લંડનની લક્ઝરી હોટેલમાં 29 વર્ષીય સાઉદી પ્રિન્સ અબ્દુલ્લાનો મળ્યો મૃતદેહ, ટોક્સિકોલોજી રિપોર્ટમાં શું આવ્યું?

યુકે (UK) કોરોનરની તપાસ સમક્ષ સામે આવેલા અહેવાલ મુજબ, એક 29 વર્ષીય સાઉદી રાજકુમારનું લંડનની એક લક્ઝરી હોટેલમાં દારૂ, પાર્ટી ડ્રગ્સ અને પ્રિસ્ક્રિપ્શન દવાઓના જીવલેણ મિશ્રણનું સેવન કરવાથી મૃત્યુ થયું છે. ધ સન અને ડેઇલી મિરર જેવા વિવિધ મીડિયા આઉટલેટ્સના અહેવાલો મુજબ, અબ્દુલ્લા બિન ફહાદ બિન અબ્દુલ્લા બિન અબ્દુલઅઝીઝ બિન જલાવી અલ સાઉદ તરીકે ઓળખાતા આ રાજકુમાર 25 નવેમ્બરના રોજ કેન્સિંગ્ટનની મેરિયોટ હોટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મલ્ટી-ડ્રગ્સના સેવનથી હૃદય બંધ પડી જવાથી (કાર્ડિયાક અરેસ્ટ) તેમનું મોત થયું હતું.
ઇનર વેસ્ટ લંડન કોરોનર કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પુરાવા મુજબ, પ્રિન્સ અબ્દુલ્લાએ 19 નવેમ્બરે એક અઠવાડિયાના રોકાણ માટે એક રાતના 600 યુરો ભાડું ધરાવતી હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. મૃત્યુના આગલા દિવસે સાંજે તેઓ સીસીટીવી (CCTV)માં છેલ્લી વાર સિગારેટ પીવા માટે બહાર નીકળતા જીવંત જોવા મળ્યા હતા.
બીજા દિવસે, હોટેલના એક સફાઈકર્મીએ તેમના પાંચમા માળના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ બાથરૂમના ફ્લોર પર કપડાં સાથે પડેલા મળી આવ્યા હતા. હોટેલ સ્ટાફે ઇમરજન્સી સેવાઓને જાણ કરી હતી, પરંતુ પેરામેડિક્સ તેમને બચાવી શક્યા ન હતા અને ઘટનાસ્થળે જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ટોક્સિકોલોજી રિપોર્ટમાં દારૂ અને ડ્રગ્સનું જીવલેણ મિશ્રણ સામે આવ્યું
તપાસમાં જાણવા મળ્યું કે ટોક્સિકોલોજી ટેસ્ટ દરમિયાન પ્રિન્સ અબ્દુલ્લાના લોહીમાં અલ્કોહોલનું પ્રમાણ દર 100 મિલી લોહીમાં 222 મિલિગ્રામ હતું—જે ઇંગ્લેન્ડમાં વાહન ચલાવવા માટેની કાયદાકીય મર્યાદા કરતાં લગભગ ત્રણ ગણું વધુ છે. નિષ્ણાતોએ કોર્ટને જણાવ્યું હતું કે આટલું અલ્કોહોલનું પ્રમાણ જ વ્યક્તિને કોમામાં મોકલવા માટે પૂરતું હતું.
તપાસકર્તાઓને 'પાર્ટી ડ્રગ' તરીકે ઓળખાતા ગામા-હાઇડ્રોક્સીબ્યુટાઇરેટ (GHB)નું જીવલેણ પ્રમાણ પણ મળી આવ્યું હતું, સાથે જ ગાંજો, ઝેનેક્સ અને અન્ય એન્ટી-એન્ઝાયટી (ચિંતા દૂર કરવાની) દવાઓ નિર્ધારિત માત્રામાં મળી આવી હતી. તબીબી નિષ્ણાતોએ તારણ કાઢ્યું હતું કે વિવિધ પદાર્થોના આ મિશ્રણને કારણે હૃદય બંધ પડી ગયું હતું અને અંતે તેમનું મૃત્યુ થયું હતું.
પ્રિન્સ વ્યસનમાંથી મુક્તિ માટે સારવાર લઈ રહ્યા હતા
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મૃત્યુ પહેલાં પ્રિન્સ અબ્દુલ્લા દારૂ અને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સની ટેવ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને ઓગસ્ટ 2025માં રોહમ્પટનની પ્રાયરી ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અલ્કોહોલ, બેન્ઝોડાયઝેપાઇન્સ અને પ્રેગાબાલિન માટે ડિટોક્સિફિકેશન (વ્યસનમુક્તિ સારવાર) કરાવી હતી.
કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ ડો. વિક્ટોરિયા ચામોરોએ જણાવ્યું કે પ્રિન્સ સારવારમાં હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા હતા, દાખલ કરતી વખતે તેમનામાં ચિંતા અને ઉદાસીનતાના લક્ષણો હતા, અને તેમણે કોઈ શારીરિક જટિલતાઓ વિના ડિટોક્સ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો. જોકે પછીથી તેઓ નક્કી કરેલી એપોઇન્ટમેન્ટમાં આવ્યા નહોતા, તેમ છતાં ડિસ્ચાર્જ કરતી વખતે તબીબોએ તેમને સ્વ-નુકસાન (આત્મહત્યા)ના જોખમમાં ગણ્યા ન હતા.
ઇન્ક્વેસ્ટ દરમિયાન રજૂ કરાયેલા પુરાવા અનુસાર, પ્રાયરી ક્લિનિકમાં રોકાણ બાદ પ્રિન્સ અબ્દુલ્લાએ મરસીસાઇડની રેઇનફોર્ડ હોલ ક્લિનિકમાં વધુ સારવાર લીધી હતી અને શ્વસનતંત્રના ચેપમાંથી સાજા થયા બાદ ઓક્ટોબરમાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
કોરોનરે મૃત્યુને અકસ્માત (Misadventure) ગણાવ્યું
આસિસ્ટન્ટ કોરોનર જીન હાર્કિને તારણ કાઢ્યું હતું કે પ્રિન્સનો પોતાનો જીવ લેવાનો કોઈ ઈરાદો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે કોઈ સુસાઈડ નોટ નહોતી મળવી, તેમણે આત્મહત્યાના વિચારો વ્યક્ત કર્યા હોવાનો કોઈ સંકેત નહોતો, અને આમાં કોઈ ત્રીજી વ્યક્તિની સંડોવણીના કોઈ પુરાવા નહોતા. સીસીટીવી ફૂટેજમાં પણ તેઓ તેમના મૃત્યુના અંતિમ કલાકો દરમિયાન એકલા જોવા મળ્યા હતા.
આ ઘટનાને 'દુર્ઘટનાપૂર્ણ મૃત્યુ' (Death by misadventure) તરીકે નોંધતા હાર્કિને ચુકાદો આપ્યો કે તબીબી રીતે મૃત્યુનું કારણ વિવિધ ડ્રગ્સ/પદાર્થોનું સેવન હતું. તેમણે પ્રિન્સના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
સાઉદી રોયલ કોર્ટે પાછળથી એક અધિકૃત નિવેદનમાં પ્રિન્સ અબ્દુલ્લાના નિધનની પુષ્ટિ કરી હતી અને જાહેરાત કરી હતી કે રિયાધની VIP ઇમામ તુર્કી બિન અબ્દુલ્લા મસ્જિદમાં તેમની અંતિમ પ્રાર્થના યોજાશે.

