મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

રશિયા તરફથી યુદ્ધ લડતા ગુજરાતના વિદ્યાર્થીનું યૂક્રેન સામે સરેન્ડર; જેલથી બચવા માટે સેનામાં જોડાયો હતો 

યૂક્રેની સેનાએ દાવો કર્યો છે કે તેને રશિયા માટે યુદ્ધ લડનારા એક ભારતીય નાગરિકને પકડ્યો

રશિયા તરફથી યુદ્ધ લડતા ગુજરાતના વિદ્યાર્થીનું યૂક્રેન સામે સરેન્ડર; જેલથી બચવા માટે સેનામાં જોડાયો હતો 

યૂક્રેની સેનાએ દાવો કર્યો છે કે તેને રશિયા માટે યુદ્ધ લડનારા એક ભારતીય નાગરિકને પકડ્યો છે. યૂક્રેની સેનાની 63મી મેકેનાઇજ્ડ બ્રિગેડે કહ્યું કે આ ભારતીય નાગરિકે તેમની સામે આત્મસમર્પણ કરી દીધુ હતું. 

રશિયા તરફથી યુદ્ધ લડતો મોરબીનો વિદ્યાર્થી ઝડપાયો

યૂક્રેની સેના અનુસાર પકડાયેલા ભારતીય નાગરિકનું નામ માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન છે જે ગુજરાતના મોરબીનો રહેવાસી છે. 22 વર્ષનો માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન એક યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો. હજુ સુધી ભારત કે રશિયા તરફથી આ દાવા પર કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, ભારત એમ માને છે કે હજુ પણ કેટલાક ભારતીય રશિયાની સેનામાં સામેલ છે.

ભારતીય નાગરિકે શું કહ્યું?

યૂક્રેની સૈનિકો સામે રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં માજોતીએ કહ્યું કે તેને રશિયામાં નશીલી દવાઓ સંબંધિત આરોપોમાં સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી અને આ સજાથી બચવા માટે રશિયન સેના સાથે એક કોન્ટ્રાક્ટ પર સહી કરવાની તક આપવામાં આવી હતી. મોરબીના વિદ્યાર્થીએ કહ્યું કે, "હું જેલમાં રહેવા માંગતો નહતો માટે  'વિશેષ સૈન્ય અભિયાન' એક કોન્ટ્રાક્ટ પર સહી કરી હતી.

યૂક્રેની સેના સામે કર્યું આત્મસમર્પણ

યૂક્રેને કહ્યું કે માજોતીને 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે બાદ 1 ઓક્ટોબર પહેલા તેને કોમ્બેટ મિશન પર મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને ત્રણ દિવસ યુદ્ધભૂમિ પર વિતાવ્યા હતા. પોતાના કમાન્ડર સાથે ઝઘડા બાદ તેને યૂક્રેની સેનાની 63મી મેકેનાઇજડ બ્રિગેડના સૈનિકો સામે સરેન્ડર કર્યું હતું. 

'હું રશિયા જવા માંગતો નથી'- ભારતીય નાગરિક

માજોતી એ કહ્યું, "હું રશિયા પરત ફરવા માંગતો નથી. હું અહીં (યૂક્રેન) જેલ જવાનું પસંદ કરીશ."માજોતીએ એવો પણ દાવો કર્યો કે તેને રશિયાની સેનામાં સામેલ થવા માટે પૈસા આપવાનું વચન પણ આપવામાં આવ્યું હતું પણ તે ક્યારેય મળ્યા નથી."

રશિયન સેનામાં સામેલ 12 ભારતીયોના મોત

એક રિપોર્ટ અનુસાર, યૂક્રેન વિરૂદ્ધ રશિયા તરફથી લડતા ઓછામાં ઓછા 12 ભારતીય માર્યા ગયા છે જ્યારે 16 લાપતા છે. પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે રશિયા તેલનો મુખ્ય ખરીદદારમાંથી એક હોવાને કારણે આ મુદ્દો મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે સંબંધોને જટિલ બનાવી રહ્યો છે. ભારતે રશિયા-યૂક્રેન યુદ્ધમાં કોઇનો પણ પક્ષ લેવાનો ઇનકાર કર્યો છે અને મોસ્કો વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી પણ અંતર જાળવ્યું છે. 

આ સમાચાર શેર કરો