VIDEO: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં રેલી દરમિયાન આત્મઘાતી હુમલો, 14 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં રવિવારે એક પોલીસ સ્ટેશનના ગેટ પાસે ભયાનક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. આ હુમલામાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
શાંતિ રેલી દરમિયાન થયો વિસ્ફોટ
મળતી માહિતી મુજબ, જે સમયે આ હુમલો થયો ત્યારે પોલીસ સ્ટેશન નજીકના કાબલ ચોક પર આતંકવાદ વિરુદ્ધ સ્થાનિક લોકોની શાંતિ રેલી ચાલી રહી હતી. રેલીમાં વક્તાનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે જ એક અજ્ઞાત યુવક પોલીસ સ્ટેશનના ગેટ તરફ આગળ વધ્યો. પોલીસે તેને રોકીને તલાશી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રોકાયો નહીં અને પોતાને બોમ્બથી ઉડાવી દીધો. વિસ્ફોટનો અવાજ સાંભળીને રેલીમાં નાસભાગ મચી ગઈ હતી.
ઈમરજન્સી સેવાઓ અને પોલીસ તપાસ શરુ
ધમાકા બાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તમામ ઘાયલોને નજીકની સૈદૂ શરીફ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને હાઈ એલર્ટ સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આતંકવાદ સામે જ નીકળી હતી રેલી
વિરોધાભાસની વાત એ છે કે સ્વાત વિસ્તારમાં સતત વધી રહેલી આતંકવાદી ઘટનાઓ સામે જ સ્થાનિક લોકો રવિવારે રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર પાસે કાયમી શાંતિ અને આતંકવાદના ખાતમાની માંગ કરી હતી. લોકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર સામાન્ય નાગરિકો પર કડકાઈ કરે છે પરંતુ પહાડી વિસ્તારોમાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
પ્રાંતમાં આતંકી હુમલાઓમાં સતત વધારો
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ભારે ઉછાળો આવ્યો છે. રવિવારે આ હુમલા પહેલા પેશાવર-ઈસ્લામાબાદ મોટરવે પર એક IED બ્લાસ્ટમાં 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા, જ્યારે 30 જુલાઈએ પણ હંગૂ વિસ્તારમાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં 9 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. સુરક્ષા રિપોર્ટ અનુસાર, આ પ્રાંતમાં જૂન મહિનાની સરખામણીએ જુલાઈમાં આતંકી હિંસાથી થતા મોતમાં વધારો નોંધાયો છે.

