તહરીક-એ-તાલિબાને પાકિસ્તાની આર્મી પોસ્ટ કરી કબજે, TTP આતંકવાદીઓએ જાહેર કર્યો વીડિયો

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તેણે પાકિસ્તાની સેનાની એક પોસ્ટ પર કબજો કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે TTP આતંકવાદીઓએ કથિત રીતે પાકિસ્તાની સેનાની પોસ્ટ પર કબજો કરી લીધો છે. TTP અને તાલિબાને પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે.
- પાકિસ્તાની સેના અને તહરીક-એ-તાલિબાન આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં નવો વળાંક આવ્યો છે.
- TTP આતંકવાદીઓએ પાકિસ્તાની આર્મી પોસ્ટ પર કબજો કરવાનો મોટો દાવો કર્યો છે.
- ટીટીપી આતંકવાદીઓએ કહ્યું કે તેઓએ બાજૌર જિલ્લામાં પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટ પર કબજો કરી લીધો છે.
TTP દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પાકિસ્તાની સેના પોતાની પોસ્ટ છોડીને ભાગી ગઈ. ટીટીપીના આતંકવાદીઓએ કહ્યું કે, તેઓએ બાજૌર જિલ્લાના સલારઝાઈ તાલુકામાં પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટ પર કબજો કરી લીધો છે. ટીટીપીએ આ પોસ્ટ પરથી પાકિસ્તાની સેનાનો ધ્વજ હટાવીને તેનો ઈસ્લામિક ધ્વજ ફરકાવ્યો હતો. બીજી તરફ પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ટીટીપી દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે TTPએ કોઈપણ ઉશ્કેરણી વગર તેમની સરહદી ચોકીઓ પર ભારે હથિયારોથી હુમલો કર્યો છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેણે જવાબી કાર્યવાહી કરીને 15 આતંકીઓને ઠાર કર્યા છે. એટલું જ નહીં, તેણે ટીટીપી લડવૈયાઓને ભારે નુકસાન પહોંચાડવાનો પણ દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે TTP આતંકવાદીઓની આ ઘૂસણખોરીને અફઘાનિસ્તાનની તાલિબાન સેના દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું.
પાકિસ્તાની સેનાથી બદલો લીધો
તાલિબાન સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે તેણે અફઘાનિસ્તાનની અંદર પક્તિકા પ્રાંતમાં થયેલા હવાઈ હુમલાનો બદલો લીધો છે. તાલિબાને કહ્યું કે બર્મલ જિલ્લામાં આ પાકિસ્તાની હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત લગભગ 50 લોકો માર્યા ગયા છે. દરમિયાન તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે તેઓએ પાકિસ્તાનની સરહદની અંદર ગુનાહિત તત્વોને નિશાન બનાવ્યા છે. તેમણે એ નથી જણાવ્યું કે આ હુમલામાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવવામાં આવી હતી કે નહીં.
પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સ્થિતિ ઘણી તંગ બની ગઈ છે. પાકિસ્તાનનો દાવો છે કે તાલિબાન સરકાર TTP આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહી છે. ટીટીપીના આ આતંકવાદીઓ પાકિસ્તાની સેના પર સતત લોહીયાળ હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ હુમલાઓમાં લગભગ 400 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ટીટીપી અને તાલિબાન ધાર્મિક વિચારધારાના આધારે ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે. તાલિબાને પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો છે. તાલિબાનનું કહેવું છે કે ટીટીપીના આતંકવાદીઓ પાકિસ્તાનની ધરતી પર હાજર છે.
તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી શકે છે
તાલિબાને એમ પણ કહ્યું કે પાકિસ્તાનની હવાઈ હુમલો તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તાલિબાને જવાબી હુમલામાં 19 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ સૈન્ય તણાવ બંને વચ્ચેના સંબંધો બગડી શકે છે. અફઘાનિસ્તાન મીડિયાનું કહેવું છે કે તાલિબાન અને પાકિસ્તાની સેનાએ એકબીજાને માર્યા હોવાના આંકડાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

