મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

મદદ કરનારાઓને પણ ટ્રમ્પે ન છોડ્યા, અફઘાની નાગરિક સહિત ડઝનેક પ્રવાસીઓને આફ્રિકા તગેડી મૂક્યા

અમેરિકાએ શનિવારે (29 ઓગસ્ટ) 12 અફઘાન અને 8 ઈરાની નાગરિકો સહિત અન

મદદ કરનારાઓને પણ ટ્રમ્પે ન છોડ્યા, અફઘાની નાગરિક સહિત ડઝનેક પ્રવાસીઓને આફ્રિકા તગેડી મૂક્યા
આ સમાચાર સાંભળો

અમેરિકાએ શનિવારે (29 ઓગસ્ટ) 12 અફઘાન અને 8 ઈરાની નાગરિકો સહિત અનેક લોકોને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક દેશનિકાલ કર્યા છે. આ જૂથમાં 20 વર્ષીય એક અફઘાન નાગરિક પણ સામેલ છે. જેના ભાઈઓએ અમેરિકી સેના સાથે મળીને કામ કર્યું હતું. આ અફઘાન નાગરિકના વકીલ અલ્મા ડેવિડના જણાવ્યા અનુસાર, અમેરિકી જજે તેને અફઘાનિસ્તાન પાછા મોકલવા સામે કાનૂની સુરક્ષા આપી હતી. કારણ કે તેને તાલિબાન તરફથી જીવનુ જોખમ હતું. કોર્ટના દસ્તાવેજો મુજબ, અમેરિકી દળોને સમર્થન આપવાના કારણે તેના પરિવારને તાલિબાન તરફથી સતત ધમકીઓ મળી રહી હતી.

શનિવારે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની રાજધાની બાંગુઈ પહોંચેલી આ ડિપોર્ટેશન ફ્લાઇટમાં અફઘાનિસ્તાન અને ઈરાન સિવાય નેપાળ અને નિકારાગુઆના નાગરિકો પણ સામેલ હતા. માનવાધિકાર સંગઠન 'હ્યુમન રાઇટ્સ ફર્સ્ટ'ના ડાયરેક્ટર સાવી અરવેના જણાવ્યા મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગુપ્ત કરારો હેઠળ હજારો શરણાર્થીઓને એવા બે ડઝન દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે, જે તેમના માતૃદેશ નથી.

જૂન મહિના પછી બીજી એવી ફ્લાઇટ

ઇમિગ્રેશન વકીલોના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયાનો ઉપયોગ કાનૂની છટકબારી તરીકે કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા શરણ માગનારાઓને અપ્રત્યક્ષ રીતે એ જ જોખમી સ્થિતિ તરફ ધકેલવામાં આવી રહ્યા છે. જૂન મહિનામાં પણ આ જ રીતે બે ડઝનથી વધુ વિદેશી નાગરિકોને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક મોકલવામાં આવ્યા હતા, જેમાં ઈરાનની એક મહિલા પણ સામેલ હતી. માનવાધિકાર સંગઠનોએ અમેરિકાની આ નીતિ સામે કડક વિરોધ નોંધાવ્યો છે.

આ સમાચાર શેર કરો