વિઝિટર વિઝા પર દુબઈ જઈને ભીખ માગે છે પાકિસ્તાનીઓ, પોલીસે 202 ભીખારીઓની કરી ધરપકડ

રમઝાનના પવિત્ર મહિનામાં દુબઈમાં ભીખ માગી રહેલા લોકોની સંખ્યામાં આવેલા ઉછાળા બાદ પોલીસને આખરે એક્શનમાં આવવું પડ્યું છે. દુબઈ પોલીસે રમઝાન મહિનાના પહેલા બે સપ્તાહમાં 202 ભીખારીઓની ધરપકડ કરી છે. જેમાં 112 પુરુષ અને 90 મહિલાઓ છે. પકડાયેલા મોટાભાગના ભીખારીઓ પાકિસ્તાની છે અને તેઓ વિઝિટર વિઝા પર દુબઈ આવીને ભીખ માગતા હોવાનો દાવો દુબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારી બ્રિગેડિયર અલી સલેમ અલ શમ્સીએ કર્યો હતો.
દુબઈના અખબારે આ અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, ભીખારીઓ લોકોની દયાનો ફાયદો ઉઠાવતા હોય છે અને ખોટી વાતો કહીને લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે. આ ભીખારીઓ સારી રીતે જાણે છે કે યુએઈના લોકો મદદગાર અને દયાળુ હોય છે.
પાકિસ્તાનના એક યુ ટ્યૂબર સુહૈબ ચૌધરીએ કહ્યું હતું કે, પકડાયેલામાંથી મોટાભાગના પાકિસ્તાનથી દુબઈ ગયેલા લોકો છે. પાકિસ્તાનના લોકોએ બીજા દેશોમાં જઈને પોતાના દેશની બદનામી થાય તેવી હરકતો કરવાનું બંધ કરવુ જોઈએ. આ મુદ્દે તેમણે પાડોશી દેશ ભારતના લોકો પાસેથી ઘણુ શીખવાની જરૂર છે.
દુબઈના કાયદા પ્રમાણે અહીં ભીખ માગવી ગુનો ગણાય છે. ભીખ માગતા જો કોઈ વ્યક્તિ પકડાય તો તેને ઓછામાં ઓછો 5000 દીરહામનો દંડ કરવાની અને ત્રણ મહિના સુધી જેલની સજાની જોગવાઈ છે. જો દુબઈના રહેવાસીઓ બીજા દેશના લોકોને અહીં લાવીને તેમની પાસે ભીખ મગાવતા પકડાય તો તેમને ઓછામાં ઓછો 1 લાખ દીરહામનો દંડ અને 6 મહિનાની જેલની સજા થઈ શકે છે.

