અમેરિકામાં પોલીસ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને શોધવા ગુરૂદ્વારામાં પહોંચતા શીખો ભડક્યા

અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વસાહતીઓને શોધી-શોધીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યાં છે. આ સંજોગોમાં અમેરિકાની પોલીસે ગેરકાયદે વસાહતીઓને શોધવા માટે શીખોના ગુરુદ્વારામાં પણ તપાસ શરૂ કરી છે જેનો કેટલાક શીખ સંગઠનોએ વિરોધ કર્યો છે. આ સાથે જ તેમને ધાર્મિક પવિત્રતાનો ભંગ પણ ગણાવ્યો છે.ન્યૂયોર્ક અને ન્યુજર્સીના કેટલાક ગુરૂદ્વારાનો ઉપયોગ શીખ અલગતાવાદીઓને અને ગેરકાયદે આવેલા વસાહતીને આશ્રય આપવા કરાતો હોવાનું ન્યૂઝ એજન્સીઓનું કહેવું છે.
અમેરિકન પોલીસ (હોમલેન્ડ સિક્યુરિટી)ના પ્રવક્તાએ જણાવ્યું છે કે હવે ગુનેગારો ધરપકડથી બચવા માટે અમેરિકન સ્કૂલો અને ચર્ચોમાં પણ છૂપાઇ નહીં શકે. ટ્રમ્પ વહીવટીતંત્ર તેમના બહાદુર કાયદાકીય અધિકારીઓના હાથ નહીં બાંધે પરંતુ તેમની કાર્યવાહી પર વિશ્વાસ કરશે.
અમેરિકન પોલીસની કાર્યવાહી પર નારાજગી
અમેરિકન પોલીસની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતાં શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એજ્યુકેશન ફંડે આ દિશાનિર્દોશે અંગે ચિંતા વ્યક્ત કરી, જેમાં પૂજાસ્થળો જેવા સંવેદનશીલ સ્થળોને ચિન્હિત કરવામાં આવ્યા છે. બાઇડેનના શાસન દરમિયાન આ સ્થળો પર તેમની કાર્યવાહી પ્રતિબંધિત હતી.
ટ્રમ્પે બાઇડેન તંત્રની નીતિ ફગાવી દેતા હવે અમેરિકન પોલીસના અધિકારીઓ ન્યૂયોર્ક અને ન્યુજર્સીમાં ગુરૂદ્વારામાં જવા લાગ્યા છે. સંસ્થાના કાર્યકારી નિર્દેશક કિરણ કૌર ગિલે જણાવ્યું હતું કે અમે હોમલેન્ડ સુરક્ષા વિભાગના સંવેદનશીલ ક્ષેત્રોની સુરક્ષા ખતમ કરવા અને પછી ગુરૂદ્વારા જેવા પૂજાસ્થળોને નિશાન બનાવવાના નિર્ણયથી ખૂબ જ ચિંતિંત છીએ.
ગિલે જણાવ્યું હતું કે ગુરૂદ્વારા ફક્ત પૂજાઅર્ચનાનું સ્થળ નથી પરંતુ મુખ્ય સામુદાયિક કેન્દ્ર છે. અહીં શીખો અને વ્યાપક સમુદાયને પોષણ અને આધ્યાત્મિક સાંત્વના આપવામાં આવે છે. આ સ્થલોને કાયદાકીય કાર્યવાહી માટે લક્ષ્યાંક બનાવવા તે અમારી આસ્થાની પવિત્રતાને ભયમાં મુકે છે. તેની સાથે સમગ્ર અમેરિકાના માઇગ્રન્ટ્સને ભયજનક સંદેશ જાય છે.

