદ એક સાત ધડાકા થતાં હડકંપ મચ્યો હતો. શહેરના જુદા જુદા વિ
વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક બાદ એક સાત ધડાકા થતાં હડકંપ મચ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ધુમાડો જોવા મળ્યો. વેનેઝુએલાની સરકારે વિસ્ફોટ અંગે સત્તાવાર નિવેદનમાં અમેરિકા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. નિકોલસ માદુરોની સરકારે અમેરિકાની સૈન્ય આક્રમકતાની ટીકા કરી છે. તેમનો આરોપ છે કે અમેરિકાએ કારાકાસ જ નહીં મીરાંડા, અરગુઆ અને લા ગુઈરામાં પણ હવાઈ હુમલા હુમલા કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરોએ દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે.
વેનેઝુએલાના કારાકાસના મોટા સૈન્ય બેઝની આસપાસ વીજળીની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. સ્થાનિકોનો દાવો છે કે તેમણે વિસ્ફોટ સમયે લડાકૂ વિમાન ઊડતાં જોયા હતા. જે બાદ વેનેઝુએલાની સરકારે અમેરિકા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. વેનેઝુએલાના કારાકાસમાં જોરદાર વિસ્ફોટો વચ્ચે લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા છે. અચાનક થયેલા વિસ્ફોટોથી સમગ્ર શહેરમાં ગભરાટ ફેલાયો છે. લોકોમાં સલામતીની ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. પરિવાર સાથે સલામત સ્થળે જવા લાગ્યા છે. આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ છે.
કોલંબિયા અને ક્યુબા વેનેઝુએલાની પડખે
કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો ખૂલીને વેનેઝુએલાની પડખે આવ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર મિસાઈલથી હુમલો કર્યો છે. જેથી સંયુક્ત રાષ્ટ્રએ તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ.
ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ કેનેલે પણ અમેરિકાની ટીકા કરી છે. તેમણે અન્ય દેશોને પણ અપીલ કરી છે કે તેમણે અમેરિકાની 'ગુનાહિત' કાર્યવાહીનો વિરોધ કરવો જોઈએ. આ લેટિન અમેરિકન ક્ષેત્ર વિરુદ્ધ એક પ્રકારનો 'આતંકવાદ' જ છે.
3 જાન્યુઆરી, શનિવારે વહેલી સવારે થયેલા અનેક શક્તિશાળી વિસ્ફોટો બાદ કારાકાસમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા અને લશ્કરી વિમાનો ફરતા જોવા મળ્યા હતા. શહેરના દક્ષિણ ભાગમાં એક મુખ્ય લશ્કરી થાણા પાસે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે આ વિસ્તાર અંધકાર અને અરાજકતામાં ડૂબી ગયો હતો. સતત વિસ્ફોટો અને વીજળી ગુલ થવાથી નાગરિકોમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે.








